મારી લાગણીઓની સરવાણી

Archive for the ‘દિલની વાત’ Category

મારી મહેચ્છાઓ…

૧.દુઃખમાં દુખી નથી થવું અને સુખમાં છકી નથી જવું. સહજ થવું છે.

૨.કળીયુગ એ સાચનો જમાનો નથી. તેમ છતાં બનશે એટલું સાચું બોલવાનો પ્રયત્ન કરીશ.

૩.ગુસ્સાનો ત્યાગ કરવો છે. મનને શાંત રાખવું છે.

૪.જરૂર પૂરતું જ બોલવું છે. (ઘણીવાર એવું થાય છે કે જે જરૂરી નથી હોતું એ પણ બોલાઈ જાય છે.)

૫.સફળ થવું છે.(બીઝ્નસમાં પણ અને સંબંધોમાં પણ. સફળ પુત્ર,સફળ પતિ,સફળ પિતા,સફળ દોસ્ત બનવું છે.)

૬.કોઈથી વિશ્વાસઘાત નથી કરવો.(જે પણ લોકોએ મારા પર ભરોસો કર્યો છે એના ભરોસા પર ખરો ઉતરવાના તમામ પ્રયત્નો કરવા છે.)

૭.કોઈથી ડરવું નથી.(જીવનમાં જ્યાં જુઓ ત્યાં ડર ડર અને ડર જ છે. આમ થશે તો ….તેમ થશે તો….આ ડરને કાબુમાં કરવો છે. )

૮.કોઈની નિંદા કરવી નથી.

૯.અણગમા પર કાબુ પામવો છે. (જયારે પણ પસંદગી પ્રમાણે નથી થતું ત્યારે અણગમો પ્રગટ થયા વગર નથી રહેતો.)

- ચંદ્રકાંત માનાણી

જીવન અને ડર

હું માનું છું કે ડર એ યા તો આપણે કઈક ખોટું કર્યું હોય તો લાગે અથવા અજ્ઞાનતામાં લાગે. અગર તમે કોઈનું કાઈ ખોટું ના કર્યું હોય તો ડરવાની જરૂર નથી. પણ અજ્ઞાનતામાં ડર છુપાયો હોય છે. જેમ આપણને કાર ચલાવતા ન આવડતી હોય ને ચલાવવી જ પડે ત્યારે ડર લાગે એ સહજ છે. એવી જ રીતે આપણે જીવન જીવીએ છીએ ,,જીવન જીવતા નથી આવડતું એટલે જ જીવનમાં ડરનું અસ્તિત્વ છે.

- ચંદ્રકાંત માનાણી

વેલેન્ટાઈન-ડે

છેલ્લે વાંચેલ ”મૌન રાગ” નવલકથામાં નાયક એની પ્રેમિકાને કહે છે,”આઈ લવ યુ અંજલિ, હું તને ચાહું છું, ખુબ ચાહું છું. મારી જાતથીયે વધારે …. હું ધારતો હતો એનાથીયે  વધારે ….તું માને છે એનાથીયે વધારે …કોઈ સમજી શકે એનાથીયે વધારે…” આ વાંચીને મને થયું કે અગર આપણા દિલમાં કોઈના માટે પ્રેમ છે તો તેને યોગ્ય સમયની રાહ જોયા વિના તાત્કાલિક ધોરણે વ્યક્ત કરી દેવો જોઈએ..શું ખબર કે એ યોગ્ય સમયની રાહ જોવામાં જીંદગી જ નીકળી જાય..

 

આપણે હંમેશા એવું  ઈચ્છીએ છીએ કે કોઈ આપણને ખુબ ચાહે., અનહદ ચાહે ,,સતત ચાહે, , અવિરત ચાહે,,ફક્ત આપણને જ ચાહે,,..એનો પ્રેમ ફક્ત આપણા માટે જ હોય,,મારા સિવાય એ કોઈ અન્યને ક્યારેય ન ચાહે…એવી ઈચ્છા બધાનાં દિલમાં ક્યાંક ઊંડે દટાયેલી  હોય છે..પ્રેમને શાયદ આપણે વેપાર સમજી બેઠા છીએ, વેપારમાં પણ કઈક રૂપિયાની અવેજમાં કઈક આપીએ તો છીએ પણ પ્રેમના મામલામાં એવું નથી, આપણને પ્રેમ ફક્ત જોઈએ છે આપવો નથી.

 

નવલકથાઓ વાંચવાથી મને આ ફાયદો થયો, મેં  મારા પ્રિયજનો પાસેથી પ્રેમની અપેક્ષા રાખવાના બદલે પ્રેમ આપ્યો, ફક્ત આપ્યો, પણ મારા આશ્ચર્ય વચ્ચે મને એટલો જ અને કહી શકીશ કે એથીય વિશેષ પ્રેમ પરત મળ્યો….રોઝ-ડે, ચોકલેટ-ડે, હગ-ડે,વેલેન્ટાઈન-ડે આ બધા દિવસોમાં ફક્ત એ દિવસ પુરતો જ દેખાડો કરવા કરતાં  સ્વજનોને રોજબરોજની જીંદગીમાં થોડો સમય અને થોડો પ્રેમ આપીશું તો રોજ-રોજ વેલેન્ટાઈન-ડે છે..

-ચંદ્રકાંત માનાણી

શું તમારી સાથે પણ આવું થાય છે…?

૧. જે વ્યક્તિને આપણે જીવનમાં ક્યારેય મળ્યા નથી કે પહેલા ક્યારેય જોઈ પણ નથી તેને પહેલી વખત જોઈને એવું લાગે કે જાણે તેને પહેલાં ક્યાંક જોઈ હોય અને આપણો એની સાથે આત્મીય સંબંધ હોય…!! (તે કોઈ પણ હોઈ શકે સ્ત્રી,પુરુષ કે બાળક )

૨.કોઈ એવી જગ્યા જ્યાં જીવનમાં પહેલાં ક્યારેય ગયા નથી ત્યાં જઈને એવું લાગે જાણે પહેલાં હું અહી આવી ગયો છું…!!!

૩. ક્યારેક કોઈ ખાસ સુંગંધ આવે ત્યારે કોઈ વ્યક્તિ કે કોઈ જગા કે વીતી ગયેલો સમય યાદ આવે છે જે સુગંધ સાથે સંકળાયેલા હોય છે..!!

દા.ત.- પ્રાથમિક શાળામાં મહેંદીના છોડવાની સુવાસ..ગમે ત્યારે મહેંદીના છોડની સુવાસ આવે ત્યારે નજર સમક્ષ પ્રાથમિક શાળા ખડી થઇ જાય છે..,,

૪. એફ એમ પર કે જાહેર કોઈ કાર્યક્રમમાં અચાનક કોઈ ગીત વાગે ત્યારે તે ગીત સાથે સંકળાયેલી યાદો જીવંત થઇ જાય છે…

-ચંદ્રકાંત માનાણી

જીવન અને મરણ

ક્યાંક મૃત્યુ વિશે વાંચ્યું હતું કે,” માણસ મૃત્યુ થી નથી ડરતો પણ મૃત્યુ વખતે થતી પીડાથી ડરે છે…” ખરેખર સાચું લાગે છે…માણસને મૃત્યુ અને ઘડપણ માં થનારી પીડાથી ડર લાગે છે અને એટલે જ એ વૃદ્ધ નથી થવા માંગતો કે નથી મરવા માંગતો…..

કાલે સુરજ વિશે વિચાર આવ્યો,,,સુરજ રોજ ઊગે છે આથમે છે ,,સુરજનું ઊગવું અને આથમવું એ જીવન મરણ જ તો છે…રોજ સવારે જાણે એનો જન્મ થાય છે , પછી એનું બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા અને મરણ..મરણ એટલે પૂર્ણ વિરામ નહિ,,,એ વળી ક્યાંક બીજે ઊગે છે, પૃથ્વીના કોઈ બીજા ખૂણે, એનો ક્યાંક જન્મ થાય છે અને આથમે છે…એવું લાગે છે કે જેમ આપણો જીવ , આપણી આત્મા પણ સૂરજને અનુસરતો હશે….જન્મે છે અને મરે છે,,જીવન મરણની ક્રિયા જાણે અવિરત ચાલુ રહે છે..જેમ સૂરજ વળીને વીતી ગયેલ દિવસને યાદ નથી કરતો એવી જ રીતે આપણને પણ ગયા જન્મનું કાઈ જ યાદ નથી રહેતું…અને જીવન મરણનો અવિરત પ્રવાસ ચાલુ રહે છે.

-ચંદ્રકાંત માનાણી

સૌન્દર્ય

કહેવાય છે કે સૌન્દર્ય જોવા વાળાની આંખમાં હોય છે. સાચી વાત છે પણ મારે એવી જ થોડી અલગ વાત કરવી છે.

(૧) દુનિયાનાં સૌથી સુંદર સ્થળે આપણે હોઈએ તો પણ જો અગર આપણું દિલ ઉદાસ હોય તો એ સૌન્દર્ય આંખ નથી જોઈ શકતી.

(૨) દિલને ગમતો ચહેરો ગમે તે રંગનાં વસ્ત્રો પહેરે સારા જ લાગે છે અને જે માણસ જરાય નથી ગમતો એ ગમે એટલા સારા વસ્ત્રો પહેરે તો પણ નહિ જ ગમે.

સૌન્દર્ય જોવા વાળાની આંખમાં હોય છે એ સાચું પણ સૌન્દર્ય જોવા વાળાના દિલમાં પણ હોય છે.

-ચંદ્રકાંત માનાણી

સબ કો સન્મતિ દે ભગવાન

આપણે મંદિરે જઈએ છીએ શા માટે..?
ફક્ત ભગવાન પાસે માંગવા માટે…
આપણી માંગણીનું લીસ્ટ એટલું બધું લાંબુ હોય છે કે કદાચ પ્રભુ પણ યાદ રાખતાં ભૂલે…
એમને એમ માંગણીઓ પૂરી થાય તો ઠીક છે નહીતર લાલચ પણ આપતા આપણે અચકાતા નથી. એ માંગણીની તીવ્રતા કેવી છે એના પરથી કેટલા ઉપવાસ થશે, કેટલો પ્રસાદ ધરાવાશે અને કેવી માનતા થશે નક્કી થાય છે.. હું કોઈની ધાર્મિક લાગણીઓની મજાક નથી ઉડાવતો પણ જાણે આપણે પ્રભુને જ છેતરતા હોઈએ એવું લાગે છે. લાંબીલચ માંગણીઓ પૂરી કરવાના એડવાન્સ સ્વરૂપે ખિસ્સામાં હાથ નાખી થોડા સિક્કાઓ બહાર કાઢી અને એમાંથી ઓછા મૂલ્યનો સિક્કો શોધી દાનપેટીમાં નાખતાં હોઈએ છીએ. અને જતાં જતાં લટકતા ઘંટને જોરથી વગાડીને જાણે પ્રભુને રીમાઈન્ડર કરીએ કે તું સાંભળી લેજે..!! વિચારવાનું એ છે કે કોને જરૂર છે માંગવા વાળાને કે આપવા વાળાને !!? ક્યારેક વિચાર થાય છે કે એને જ આપેલું છે આ બધું અને છતાં આપણે મન મુકીને દાન-ધર્મ નથી કરી શકતાં. બાળપણમાં જયારે ગામનાં મંદિરની દાનપેટી ખોલવામાં આવતી ત્યારે અંદરથી, જે સિક્કાઓનું ચલણ બંધ થઇ ગયું હોય તે પણ નીકળતા. જે લેવાની ભિખારી ના પાડી દે તેવા સિક્કા દાનપેટીમાં પધરાવતાં લોકોની હિંમત કઈ રીતે ચાલતી હશે… !! જમાનો બદલાઈ ગયો છે પ્રભુ, હવે તો લોકો તને પણ લૂંટી જાય છે..
સબ કો સન્મતિ દે ભગવાન !
!! જય શ્રી રામ !!

-ચંદ્રકાંત માનાણી

Follow

Get every new post delivered to your Inbox.

Join 65 other followers