પ્રેમની કસોટી


આજે કોલેજનો છેલ્લો દિવસ હતો.બધાં ફાઈનલ પરીક્ષાનું રિઝલ્ટ લઈને પોતપોતાના મિત્રો સાથે
કોલેજની કેન્ટીનમાં અને બગીચામાં બેઠાં હતાં.સ્મિતા કોલેજમાં અવ્વલ આવી હોવા છતાં તેના
ચહેરામાં ખુશી ન્હોતી દેખાતી.અને બીજી બાજુ,અશોક કે જે હંમેશા અવ્વલ આવતો અને આ વખતે
બીજા નંબરે આવ્યો હોવા છતાં તે ખુશ હતો.સ્મિતાના ગ્રુપમાં અશોક,આલોક અને સ્વીટી હતાં.
ચારેય જીગરી ભાઈબંધો એવા કે આખી કોલેજને એના પર ઈર્ષા આવે.અશોક અને સ્મિતાની
લવસ્ટોરી આખી કોલેજને ખબર હતી, અને આલોક-સ્વીટી વચ્ચે પણ પ્રેમ છે એવું બધાં માનતાં.
આવું માનવાને કારણ પણ હતું.સ્વીટી હંમેશા આલોકની પાછળ જ હોય. કોલેજમાં કોઈ
કાર્યક્રમ,સ્પર્ધા કે પ્રવાસ હોય તો સ્વીટીનો એક જ જવાબ રહેતો કે આલોક હશે તો હું હોઈશ નહિ
તો નહિ.આલોક હંમેશા સ્વીટીને સમજાવતો કે કોઈ બીજો મુરતિયો શોધી લે પણ સ્વીટીને આલોક
સિવાય બીજો કોઈ યોગ્ય લાગતો જ નહિ.

ચારેય જણ બગીચાના એક ખૂણામાં ગમગીન બેઠાં હતાં.કોલેજ પછીના ભવિષ્યની ચર્ચા કરતાં
હતાં.હવે શું કરવું એ પ્રશ્ન હતો.સ્વીટી પાસે તો જવાબ તૈયાર જ હતો,જ્યા આલોક ત્યાં
આપણે.આલોક પ્રોફેસર બનવાની તૈયારી કરવાનો હતો.સ્મિતાને શું કરવું તેની સૂઝ પડતી ન્હોતી,
અને અશોકે તો વિદેશમાં ભણવા જવાનો ઈરાદો વ્યક્ત કર્યો.અશોકે કહ્યું કે મારા પપ્પાનું સપનું છે
જે મારે સાકાર કરવું છે અને તેના માટે મારે ઓસ્ટ્રેલિયા જવું પડશે. આ સાથે જ સ્મિતાએ દબાવી
રાખેલ ડૂસકું આંખેથી વહી નિકળ્યું અને એવી હિબકે ચડી કે તે કઈ જ બોલવાની સ્થિતિમાં ના
રહી.સ્મિતા કેટલીયવાર સુધી આલોકના ખંભે માથું છુપાવીને રડતી રહી.તે અશોકને ખુબ જ ચાહતી
હતી પણ અશોક માટે પપ્પાનું સ્વપ્ન જ સર્વસ્વ હતું.તેને ઓસ્ટ્રેલિયા જઈને મેનેજમેન્ટની ડીગ્રી
લેવી હતી.પ્યાર મહોબ્બત માટે આખી જિંદગી બાકી છે એવું અશોક માનતો હતો.સ્મિતાને સાંત્વના
આપતાં તેને કહ્યું કે બસ મારી ડીગ્રી પૂર્ણ થતાં જ આપણે પરણી જઈશું.અશોકની આ વાતથી
સ્મિતાને ધરપત વળી અને ધીરેધીરે શાંત થવા લાગી.

ચારેય જણા વચ્ચે મૌન છવાયેલું હતું. એ ચારેયમાં આલોકની સ્થિતિ ખરાબ હતી.એ મનોમન
સ્મિતાને ચાહતો હતો.એની જાણ ફક્ત સ્મિતાને જ હતી.કોલેજના શરૂઆતના દિવસોમાં જ જયારે
ઓળખાણ થઇ હતી ત્યારે જ આલોક સ્મિતાને પ્રેમ કરવા લાગ્યો હતો.તેને સ્મિતા પાસે પોતાના
પ્રેમનો ઈકરાર કર્યો હતો પણ સ્મિતાએ પોતાના મનની વાત આલોકને પહેલીવાર કહી હતી કે તે
અશોકને ચાહે છે અને તેની સાથે જ પરણશે.ત્યારબાદ આલોકનો પ્રેમ ત્યાં જ દબાઈ ગયો હતો
પણ આલોક મનોમન ફક્ત સ્મિતાને જ ચાહતો હતો.જયારે પણ સ્મિતા અશોકના વખાણ તેની
આગળ કરતી ત્યારે આલોક સંભાળતો રહેતો, કહો ને કે અંદરને અંદર સળગતો રહેતો.આલોકે
છેવટસુધી આ વાતની જાણ અશોક અને સ્વીટીને ન્હોતી કરી કે તેના દિલમાં સ્મિતા માટે કેટલી
લાગણી છે.આવી સ્થિતિમાં કે જયારે સ્મિતા પોતાના ખંભે માથું મુકીને અશોક માટે રડે છે અને પોતે
અંદરને અંદર સ્મિતા માટે રડે છે અને કોઈને કહી પણ નથી શકતો.

અશોકના ગયા પછી સ્મિતા અને સ્વીટીએ ભણવાનું છોડી દીધું પણ ત્રણેય એકબીજાનાં સંપર્કમાં
હતાં.સ્વીટી અને સ્મિતાના ઘરમાં હવે તેના લગ્નની વાતો થવા લાગી હતી.તો હવે ભવિષ્માં શું
કરવું એના વિષે ચર્ચા કરવા અને 31st December મનાવવા ત્રણેય સ્વીટીના ઘરે ભેગા
થવાના હતા.અશોકે સ્મિતા સાથે સંપર્ક ઓછો કરી નાખ્યો હતો. સ્મિતા આજકાલ બહુ ઉદાસ ઉદાસ
રહેતી હતી.અશોક વિશેની વાત જયારે સ્વીટી અને આલોકને કરી ત્યારે જાણે અલોક માટે તે
ખુશીના સમાચાર હતા.વર્ષની છેલ્લી રાતની ઉજવણી આખું વિશ્વ કરી રહ્યું હતું ત્યારે સ્વીટીએ
આલોકને સીધું જ પૂછ્યું બોલ ક્યારે લગ્ન કરવા છે?ત્યારે આલોકે હું લગ્ન નથી કરવાનો કહીને
વાત ટાળી દીધી.અને ત્યારે જ સ્મિતાના મોબાઈલમાં અશોકનો મેસેજ આવ્યો કે, નવા વર્ષની
શુભકામનાઓ….અને હું અહીની એક ગોરી સાથે લગ્ન કરીને અહી જ સેટલ થવાનો છે, મને ભૂલી
જાજે.આ મેસેજ વાંચીને સ્મિતાને લાગ્યું જાણે તેના શરીરમાંથી કોઈએ પ્રાણ ના હરી લીધાં હોય!
આલોકને એ સૂઝ ન્હોતી પડતી કે પોતે શું કરે…,અંદરથી તે ખુશ થયો અને સ્મિતાને સંભાળવામાં
લાગી ગયો.સ્વીટીએ સ્મિતાના ઘરે ફોન કરીને કહી દીધું કે આજે તે અહી જ રાત રોકાઈ જશે.જયારે
કલાક રડ્યા પછી સ્મિતા શાંત થઇ ત્યારે કહ્યું કે અશોક કોઈનો ના થયો. ના મારો કે ના એના
પપ્પાનો,પણ હું તો લૂંટાઈ ગઈ.

સ્મિતાએ જે વાતનો ઘટસ્ફોટ કર્યો તેનાથી આલોક અન્જાન હતો અને તે જાણીને એ પણ વિહવળ
થઇ ગયો કે સ્મિતા અને અશોક વચ્ચે કોલેજકાળ દરમિયાન શરીર સંબંધ થયો હતો.સ્મિતા
આલોકને જ પૂછતી હતી કે બોલ કોણ કરશે હવે મારી સાથે લગ્ન? શું તું આ જાણીને ય મારી સાથે
પરણવા તૈયાર થઈશ? એ સમય બંનેની નજર એક થયેલી હતી.બાજુમાં સ્વીટી પણ સંભાળવા
આતુર હતી કે આલોક શું કહેશે.આલોકે જરાયે ખચકાયા વગર કહ્યું હતું કે હા,હું તૈયાર હોઈશ.મેં
તારા શરીરને નહિ તારી આત્માને પ્રેમ કર્યો છે અને સાંભળ સ્મિતા, પ્રેમ પામવા બળજબરી નથી
ચાલતી.સ્વીટીને થયું કે હશે સાંત્વના આપવા આલોકે એમ કહ્યું હશે પણ એની આંખમાંથી પણ
આંસુનું એક ટીપું ખરી પડ્યું હતું.

પણ ત્યાર પછી સ્વીટીના આશ્ચર્ય વચ્ચે આલોક અને સ્મિતા પરણી ગયાં.સ્વીટી વિચારતી જ રહી કે
મારા પ્રેમમાં જ ક્યાંક ઊણપ રહી હશે.હું આલોકને ચાહતી રહી,આલોક સ્મિતાને ચાહતો રહ્યો,સ્મિતા
અશોકને ચાહતી રહી અને અશોક જાણે આ પ્રેમ-રેલનું એન્જીન હોય અને પાછળ અમે
બધાં.એન્જીન જાણે ક્યાં છૂટું થઈને ભાગી ગયું અને રહી ગયાં અમે ખાલી ડબ્બા.સ્વીટી મનોમન
તુલના કરવા લાગીકે નક્કી મારા પ્રેમ કરતા આલોકનો સ્મિતા પ્રત્યેનો પ્રેમ વધારે અને પારાવાર
હશે.કોલેજના સમયમાં તેણે કળવા પણ ના દીધું કે તે સ્મિતાને ચાહે છે આ તો સ્મિતાએ તે
દિવસનો સાચવેલ પત્ર બતાવતાં જ પોતે જાણી શકી હતી. એ ચાહતના ફળરૂપે જ શાયદ
આલોકને સ્મિતા મળી હશે એવું વિચારીને સ્વીટી બંનેના જીવનથી દૂર થઇ ગઈ.

ચાર વર્ષ પછી આલોક પ્રોફેસર અને એક પૂત્રીનો પિતા થઇ ગયો હતો.એનું નામ સ્મિતાએ ચાહીને
સ્વીટી રાખ્યું હતું જેથી સ્વીટીને ઉમ્રભર યાદ કરી શકાય. સ્મિતા માનતી હતી કે મારા માટે સ્વીટીએ
પોતાના પ્રેમની કુરબાની આપી હતી. આજે સ્વીટી ગામમાં પોતાના પૂત્ર સાથે આવી હતી.સ્મિતા
તેને ઘરે જમવા આવવા નોતરી આવી હતી.જયારે તેઓ ઘરે આવ્યાં ત્યારે આલોક પણ ઘરે હાજર
જ હતો.બધાં બેઠા હતાં ત્યારે આલોકે સ્વીટીના પુત્રને કહ્યું બેટા અહી આવ, બોલ તારું નામ શું છે?
સ્વીટીનો છોકરો તરત આલોકના ખોળામાં આવીને બેસી ગયો અને કહ્યું મારું નામ આલોક છે.

-ચંદ્રકાંત માનાણી

13 thoughts on “પ્રેમની કસોટી

  1. અભીનંદન ચ્ન્દ્રકાંતભાઇ…આજ જ લખતા રહેજો …કલમ માં જાદુ ભરી શકાય એમ છે….ખુબ સુન્દેર અભીવ્યક્તી વિષયની…..વાહ …

  2. chandrakaant bhaai …abhinadan….aam j lakhtaa rahe jo …kalam ma jadu bhari shako chho….khub sars abhivyakri vishayni…wah khub sunder navalika…..keep ir up

  3. Vijay manani

    Wah Bhai tamari rachna bavu gami…all tha best….aana thi pan vadare pragati karo…jay khetabapa .

Leave a reply to Kajal Cancel reply