મારી લાગણીઓની સરવાણી


એય મિસ્ટર, તમારો સીટ નંબર શું છે? હું ગુડા પર માંથુ ટેકવું આંખો બંધ કરીને બેઠો હતો. અચાનક આ પ્રશ્ન સાંભળી મારે કહેવું પડ્યું, S-9,32. 32 છે તો તમારી સીટ પર બેસો. મારો નંબર 31 છે. એક ખુબસુરત ત્રીસેક વર્ષની સ્ત્રી મારા પર હૂકમ ચલાવી રહી હતી. એક નજરે તો મને એ બિલકુલ મારી રીતુ જેવી જ લાગી પણ જે ફરક હતો એ ચશ્માનો હતો. રીતુ ચશ્માં પહેરે છે અને આને ચશ્માં નથી અને આ પરણિત છે જયારે રીતુ કુંવારી છે.એય મિસ્ટર શું તાકી રહ્યા છો, તમારી સીટ પર બેસો..રીતુની રંગીન દુનિયામાંથી હું ટ્રેનમાં આવી ફસડાયો. મેં એને કહ્યું તમે મારી સીટ પર બેસોને ટ્રેન ઉપડશે એટલે તમારી જગ્યા પર બેસી જજો. ટ્રેન ઉપડવાને હવે શું વાર છે,,તમે મારી સીટ ખાલી કરી દો બસ. ઠીક છે કહી મેં એની સીટ ખાલી કરી દીધી. હું બેંગલોર થી ગાંધીધામ જવા ઉપડતી 16506 ટ્રેનથી અમદાવાદ જઈ રહ્યો હતો. ટ્રેન તેના સમય પ્રમાણે રાતના 9.55 એની મંઝીલ તરફ જવા રવાની થઇ ચુકી હતી. કેટલાક લોકો સામાન ગોઠવી રહ્યા હતા તો કેટલાક સુવાની તૈયારી કરી રહ્યા હતા. એ મેડમને તકલીફ ના પડે એટલે હું મારી સાઈડ અપરની સીટ પર આજુ બાજુ ના લોકોનું અવલોકન કરતો બેઠો હતો. હું જેને રીતુ સાથે સરખાવી રહ્યો હતો તે સ્ત્રીની હાલત ખરાબ હતી. એ જેને પોતાની સીટ સમજતી હતી એ RAC હતી અને બીજો એક દારૂડિયા જેવો લાગતો, લાલઘૂમ આંખો વાળો, દાઢી વધારેલ આધેડ વયનો માણસ એ સીટ પર આવી બેઠો હતો. દારૂડિયાને જાણે લોટરી લાગી હોય એવી ખુશી એના ચહેરા પર છલકાતી હતી અને એ ક્યારેક ક્યારેક સ્ત્રી સામે અછડતી નજર કરી લેતો હતો. એ સ્ત્રીની હાલત કાગડાની ચાંચમાં દહીંથરા જેવી લાગતી હતી.

એકવખત તો મને થયું મારી સીટ એમને આપી દઉં પણ પછી એને કહેલ છેલ્લું વાક્ય,” મને મારી સીટ આપી દો” યાદ આવી ગયું. હું બસ આંખો બંધ કરીને વિચાર કરી રહ્યો’તો કે, એ સ્ત્રી મારી પત્ની હોત અને એકલી આવી રીતે પ્રવાસ કરી રહી હોત તો….? અને મેં મનમાં નિશ્ચય કરી લીધો કે મારી પત્નીને આવી કફોડી હાલતમાં નહિ જ મુકું..,,હું વિચારોમાં ખોવાયેલો હતો અને મારા હાથ પર કોઈનો સ્પર્શ થયો અને સાથે સાથે અવાજ પણ આવ્યો, ” એય મિસ્ટર, શું હું ઉપર તમારી સાથે બેસી શકું….? એ સ્ત્રી મને પૂછી રહી હતી. મનમાં તો થઇ આવ્યું કે બેસી રહો તમારી સીટ પર એવું રોકડું પરખાવી દઉં,,પણ પછી થયું જવા દે ને….એને મારી મદદની જરૂર હતી, તેના ચહેરા પર શર્મિંદગી પણ ટપકતી હતી એટલે ચૂપ રહ્યો.અને હું માથું હકારમાં ધુણાવતાં બેઠો થયો, અને એ ઉપર આવી ગઈ. અમે બંને સાઈડ અપરની એ સીટ પર પગને સાંકડા કરીને બેઠાં હતાં.પગ લાંબા કરીને બેસવાની બંને માંથી કોઈની હિંમત નહોતી ચાલતી. અગિયાર વાગી ગયા હતાં…પછી મેં જ હિંમત કરીને કહ્યું તમે અહી બેસી રહો હું નીચે બેસું છું. અને એના જવાબની રાહ જોયા વગર નીચે ઉતરી ગયો. આધેડ વયનો એ માણસ પગ લાંબા કરીને સુઈ ગયો હતો. હું થોડી જગ્યામાં એને અડકી ન જવાય એમ બેઠો. સમય પસાર કરવો મુશ્કેલ થઇ ગયો હતો. હજુ ફક્ત બાર જ વાગી રહ્યા હતા. મને લાગી રહ્યું હતું કે મારી સીટ RAC છે અને એની CONFIRM. શું સમજીને મારી સીટ એને આપી દીધી એ તો હવે આરામથી સુઈ ગઈ હશે એવું વિચારીને મેં ઉપર જોયું તો એ મને જ જોઈ રહી હતી અને જાણે એમ કહેતી નાં હોય કે સોરી મારા કારણે તમને તકલીફ વેઠવી પડી રહી છે. કેવી કડકાઈથી પોતાની સીટ માંગી હતી અને કેવી નરમાશથી મારી સીટ પણ માંગી લીધી…!! જે થયું તે, એક સ્ત્રીની કફોડી હાલતમાં એને કામ આવ્યાનો સંતોષ મનમાં થયો. હવે મારી આંખો પણ ઘેરાવા લાગી હતી એટલે આગળ-પાછળનો વિચાર કર્યા વગર પાથરણું નીચે જ પથારી સુઈ ગયો.

કોઈ મને ઢંઢોળી રહ્યું હોય એવું લાગ્યું,,”ઓ ભૈસાબ ઉઠો, યહાં સો જાઓ. અગલે સ્ટેશન મેં ઉતર જાઉંગા.” મેં જોયું તો સવારના છ વાગી રહ્યા હતા. ”ઠીક હે” કહીને હું સીટ પર સુઈ ગયો. અને પછી ફરી જયારે મારી આંખ ખુલી ત્યારે નવ વાગી ગયા હતા. મેં ઉપર જોયું તો તે સ્ત્રી ફ્રેશ થઈને બેઠી હતી. હું નીચે જ બેસી રહ્યો. થોડીવારે એ નીચે આવી. એ કોઈ અવઢવમાં હોય તેવું લાગ્યું, હું બહાર જોતો બેઠો હતો. ”સોરી મારા કારણે તમને કાલે તકલીફ પડી, મારે તમારી સાથે એવું વર્તન ન્હોતું કરવું જોઈતું.” એ માફી માંગી રહી હતી.મારો અહં સંતોષાતો હતો. મેં ટૂકમાં જ,”its ok” કહી પતાવ્યું.

”તમે જલ્દીથી ફ્રેશ થઇ જાઓ તો નાસ્તો કરી લઈએ” એણે કહ્યું. કેવા માલિકીભાવથી આદેશ આપી રહી છે.હું તો દંગ રહી ગયો. એકવખત તો એવું લાગ્યું જાણે રીતુ જ છે. પણ હકીકત યાદ આવતા પાછું મન ઉદાસ થઇ ગયું અને મેં કહ્યું,પણ મને નાસ્તો નથી કરવો. કેમ તમને મારા પર ભરોશો નથી…? કદાચ તમને એવું લાગતું હશે કે કઈક ભેળશેળીયું ખવડાવીને લુંટી જશે…મેં કાઈ પણ જવાબ ન આપતાં એણે પાછો નવો જ પ્રશ્ન મુક્યો….એ રીતુ કોણ છે…? મેં કહ્યું કોણ રીતુ…એ જ કે જેનું નામ કાલે રાત્રે તમને ઉઠાડતી હતી ત્યારે તમે બબડ્યા’તા. મેં કહ્યું તમને એનાથી શું મતલબ…તો એણે કહ્યું ઠીક છે, ના કહેવું હોય તો તમારી મરજી. કાલે રાત્રે એ થોડીવારની ઊંઘમાં હું રીતુ વિષે કેટલું બબડ્યો હોઈશ…, મારે જાણવું જોઈએ. આથી વાતને જાણવા મેં સામો પ્રશ્ન કર્યો, તમારું નામ શું છે. બારી બહાર જોતાં-જોતાં જ એણે જવાબ આપ્યો,”રેખા” ,, ક્યાં જઈ રહ્યાં છો? ”નડીઆદ” . હું એકએક પ્રશ્ન પુછું એના કરતા તમે તમરો પરિચય આપો એ સારું રહેશે ,, મે કહ્યું. પરિચય એક શરતે આપું તમારે નાસ્તો કરવો પડશે, એણે શરત મૂકી. મેં કહ્યું કે નાસ્તો નહિ હવે તો જમવા જોઈશે. પછી વાતની શરૂઆત કરતાં કહ્યું કે હું બેંગલોર મારાં મમ્મી-પપ્પાના ઘેર આવી હતી નવરાત્રિ રમવા. મારાં પતિનું નામ વિમલ છે અને અમારે રેડીમેડ કાપડની દુકાન છે. પણ નવરાત્રિ તો ગુજરાતની વખણાય છે અને તમે બેંગલોર કેમ આવેલા..,,? મેં કુતુહલ વ્યક્ત કર્યું…મારા સવાલના જવાબના બદલે ત્યાંથી હૂકમ છૂટ્યો,” તમારો પરિચય તો આપો…” મારું નામ નિમિત છે બેંગ્લોરમાં રહું છું પણ પાકો સુરતી છું.મેં ટૂંકમાં જ પરિચય આપ્યો. ફરી એને પ્રશ્ન પૂછ્યો , ”તમે ક્યાં જઈ રહ્યા છો અને શા માટે?” , ”અમદાવાદ જઈ રહ્યો છું લગ્ન માટે છોકરી જોવા…”ટૂંકમાં જણાવી મેં સામો પ્રશ્ન મૂક્યો,”તમારા લગ્નને કેટલા વર્ષ થયાં?”, ”બે” , ”લવ મેરેજ કે એરેંજ?” , ”એરેન્જડ” . મારે વધુ સવાલો પૂછવા હતા પણ રેખાનો ઉદાસ ચહેરો જોઈને હિંમત ન ચાલી.

થોડીવારે વાતને બદલતાં તેને કહ્યું, મારાં કારણે તમારે કાલે રાત્રે નીચે જ સુવું પડ્યું….પણ હું શું કરું, એ દારૂડિયાની સડેલી નજર સહન કરવા કરતાં તમને તકલીફ આપવાનું મુનાશિબ સમજ્યું. હું તો એવું માનતી હતી કે બધા પુરુષો એક સરખા હોય છે…કોઈ સ્ત્રી જોઈ નથી કે નજર બગાડી નથી…..મેં એને વચ્ચે જ રોકતાં કહ્યું ”હા, બધા પુરુષો એવા જ હોય છે. બધાની નજરમાં કામનો દાવા સતત ધગધગતો રહે છે, જરા હવા વાય છે અને રાખ નીચે બાઝેલો અંગારો તગતગવા માંડે છે…”
”પણ મેં તો એવો ભાવ તમારી આંખોમાં ના જોયો, જો તમે ધારત તો મને સ્પર્શ કરી શકત.”એણે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
”પણ તમારે આમ એકલાં પ્રવાસ ના કરવો જોઈએ” મેં કહ્યું.
”સાચીવાત છે. હવે નહિ કરું. બધા લોકો તમારા જેવા શરીફ નથી હોતા..”
”શરીફ તો હું પણ ક્યાં છું…? તમે થોડાથોડા રીતુ જેવા દેખાઓ છો એટલે તમને રીતુ જ સમજતો હતો..” મેં ખુલાસો કર્યો.
”પણ રીતુ કોણ છે?” રેખાએ વળતો સવાલ કર્યો.
”રીતુને હું પ્રેમ કરું છું. અને કોલેજમાં મારી સાથે હતી”
”ઓહ તો તમે રીતુને બદલે બીજી છોકરી જોવા જાઓ છો…કેમ?”
”હા, કારણ કે તેમના માતા-પિતા અમારા લગ્નની વિરોધમાં છે.”
”જે પણ હોય, તમારે કઈક કરવું જોઈએ..નહીતર રીતુની હાલત પણ મારાં જેવી થશે.હું પણ એવી જ રીતે અંકુશને પ્રેમ કરતી હતી પણ કુટુંબના વિરોધના કારણે અમે પરણી ના શક્યા.શું તમે પણ રીતુને મારી હાલતમાં મુકવા તૈયાર છો…?”
”હું ના સમજ્યો તમારા જેવી હાલતમાં એટલે..?”
”એટલે કે મારાં લગ્ન પછી અંકુશ ઘણી વખત ફોન પર વાત કરવાના પ્રયત્ન કર્યા હતા. પણ હું અવઢવમાં હતી. એક તરફ વિમલ જેવો વફાદાર પતિ અને બીજી તરફ મનગમતો પ્રેમી..મેં અંકુશ સાથે વાત ના કરી..હમેશા એ બંનેની તુલના મનમાં જ કર્યા કરતી ,,,છેલ્લા એક વર્ષથી અંકુશનો ફોન નથી આવતો…એટલે નવરાત્રિનું બહાનું કરીને ફક્ત એણે જોવાની ઇચ્છાથી બેંગલોર ગઈ હતી…”
”મેં ઉત્સાહથી પૂછ્યું તમે મળ્યા અંકુશને..?”
”ના, ફક્ત દૂરથી જ જોયો. એણે પણ લગ્ન કરી લીધા છે. ઉપરઉપરથી એ સુખી છે અને એણે મારી પરવા નથી એવો વર્તાવ હતો પણ એની આંખોમાં મારાં પ્રત્યેનો પ્રેમ એવો ને એવો તાજો જણાતો હતો. પણ મને એવો વિચાર આવ્યો કે અંકુશ મારો હતોને મારો થઇ ના શક્યો તો શું થયું હવે વિમલ તો મારો છે ને…વિમલને અન્યાય ન થવો જોઈએ..આથી જેટલા ઉત્સાહથી અંકુશને જોવા ગઈ હતી એટલા જ ઉમંગથી નડીઆદ પાછી ફરી રહી છું. કરવાચોથ આવી રહી છે.પહેલી વખત વિમલ માટે વ્રત રાખવાની છું.કરવાચોથને જાજો સમય નથી રહ્યો એટલે એકલી જ નીકળી પડી છું.હું નથી ઈચ્છતી કે રીતુને પણ આવી સ્થિતિમાંથી પસાર થવું પડે..મારું માનો તો તમારે રીતુ સાથે જ લગ્ન કરવા જોઈએ…”

રેખાની વાત સાંભળી હું તો દંગ રહી ગયો..એકતરફ પ્રેમીની યાદો અને એકતરફ પતિ સાથેનું ભવિષ્ય….મોટાભાગે બધા કરતા હોય છે તેમ રેખાએ પણ સમય સાથે સમજોતો કરી લીધો છે…અગર મારા લગ્ન રીતુ સાથે નહિ થાય તો રીતુ અને મારી બંનેની હાલત રેખા જેવી થશે….હું ગડમથલમાં હતો,,મારે શું કરવું અને શું ના કરવું..ટ્રેન એની મંઝીલ તરફ ધસમસી રહી હતી અને હું જાણે દૂર દૂર જઈ રહ્યો હતો મારી મંઝિલથી….

-ચંદ્રકાંત માનાણી

Advertisements

Comments on: "રેખાનો પ્રેમ…. નિમિતનો પ્રેમ…," (10)

  1. ekdam saras………

  2. bahu j saras, mane tmari bhashashaily bahu j gami. me vanchi ane sandeep sambhali, ame banne sathe bolya, ”saras 6 nahi?”. KA,KH,G,GH, mulaakhsharo ni tmari ramat ni ame rah joeye 6iye ho.

  3. Saras pan pachi tamara Lagna koni jode thaya ???

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: