અપડેટ્સ 28

  • આઈપીએલ પૂરી થઈ ગઈ છે અને વલ્ડ કપની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. આ વર્ષે આઈપીએલમાં ધોનીસેના મારી ફેવરિટ હતી અને જે ટીમનું નેતૃત્વ કે જે ટીમમાં ધોની રમશે, ભવિષ્યમાં પણ એ ટીમ જ આપણી(મારી) ફેવરિટ રહેશે. ફાઈનલમાં છેલ્લા બોલપર હારવાનું કેવું અને કેટલું દુઃખ થાય તે અમે પણ થોડા દિવસો પહેલાં અનુભવ્યું હતું. સમાજમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાર ટીમોએ ભાગ લીધેલ અને દસ ઓવરની મેચ. ચાર વર્ષ પહેલાં ટુર્નામેન્ટ રમાયેલી તેમાં વિજેતા બન્યા હતા.

    56167996_2542652385805099_3705184139259936768_n
    દાંત દેખાડતું પ્રાણી એ જ અમે. ખુલાસો એટલા માટે કે પ્રોફાઈલ ફોટા જેવો માણસ શોધવા બેસશો તો બહુ વાર લાગશે. દસ- દસ ઓવરની ચાર મેચ રમતાં તો થાકી જવાયું…

 

  • ભગવાન બુદ્ધ, શ્રી શ્રી રવિશંકર, રજનીશ, ન્યુટન હજુ તો ઘણાંય હશે જેઓને ઓચિંતા જ કોઈ જ્ઞાન લાદ્યું હોય. એવું જ કઈક અમારી સાથે થયું અમને પણ જ્ઞાન મળ્યું ક્રિકેટ રમતાં.. જીવનનાં કેટલાય બોધપાઠ ક્રિકેટમાંથી મળે છે. એમાનું લેટેસ્ટ જ્ઞાન તમારી સાથે વહેંચું છું. ક્રિકેટમાં મને બેટ્સમેનનું પાત્ર ગમે. આપણે દરેક પોતપોતાના જીવનમાં બેટ્સમેન છીએ. સામે દુનિયાભરના બોલરો છે. આપણા જીવનમાં પ્રવેશેલું દરેક પાત્ર કોઈને કોઈ રીતે બોલર હોય છે. રન પણ બનાવવા છે અને આઉટ પણ નથી થવું. એમની બોલિંગને કેવી રીતે રમવી એ જો આવડી જાય તો બસ આ ફેરો સુધારી જાય.

 

  • અબાઉટ ટાઈમ ફિલ્મ વિશે થોડુંસુ ફેસબુક પર લખેલું પણ હજુ એક વાત કહેવાની રહી ગયેલી. આપણો હીરો ટીમને ભૂતકાળમાં જઈને ભૂલ સુધારી આવતાં આવડી ગયું હતું. પણ એકસમય આવે છે જયારે એના પપ્પાની શિખામણ એને યાદ આવે છે કે જીવન એવું જીવો કે કોઈ અફસોસ ના રહે, ભૂતકાળનો કોઈ વિચાર જ ના આવે..કોઈ ભૂલ ના થાય એવી રીતે જીવો. આપણે ભૂતકાળમાં જઈને કાઈ સુધારો કરી શકતા નથી એટલે ફક્ત ભૂલ થઈ ગયાનો અફસોસ રહે છે. કહેવાનો મતલબ એ નથી કે ભૂલ જ ના થાય, થાય પણ જાગ્રત રહો ધ્યાનમાં રહો, એન્જોય કરીને જીવન જીવો તો ભૂતકાળમાં જવાનો પ્રશ્ન જ નહી રહે.

 

  • ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે. બધા આતુરતાથી ૨૩મી મેની રાહ જોઈ રહ્યા છીએ. વર્ષ ૨૦૧૯થી બે જ આશાઓ છે. એક વલ્ડ કપ ફાઈનલમાં ૨૦૧૧ની જેમ જ ધોની સિક્સર મારીને જીતાવે અને લોકસભાની આ ચૂંટણીમાં મોદી સરકારની ફરી એકવખત બહુમતીથી રચના થાય.

 

સંજોગ આનંદદાયક

સ્કુલના દિવસોમાં ઇતિહાસ એ સૌથી ના ગમતો વિષય હતો. જયારે ઓથારની પ્રસ્તાવના વાંચતો હતો ત્યારે એમ થયું હતું કે કેમ કરીને ઓથાર નવલકથાના બે ભાગ વંચાશે કારણ કે ઓથાર એ ૧૮૫૭ વિપ્લવ પછીના સમયની કથા છે. પણ એકવાર શરૂઆત કર્યા પછી ઓથાર એકદમથી જકડી લે છે. બીજીવારની આ વાંચનયાત્રામાં મને એનાં પાત્રો સાથેની દોસ્તી, અનુકંપા અને પ્રેમમાં વધારો કરે છે. આજે ખાસ વાત સેજલ સિંગ વિરહાન, સેના બારનીશ અને વિલિયમ ગ્રેઈસની કરવી છે. સેજલ અને સેના એકબીજાના પ્રેમમાં છે પણ સંજોગો એવા છે કે એ બંનેનું એક થવું નામુમકીન છે. ગ્રેઈસ એ સેજલને એકતરફી પ્રેમ કરે છે. સંજોગો ગ્રેઈસની તરફેણમાં છે.

એકવખત સેના ફક્ત સેજલને મળવા માટે એનાં બાપની ઈચ્છા વિરુદ્ધ, જાન ના જોખમે રાજમહેલમાં આવી ચડી હતી. પછી તો સેજલ પણ ઘણી વખત સેનાને મળવા જાય છે. આ તરફ ગ્રેઈસ પણ કોઈને કોઈ બહાનું કરી સેજલને મળવા રાજમહેલ પર આવી જતી. ગમતી વ્યક્તિને મળવાની જીદ અને એ  જિદને પૂરી કરવા જીવના જોખમે અધીરું થઈ જવું, એ તાલાવેલી, એ અધીરાઈ ત્રણેય પાત્રો પાસે છે. લવની ભવાઈ ફિલ્મનું સોંગ તમે સાંભળ્યું હશે, “ હું મને શોધ્યા કરું ને હું તને પામ્યાં કરું” કઈક એવી જ લાગણી સેજલ, સેના અને ગ્રેઈસ અનુભવે છે.

આ કથાનો હીરો સેજલ છે અને એ જ કથા કહે છે. એવું લાગે છે કે લેખક કહેવા માંગતા હોય કે બધા લોકો પોતાના જીવનમાં રાજા (હીરો) હોય છે. દરેકના જીવનમાં સેના અને ગ્રેઈસ આવતી હોય છે. દરેકના જીવનમાં ક્યારેકને ક્યારેક પ્રેમ તત્વ આવતું હોય છે. સેજલ જયારે સેનાને ભેડાઘાટમાં મળવા જાય છે ત્યારે એને કેવી લાગણી થતી હશે અને કોઈ ગ્રેઈસ દિલ ફાડીને ચાહતી હશે તો કેવી લાગણી થતી હશે નોવેલ વાંચતા અનુભવી શકીશું. ઓથાર એટલે શું..? સંભવિત ભય, હંમેશા અનિચ્છીત ઘટનાની બીક કે કઈક એવો જ હોવો જોઈએ. સેજલ સેના અને ગ્રેઈસ તથા નોવેલના બીજા પાત્રો કોઈને કોઈ ઓથાર નીચે જીવે છે. સેજલ અને ગ્રેઈસને હર પ્રેમીને મુગ્ધાવસ્થામાં હોય એવો ડર છે કે મારાં ગમતાં પાત્રને હું પરની શકીશ કે નહી. ના હું નોવેલનો સાર નથી કહેવાનો આ તો ફક્ત બે ત્રણ પરસેન્ટ જ જાણકારી છે. નોવેલના પહેલા ભાગમાં ગમેલા બે સંવાદો તમારા માટે,..

૧. ગ્રેઈસ સેજલને કહે છે કે સ્ત્રી પશ્ચિમમાંથી આવતી હોય કે પૂર્વમાંથી, તે ગોરી હોય કે કાળી, તેનો પ્રથમ પ્રેમ અલૌકિક હોય છે .. બાકી બધી તડજોડ હોય છે.

૨. સેના સેજલને કહે છે, જેને ચાહતા હોઈએ તેને પરણવું જ જોઈએ તેવું હું માનતી નથી. દરેક સ્ત્રી પોતાના મનપસંદ પુરુષને પરણી શકે તેવું હંમેશા બનતું નથી.

કેટલીક ફિલ્મો, નવલકથાઓ કે ગીતો આપણને ભૂતકાળની ગલીઓ પર લઇ જાય છે. આપણે એ સ્ટોરીની અનુરૂપ ઢળી જતાં હોઈએ છીએ અને એવું લાગે જાણે આ મારી જ કથા છે. અને ત્યારે એ ગીત, નોવેલ કે ફિલ્મ આપણું માનીતું થઇ જાય છે. સેજલ, સેના અને ગ્રેઈસની લાગણીઓને અનુરૂપ એક કવિતા ફક્ત તમારા માટે..

હું બેઠો છું રાહ જોઈ
જે રસ્તેથી રોજ જાય છે એ
નિરાશ થયો
ઉઠીને ચાલ્યો એની શેરીએ
ને બંધ બારણાં જોઈ પાછો ફર્યો
ને જોઈ રહ્યો છું
સામેથી એ આવી રહ્યાં છે
પૂછ્યું તો કહ્યું
ગયાતા તમારી શેરીએ
હું શોધું છું એમની શેરીએ એમને
એ શોધે છે મારી શેરીએ મને
ને થયો એક સંજોગ આનંદદાયક

બસ હવે આટલેથી જ અટકવું છે. શેરીની આવી બધી વાતો કરી છે તો હજુ એક હથોડો મુકું છું. હું મને શોધ્યા કરું ને હું તને પામ્યા કરું…જસ્ટ એન્જોય.

અપડેટ્સ 27

• જીવેલા જીવનને અક્ષરોથી સંજોવવું મને ગમે છે. જીવનમાં સુંદર મધુર સારી ખરાબ અનેક ઘટનાઓ બનતી રહે છે અને બનતી રહેવાની. હા બધી પળોને બાંધીને અહી બ્લોગ રૂપી ખીલે બાંધી ન રખાય પણ કેટલીક પળો ને તો બ્લોગ પિટારામાં રાખી મુકવી ગમશે. હા તો યારો દોસ્તો સૌપ્રથમ 2019 ના નવા વર્ષની શુભકામનાઓ. 2018 નું વર્ષ સરસ રહ્યું અને મને ચશ્મા આપતું ગયું. હા, હું હવે ચશ્માધારી બની ગયો છું. ત્રણેક મહિના થયા પણ હજુ ચશ્મા પહેરવાનું ફાવતું નથી. બીજી ખબર એ છે કે શરીર પર થોડી ચરબી વધી ગઈ છે. બે મહિનાથી સવારમાં કસરત કરવાનું બંધ છે એટલે એવું લાગી રહ્યું છે કે પાંચ થી આઠ કિલો વજન વધી ગયું છે. અમે ફરીથી સવારની કસરત આજથી રાબેતા મુજબ શરૂ કરી છે એટલે વજનની ચિંતા નથી.

b2
સફેદ રણમાં આ ફોટો લેવામાં આવ્યું છે અને આઈડિયા પ્રવીણ પટેલનો છે.

 

 

 

 

• ડિસેમ્બર 2018 માં વિથોણ જવાનું થયું હતું. ઝરણાં અને સુરભિને સફેદ રણ જોવું હતું તો અમે સફેદ રણ, કાળો ડુંગર અને સ્વામિનારાયણ મંદિર ભુજની મુલાકાત લીધી હતી. વિશેષમાં સાગર, હિતેશ અને ચંદુલાલ સાથેની મુલાકાત યાદગાર રહી. અમને અફસોસ રહ્યો કે રમેશ પિંડોરિયાથી મુલાકાત થઈ શકી નહી.

 

 

 

 

 

• છેલ્લા બે ત્રણ મહિનાઓમાં બધાઈ હો, મનમરઝિયાં, અંધાધૂંધ, કારવાં, દિલ જંગલી, બાઝી, સંજુ, ફનને ખાન, હેપી ફિર ભાગ જાયેગી, સ્ત્રી, લૈલા-મજનું, સુઈ-ધાગા, પટાખા, જલેબી, તુંબાડ, બ્યુટીફુલ મનસુગળુ, કથેવોંદુ શુરુવાગીદે, ફિલ્મો જોઈ. બધાઈ હો, મનમરઝિયાં, અંધાધૂંધ, કારવાં, કથેવોંદુ શુરુવાગીદે ફિલ્મો વિશેષ ગમી. એમના પર અમને અલગથી પોસ્ટ લખવી હતી પણ અમે લખી શક્યા નથી, અફસોસ..!!

 

• ગઇકાલે ઝરણાં – સુરભિની સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવ હતો. બંનેએ પોતપોતાના ક્લાસમાં ડાંસ માં ભાગ લીધો હતો.b3

 

• શ્રી અશ્વિની ભટ્ટ દ્વારા લિખિત ઓથાર બુક બીજી વખત વાંચી રહ્યો છું. જ્યારે બુક પહેલીવખત વાંચતો હતો ત્યારે એક ઇન્તેજારી અને બેચેની રહેતી કે હવે શું થશે. હમણાં જ્યારે ફરીથી ઓથાર વાંચી રહ્યો છું ત્યારે એક એક બનાવને, ઉંડાણપૂર્વકના આલેખનને છે માણી રહ્યો છું. ઓથાર બુક રીવ્યુ તમે અહી ક્લીક કરીને વાંચી શકશો.

 

• મનમરઝિયાં ફિલ્મ જાણે અમૃતા – સાહિર- ઇમરોઝ ની કહાની હોય એવો સંકેત ફિલ્મના ઇન્ટરવલ પહેલાંની અમૃતાની मैं तेनु फिर मिलांगी પરથી લાગ્યું. ફિલ્મનું એક ગીત અંજુમન તમારા માટે…

પ્લાનેટોરીયમની મુલાકાતે…

ડીસેમ્બર-૨૦૧૭માં અમે (હું,ઝરણાં અને સુરભિ) નેહરુ  પ્લાનેટોરીયમ જોવા ગયાં હતાં.જયારે પરીક્ષા ચાલી રહી હતી ત્યારે જ એમનણે કહ્યું હતું કે પપ્પા વેકેશનમાં પ્લાનેટોરીયમ જોવા જાશું. અમે મેટ્રોથી એમ જી રોડ અને ત્યાંથી રીક્ષામાં પ્લાનેટોરીયમ પહોંચ્યાં. સુરભિ અને ઝરણાંને એમ હતું કે આપણે કારથી જશું પણ મેટ્રોની સફર એ એમના માટે સરપ્રાઈઝ હતું. પ્લાનેટોરીયમમાં પહોંચીને અમે સાડા દસનો શો હતો એ બૂક કરાવ્યો અને ત્યાં પ્રદર્શની છે તે ફર્યા. ત્યાં જ એક દુકાન છે જેમાં બુક્સ અને રમકડાં(જેને વૈજ્ઞાનિક રમકડાં કહી શકાય) મળતાં હતાં. ઝરણાંએ બૂક ખરીદી અને સુરભિએ એક રમકડું. સાડા દસના શોમાં અમે આકાશ દર્શન કર્યું. મને અને ઝરણાંને મઝા આવી પણ સુરભિ કંટાળી ગઈ. વચ્ચે જ એને કહ્યું પાપા ચાલોને બહાર, પણ છતાં જેમતેમ શો પુરો કર્યો. ત્યાંથી પછી અમે મછલી ઘર અને બાલભવન ગયાં. અને ત્યાંથી શ્રી વિશ્વેશ્વરીયા મ્યુઝિયમમાં ગયાં. ત્યાં બંનેને ખુબ મઝા આવી.

મ્યુઝિયમ, મછલીઘર અને  બાલભવન એ બંને માટે સરપ્રાઈઝ હતાં, અને મ્યુઝીયમમાં પણ દરેક થ્રીડી શોઝ જોયા એ પણ સરપ્રાઈઝ. મ્યુઝીયમમાં ઘણું જોવાનું રહી ગયું. પણ ખુબ મજા આવી બંનેને. સાંજે  મેટ્રોથી ઘરે ગયાં.

IMG-20180111-WA0013
બાલભવનમાં અમે..
BeautyPlusMe_20180601101742_save
પ્લાનેટોરીયમમાં કોઈ સ્કૂલના પ્રવાસમાં આવેલાં વિદ્યાર્થીઓ. અમે આકાશ દર્શનનો શો બધા સાથે જોવા ગયેલા. એ હોલમાં જેવું અંધારું કરવામાં આવ્યું, તો બધા વિદ્યાર્થીઓ સીટીઓ વગાડવા લાગ્યા અને વિદ્યાર્થીનીઓ ગભરાઈને રાડો કરવા લાગી. તેમને કાબુ કરવામાં થોડો સમય ગયો.
IMG-20180111-WA0014
પ્લાનેટોરીયમમાં સુરભિ અને ઝરણાં..
IMG-20180111-WA0015
મછલીઘરમાં સુરભિ અને ઝરણાં…
IMG-20180111-WA0012
શ્રી વિશ્વેશ્વરીયા મ્યુઝીયમમાં સુરભિ અને ઝરણાં…
BeautyPlusMe_20180601102108_save
શ્રી વિશ્વેશ્વરીયા મ્યુઝીયમમાં ડાયનોસોર સાથે  સુરભિ અને ઝરણાં…
IMG-20180111-WA0016
ક્યુટી સુરભિ…
BeautyPlusMe_20180601101909_save
ઝરણાં કહે છે કે પપ્પા હું એસ્ટ્રોનોટ બનીશ.

શોર્ટ સ્ટોરી-૧૧ ભાગ-૨

Short Story-11 Part-2

સિનિયર અધિકારીનો નિવૃતિનો વિદાય સમારંભ આજે ઈન્ફાન્ટ્રી રોડ પરની હોટેલ મોનાર્ક લક્ષરમાં હતો. મારા રાજીનામા પર કંપનીએ મને એક મહીનો જોબ કંટીન્યુ કરવા કહ્યું છે. એક સારા એમ્પલોયીને કંપની ગુમાવવા નથી માંગતી. પણ મને ઓફિસનો એક એક દિવસ એક એક વર્ષ જેવો લાગે છે. ક્ષમતાએ પીળા રંગની સાડી પહેરી હતી અને સાડી પર લાલ અને લીલા રંગની બોર્ડર લાગેલી હતી, ક્ષમતા કયામત લાગતી હતી. મારી પસંદની વિરુદ્ધ એ મોગરાનું એટલી માત્રામાં પરફ્યુમ લગાવી આવી હતી કે દૂરથી પણ મને મોગરાની એ વાસ માથામાં દુખાવો ઉત્પન કરતી હતી. હવે એને મારી પસંદ ના પસંદની પરવા નથી. પાર્કિંગ લોટમાંથી બોસ સાથે એ આવતી હતી ત્યારે એ બંનેને મેં ગુડ મોર્નિંગ કહ્યું તો બંનેમાંથી કોઈએ સામું પણ ના જોયું. દિવસની શરૂઆત જ ખરાબ થઈ. એકવખત તો થયું ઘરે ચાલ્યો જાઉં પણ એ સમારંભમાં મારી હાજરી આવશ્યક હતી.

સાંજે આરતી સમયે મંદિરે પહોંચી ગયો. પૂજારીને મારા ચહેરા પરથી જ ખબર પડી ગઈ કે એને અમસ્તુ જ પુછ્યું, શું ખબર, કેમ થાકેલો લાગે છે.? આજે થયેલી ઉપેક્ષાની વાત કરી તો પૂજારીજી હસવા લાગ્યા.

મેં પુછ્યું કેમ મારાજ હસો છો?

પૂજારીજીએ કહ્યું; તારી ઉદાસી અકારણ છે. દોષ તારો નથી. તું એમ કહે છે કે ક્ષમતા હવે તને નથી ચાહતી, શું ખબર એ તારા પ્રેમની કસોટી પણ કરતી હોય. જ્યારે મનમાં સંબંધના તાણાવાણા ગૂંથાય તો સમયાંતરે એમાં ખેંચતાણ પણ થવાની જ. અને ધાર કે સામેની વ્યક્તિ ઉપેક્ષા કરી રહી છે, ગુડ મોર્નિંગનો રિપ્લાય નથી આપતી તો એ તારો પ્રોબ્લેમ નથી. એ દુ:ખી આત્મા જો રિપ્લાય નથી કરતી તો તું તારા મનની ખુશીયોમાં આગ શા માટે લગાવે છે. યાદ રાખ, તારી ખુશી ફક્ત અને ફક્ત તારા કંટ્રોલમાં હોવી જોઈએ, બીજાઓ પર નિર્ભર નહીં. માણસની જ્યારે અપેક્ષાઓ નથી સંતોષાતી તો એ ભગવાન સાથેય રિસામણા લઈ લે. તું રોજ સવારે ગુડ મોર્નિંગ કહેવાનું ના છોડજે, ઉદાસ ના થજે, તારું કામ મન દઈને કરજે અને તારું રાજીનામું પાછું લઈ લેજે. પરિસ્થિતિઓથી ભાગ નહીં પણ એનો સામનો કર. ચાલ હવે આરતીનો સમય થયો.

-ચંદ્રકાંત માનાણી
#shortstory

કોલેજનાં દિવસો, અપ-ડાઉન

સડકના કિનારે સ્કૂલ યૂનિફોમ પહેરેલો, બગલમાં સ્કૂલ બેગ ભરાવેલો કોઈ વિધાર્થી લીફ્ટ માંગે તો કોલેજની યાદો રાખમાંથી રાક્ષસ બેઠો થાય એમ મનમાં પ્રગટે. કોલેજના બીજા વર્ષમાં અમે પણ આવી જ રીતે રીતસર ટ્રકમાં બેસવા લીફ્ટ માંગતા. ભૂકંપ એનું કામ કરી ગયો હતો. કોલેજનું રિપેરીંગ કામ ચાલુ હતું. એટલે એફવાય અને ટીવાયનું સવારનું ટાઈમ અને એસવાયનું ટાઈમીંગ મોડું હતું. રજા પડતી ત્યાં સુધીમાં મુંદ્રા-હાજીપીર, ભુજ-નારાયણસરોવર અને ભુજ-નખત્રાણા બસો ઓલરેડી નીકળી ગઈ હોય. આ ત્રણેય બસોના ડ્રાઇવરને અમારા પર વિશેષ લાગણી. …. મુંદ્રા-હાજીપીરનો કિશોર, ભુજ નારાયણસરોવરનો ઝાલા અને ભુજ નખત્રાણાનો ખીમજી બસમાં ગમે તેવી ગીરદી હોય જયનગરના બસ સ્ટોપ પર બસ ઊભી રહેતી જ..બસમાં ગીરદી માનકૂવા સૂધી રહેતી…ત્યાં સુધી અમને ડ્રાઇવરની કેબિનમાં પણ બેસાડતા…મુંદ્રા-હાજીપીર બસની કંડીશન સારી રહેતી અને કિશોર સારી સ્પિડમાં દોડાવતો. ખીમજી પ્રમાણમાં ટાઢો…નારાયણ સરોવર જતી બસ લગભગ ખખડધજ જ આવતી પણ ઝાલા એ બસનેય ઓવરસ્પીડે દોડાવતો…ઝાલા ક્લચ વગર જ ગિયર બદલાવતો એવું લાગતું જાણે બસ પર બળાત્કાર જ કરે છે. એના જમણા હાથમાં બીડી સળગતી રહેતી, માવો ચાવતો, દાઢી વધારેલી આંખોમાં કાળાં ચશ્માં પહેરતો ઇનશર્ટ કરેલો ઝાલા ખખડધજ બસથી કોઈપણ વાહનને ઓવરટેક કરતો હજી યાદ છે. ક્યારેક ઓવરટેક કરતો હોય અડધી બસ આગળ નીકળી ગયા પછી સામેથી કોઈ વાહન આવેને બ્રેક મારવી પડે તો ઝાલો જલી જાતો …અને ફરી જ્યારે ઓવરટેક કરે ત્યારે પેલા ડ્રાઇવરને ભાંડવાનું ન ચૂકતો…સેકંડ યરમાં રજા પડતી ત્યાં સુધીમાં આ ત્રણેય બસો નીકળી જતી. પછી કાંતો ભુજ-પીપર કામ આવે અથવા કોઈ બીજી અથવા ટ્રક….ઘરે પહોંચતાં ચાર પણ વાગી જતા….

કહેના તો હૈ …કૈસે કહું..?

12711208_1046867808689922_5902548720695701169_o.jpgકહેના તો હે કૈસે કહું…?
કહેનેસે ડરતા હું મૈ..
તુમસે પ્યાર કરતા હું મૈ…..

મૌકા મિલા મુજે કઈ-કઈ બાર
ઝબાંને મગર સાથ ના દિયા..
કહુંગા ઉસે કુછમેં રટતા રહા
મગર રૂબરૂ કુછ ભી કહે ના શકા
મેરે પ્યારકી હદ હો ચુકી
દીવાના સા લગતા હું મેં ….
તુમસે પ્યાર કરતા હું મૈ…..

તુજે દેખકર તેજ ચલતી હે સાંસે
બડી દેર મેં ફિર સંભલતી હે સાંસે
યે ચાહત કહાં લેકે આયી હે મુજકો
ન ચલતી હે રાહે ન રુકતી હે રાહે
મિલના તો હે કૈસે મીલું
તેરે પાસ આનેસે ડરતા હું મેં
તુમસે પ્યાર કરતા હું મૈ….

યુ આર માય વેલેન્ટાઈન

બહુ વર્ષો પહેલાં આ ગીત જયારે પહેલીવાર સાંભળ્યું ત્યારથી ખુબ જ ગમી ગયું. કુમાર સાનુનો અવાજ, રાજેશ રોશનનું મ્યુઝીક દેવ કોહલીના શબ્દો અને ચોકલેટી શાહીદ પર ફિલ્માવેલું આ ગીતમેં સેકડોવાર સાંભળ્યું છે. કહેવું તો છે પણ કેમ કરી કહું…આ કહેવાની વાત કોઈ તરત કહી દે છે અને કોઈની આખી જિંદગી નીકળી જાય તોય કહેવામાં છી વહી જાય..હહહ..કહેતાં ડરું છું મને કહેવાનાં કેટલાય મોકા મળ્યા, રાત-રાતભર જાગીને વિચાર્યું છે
કે કાલે મળશે તો આ વાતનો નિવેડો લાવવો જ છે અને કહી જ દેવું છે પણ જયારે તને જોઉં છું તો બોલતી બંધ થઈ જાય છે. ભલે રૂબરૂમાં એક વખત પણ નથી કહ્યું પણ સપનાંમાં તો હજાર વાર કહ્યું છે અને જાગતા પણ આંખોએ કહ્યું છે તું પણ સમજે છે છતાં કેવી છો તું કે તને બોલીને કહું તો જ સમજણ પડે એવું વર્તન કરે છે. આમ તો હું બહુ બહાદુર છું પણ તને દુરથી આવતી જોઉં તો પણ દિલમાં ધડબડાટી મચી જાય છે. દિલની બધી ધડકનો આમતેમ ભાગવા માંડે છે (જાણે કોઈ ડાકણ જોઈ લીધી હોય હહહ..) તારી ફક્ત એક ઝલકથી આવું કેમ થતું હશે..
આમછતાં તું ફરી ક્યારે દેખાઇશ એની ઈચ્છા દિલ તરત વ્યક્ત કરે છે. તને જોયાં પછી હું કાય બોલી ન શકું,
દિલ પણ ઉછાળા મારીને શરીરમાંથી નીકળીને તારામાં સમાઈ જવા તત્પર હોય, હું સાવ બાગા જેવો થઈ જાઉં…
આવી હાલતમાંય મને મળવું છે તને…. પણ ડરું છે. જ્યાં સુધી પ્રેમ છે ત્યાં સુધી જીવનમાં રોમાંચ અકબંધ છે.

વેલેન્ટાઈન ડે આવશે અને જશે. પણ પ્રેમ વ્યક્ત કરવા એક દિવસ પુરતો નથી. પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ બંધન
નથી, દિવસમાં બે વાર, રોજરોજ, અઠવાડિયે એકવાર મહિને કે છ મહિને…. ગમે ત્યારે કહી શકાય, શરત ફકત એટલી કે એમાં અહમ ન હોવો જોઈએ. હું પહેલાં કાં કહું, વોટ્સએપ પર મારો મેસેજ જોયો છતાં એને રિપ્લાય કેમ ન દીધો હવે હૂય એમ જ કરીશ, એફબી પર મારી પોસ્ટ લાઈક કેમ ન કરી…એવા એવા ઈગો પાળશું તો પ્રેમ થઈ રહ્યો…. વર્ષ દરમિયાન તમારાં પ્રીતમને એક વખત પણ હું તને ચાહું છું ન કહ્યું હોય તો કહો એવું યાદ કરાવવા આ દિવસ આવે છે. પ્રેમ એ આપણા જીવન જેવો છે, નાનપણમાં તોફાની, મુગ્ધાવસ્થામાં પહોંચે એટલે મસ્તીખોર અને વૃદ્ધ થાય એટલે મૃતપ્રાય થઈ જાય. હવે પ્રેમ વૃદ્ધ જલ્દી થઈ જાય છે. પ્રેમની જેવી શરૂઆત થઈ હોય એવો જ અગર તમે જીવંત રાખી શકો જીવનપર્યંત તો જીવન ઉત્સવ બની જાય. આ તો એવું છે ને પ્રેમ થયો લગ્ન કર્યા પતિ થયો પતી ગયો. કેટલી ફરિયાદો ઉત્પન્ન થાય છે, એ મનગમતી રસોઈ નથી બનાવતી, એ મારી રસોઈના કદી વખાણ નથી કરતા, એ મારી સાથે બરાબર વાત નથી કરતી, એ મને ક્યારેય મૂવી જોવા નથી લઈ જતા. …ગાડીને ફક્ત ચલાવ્યા જ કરીએ એ પણ ન ચાલે, અમુક સમયે સર્વિસ પણ કરાવવી પડે. સર્વિસ કરાવવાનું તો ઠીક, જેમ ગાડીમાં પેટ્રોલ ખાલી થતાં ભરાવવું પડે તેમ પ્રેમની ટાંકી પણ ભરેલી રાખવી જોઈએ. હું એમ નથી કહેતો કે તમે વારેવારે આઈ લવ યુ આઈ લવ યુ કહ્યા કરો. એ તો જોવું પડે કેવા તાપણાંમાં પ્રેમની રોટલી મૂકેલી છે. તાપણુંય ઓલાવું ન જોઈએ, રોટલી કાચી પણ ન રહેવી જોઈએ અને બળી પણ ન જવી જોઈએ. તો દોસ્તો, કાલની રાહ ન જોશો. કાલ કોને જોઈ છે. આજે જ કહી દેજો તમારા વેલેન્ટાઈનને..

હેપ્પી વેલેન્ટાઈન ડે.