કોલેજનાં દિવસો, અપ-ડાઉન

સડકના કિનારે સ્કૂલ યૂનિફોમ પહેરેલો, બગલમાં સ્કૂલ બેગ ભરાવેલો કોઈ વિધાર્થી લીફ્ટ માંગે તો કોલેજની યાદો રાખમાંથી રાક્ષસ બેઠો થાય એમ મનમાં પ્રગટે. કોલેજના બીજા વર્ષમાં અમે પણ આવી જ રીતે રીતસર ટ્રકમાં બેસવા લીફ્ટ માંગતા. ભૂકંપ એનું કામ કરી ગયો હતો. કોલેજનું રિપેરીંગ કામ ચાલુ હતું. એટલે એફવાય અને ટીવાયનું સવારનું ટાઈમ અને એસવાયનું ટાઈમીંગ મોડું હતું. રજા પડતી ત્યાં સુધીમાં મુંદ્રા-હાજીપીર, ભુજ-નારાયણસરોવર અને ભુજ-નખત્રાણા બસો ઓલરેડી નીકળી ગઈ હોય. આ ત્રણેય બસોના ડ્રાઇવરને અમારા પર વિશેષ લાગણી. …. મુંદ્રા-હાજીપીરનો કિશોર, ભુજ નારાયણસરોવરનો ઝાલા અને ભુજ નખત્રાણાનો ખીમજી બસમાં ગમે તેવી ગીરદી હોય જયનગરના બસ સ્ટોપ પર બસ ઊભી રહેતી જ..બસમાં ગીરદી માનકૂવા સૂધી રહેતી…ત્યાં સુધી અમને ડ્રાઇવરની કેબિનમાં પણ બેસાડતા…મુંદ્રા-હાજીપીર બસની કંડીશન સારી રહેતી અને કિશોર સારી સ્પિડમાં દોડાવતો. ખીમજી પ્રમાણમાં ટાઢો…નારાયણ સરોવર જતી બસ લગભગ ખખડધજ જ આવતી પણ ઝાલા એ બસનેય ઓવરસ્પીડે દોડાવતો…ઝાલા ક્લચ વગર જ ગિયર બદલાવતો એવું લાગતું જાણે બસ પર બળાત્કાર જ કરે છે. એના જમણા હાથમાં બીડી સળગતી રહેતી, માવો ચાવતો, દાઢી વધારેલી આંખોમાં કાળાં ચશ્માં પહેરતો ઇનશર્ટ કરેલો ઝાલા ખખડધજ બસથી કોઈપણ વાહનને ઓવરટેક કરતો હજી યાદ છે. ક્યારેક ઓવરટેક કરતો હોય અડધી બસ આગળ નીકળી ગયા પછી સામેથી કોઈ વાહન આવેને બ્રેક મારવી પડે તો ઝાલો જલી જાતો …અને ફરી જ્યારે ઓવરટેક કરે ત્યારે પેલા ડ્રાઇવરને ભાંડવાનું ન ચૂકતો…સેકંડ યરમાં રજા પડતી ત્યાં સુધીમાં આ ત્રણેય બસો નીકળી જતી. પછી કાંતો ભુજ-પીપર કામ આવે અથવા કોઈ બીજી અથવા ટ્રક….ઘરે પહોંચતાં ચાર પણ વાગી જતા….

Advertisements

કહેના તો હૈ …કૈસે કહું..?

12711208_1046867808689922_5902548720695701169_o.jpgકહેના તો હે કૈસે કહું…?
કહેનેસે ડરતા હું મૈ..
તુમસે પ્યાર કરતા હું મૈ…..

મૌકા મિલા મુજે કઈ-કઈ બાર
ઝબાંને મગર સાથ ના દિયા..
કહુંગા ઉસે કુછમેં રટતા રહા
મગર રૂબરૂ કુછ ભી કહે ના શકા
મેરે પ્યારકી હદ હો ચુકી
દીવાના સા લગતા હું મેં ….
તુમસે પ્યાર કરતા હું મૈ…..

તુજે દેખકર તેજ ચલતી હે સાંસે
બડી દેર મેં ફિર સંભલતી હે સાંસે
યે ચાહત કહાં લેકે આયી હે મુજકો
ન ચલતી હે રાહે ન રુકતી હે રાહે
મિલના તો હે કૈસે મીલું
તેરે પાસ આનેસે ડરતા હું મેં
તુમસે પ્યાર કરતા હું મૈ….

યુ આર માય વેલેન્ટાઈન

બહુ વર્ષો પહેલાં આ ગીત જયારે પહેલીવાર સાંભળ્યું ત્યારથી ખુબ જ ગમી ગયું. કુમાર સાનુનો અવાજ, રાજેશ રોશનનું મ્યુઝીક દેવ કોહલીના શબ્દો અને ચોકલેટી શાહીદ પર ફિલ્માવેલું આ ગીતમેં સેકડોવાર સાંભળ્યું છે. કહેવું તો છે પણ કેમ કરી કહું…આ કહેવાની વાત કોઈ તરત કહી દે છે અને કોઈની આખી જિંદગી નીકળી જાય તોય કહેવામાં છી વહી જાય..હહહ..કહેતાં ડરું છું મને કહેવાનાં કેટલાય મોકા મળ્યા, રાત-રાતભર જાગીને વિચાર્યું છે
કે કાલે મળશે તો આ વાતનો નિવેડો લાવવો જ છે અને કહી જ દેવું છે પણ જયારે તને જોઉં છું તો બોલતી બંધ થઈ જાય છે. ભલે રૂબરૂમાં એક વખત પણ નથી કહ્યું પણ સપનાંમાં તો હજાર વાર કહ્યું છે અને જાગતા પણ આંખોએ કહ્યું છે તું પણ સમજે છે છતાં કેવી છો તું કે તને બોલીને કહું તો જ સમજણ પડે એવું વર્તન કરે છે. આમ તો હું બહુ બહાદુર છું પણ તને દુરથી આવતી જોઉં તો પણ દિલમાં ધડબડાટી મચી જાય છે. દિલની બધી ધડકનો આમતેમ ભાગવા માંડે છે (જાણે કોઈ ડાકણ જોઈ લીધી હોય હહહ..) તારી ફક્ત એક ઝલકથી આવું કેમ થતું હશે..
આમછતાં તું ફરી ક્યારે દેખાઇશ એની ઈચ્છા દિલ તરત વ્યક્ત કરે છે. તને જોયાં પછી હું કાય બોલી ન શકું,
દિલ પણ ઉછાળા મારીને શરીરમાંથી નીકળીને તારામાં સમાઈ જવા તત્પર હોય, હું સાવ બાગા જેવો થઈ જાઉં…
આવી હાલતમાંય મને મળવું છે તને…. પણ ડરું છે. જ્યાં સુધી પ્રેમ છે ત્યાં સુધી જીવનમાં રોમાંચ અકબંધ છે.

વેલેન્ટાઈન ડે આવશે અને જશે. પણ પ્રેમ વ્યક્ત કરવા એક દિવસ પુરતો નથી. પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ બંધન
નથી, દિવસમાં બે વાર, રોજરોજ, અઠવાડિયે એકવાર મહિને કે છ મહિને…. ગમે ત્યારે કહી શકાય, શરત ફકત એટલી કે એમાં અહમ ન હોવો જોઈએ. હું પહેલાં કાં કહું, વોટ્સએપ પર મારો મેસેજ જોયો છતાં એને રિપ્લાય કેમ ન દીધો હવે હૂય એમ જ કરીશ, એફબી પર મારી પોસ્ટ લાઈક કેમ ન કરી…એવા એવા ઈગો પાળશું તો પ્રેમ થઈ રહ્યો…. વર્ષ દરમિયાન તમારાં પ્રીતમને એક વખત પણ હું તને ચાહું છું ન કહ્યું હોય તો કહો એવું યાદ કરાવવા આ દિવસ આવે છે. પ્રેમ એ આપણા જીવન જેવો છે, નાનપણમાં તોફાની, મુગ્ધાવસ્થામાં પહોંચે એટલે મસ્તીખોર અને વૃદ્ધ થાય એટલે મૃતપ્રાય થઈ જાય. હવે પ્રેમ વૃદ્ધ જલ્દી થઈ જાય છે. પ્રેમની જેવી શરૂઆત થઈ હોય એવો જ અગર તમે જીવંત રાખી શકો જીવનપર્યંત તો જીવન ઉત્સવ બની જાય. આ તો એવું છે ને પ્રેમ થયો લગ્ન કર્યા પતિ થયો પતી ગયો. કેટલી ફરિયાદો ઉત્પન્ન થાય છે, એ મનગમતી રસોઈ નથી બનાવતી, એ મારી રસોઈના કદી વખાણ નથી કરતા, એ મારી સાથે બરાબર વાત નથી કરતી, એ મને ક્યારેય મૂવી જોવા નથી લઈ જતા. …ગાડીને ફક્ત ચલાવ્યા જ કરીએ એ પણ ન ચાલે, અમુક સમયે સર્વિસ પણ કરાવવી પડે. સર્વિસ કરાવવાનું તો ઠીક, જેમ ગાડીમાં પેટ્રોલ ખાલી થતાં ભરાવવું પડે તેમ પ્રેમની ટાંકી પણ ભરેલી રાખવી જોઈએ. હું એમ નથી કહેતો કે તમે વારેવારે આઈ લવ યુ આઈ લવ યુ કહ્યા કરો. એ તો જોવું પડે કેવા તાપણાંમાં પ્રેમની રોટલી મૂકેલી છે. તાપણુંય ઓલાવું ન જોઈએ, રોટલી કાચી પણ ન રહેવી જોઈએ અને બળી પણ ન જવી જોઈએ. તો દોસ્તો, કાલની રાહ ન જોશો. કાલ કોને જોઈ છે. આજે જ કહી દેજો તમારા વેલેન્ટાઈનને..

હેપ્પી વેલેન્ટાઈન ડે.

કોલેજની યાદો

colકોઈ એક ફોટો કેટલી યાદો સાચવી શકે છે વાહ,. ઉપરનો ફોટો ભુજની કોમર્સ કોલેજની લાઈબ્રેરીનો છે. કોલેજમાં લાઈબ્રેરી છે એવું જાણીને હું ખુબ ખુશ થયેલો. વિથોણની લાઈબ્રેરી પછી આ લાઇબ્રેરીનો નંબર આવે પુસ્તકો વાંચવા આપવામાં. આ જ લાઈબ્રેરીમાં હું ઉલ્લુ બન્યો હતો અને એની જાણ મને કોલેજ પૂરી થયા પછી બે-ચાર વર્ષે પડેલી. ઉપરના ફોટોમાં પાઠક સાહેબ છે જે લાઈબ્રેરી સાચવતા, પુસ્તકો કાઢી આપતા. નાકની અણી પર કાયમ ચશ્માં રહેતાં, માથાપર વિગ દેખાઈ આવતી, કાયમ વિદ્યાર્થીઓની મદદમાં હજાર રહેતા. બસ હું એમનો ફેન થઈ ગયેલો. ત્રણ વર્ષ દરમિયાન મેં ક્યારેય એને ગુસ્સે થયેલા નહોતા જોયા, અને એમનું કાર્ય એ નિષ્ઠાથી કરતા. ક્યારેક વિદ્યાર્થી વધુ હોય અને કોઈ કહે સાહેબ મને આ પુસ્તક જોઈએ છે, તો એનો જવાબ લગભગ ફીક્ષ જ હતો, “ હા, કાઢી આપું હો”… અવાજમાં ક્યારેય અણગમો ન સંભળાતો….એને કહેવાની હિંમત ન ચાલી કે સાહેબ તમારી સાથે એક ફોટો જોઈએ એટલે આવી રીતે એક ફોટો લઇ લીધો. ફોટોમાં એક છોકરી છે જેને આસમાની ડ્રેસ પર સફેદ કોટ પહેર્યો છે. એનું નામ મને ખબર નથી. કોલેજમાં ત્યારે યુવા મહોત્સવ કે એવું કઈક હતું. અમે ત્રીજા વર્ષમાં હતા. મેં નિબંધ સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા, ગાયન, વક્તૃત્વ સ્પર્ધા,૧૦૦,૪૦૦ અને ૧૫૦૦ મીટર દોડ, ત્રિપલ જંપ, લાંબી કુદમાં ભાગ લીધો હતો. ગાયન, વક્તૃત્વ,૧૦૦ મીટર દોડ, ત્રિપલ જંપ, લાંબી કુદમાં આપડો નંબર ન આવ્યો. હું નિબંધ લખીને આવ્યો અને જ્યાં ગાયન સ્પર્ધા ચાલી રહી હતી ત્યાં પહોચ્યો અને તરત પછી કાવ્ય લખવા જવું હતું. કલાસરૂમમાં ગઢવી સાહેબ બેઠા હતા. આશરે પચીસેક સ્પર્ધકો હતા. હું ક્લાસમાં દાખલ થયો કે ગઢવી સાહેબે સ્વાગત કર્યું, આવો રાજાના કુંવર તમારી જ રાહ જોતા હતા..બધા હસે છે. કારણ કે હું મોડો પડ્યો હતો. ગઢવી સાહેબ મને સૌથી પ્રિય હતા. તેના આમ કહેવાથી મને જરાય ખરાબ ન્હોતું લાગ્યું. બે-ત્રણ વિદ્યાર્થીઓ ગીત ગાઈ લીધું હતું. એમાંથી એક એ આસમાની ડ્રેસવાળી છોકરી પણ હતી. એમને એક હિન્દી ગઝલ ગાઈ હતી….”રાઝકી બાત કહે ગયા ચહેરા..,,એ ગઝલ મને ખુબ ગમી હતી.. પછી મેં ગઢવી સાહેબને કહ્યું સાહેબ હું આવું..? મારે કાવ્ય લખવા પણ જવું છે. તો મને પરમીસન મળ્યું અને મેં ત્યારે મારા ભયંકર અવાજમાં દિલ હે તુમ્હારા ફિલ્મનું ગીત ચાહે ઝુબાંસે કુછ ના કહો ગાયું હતું. ગીત સાંભળ્યા પછી ગઢવી સાહેબે કહ્યું,” ચંદરિયા( એ મને ચંદરિયા કહેતા), તું જઈ શકે છે અને હાં, મારો કયો નંબર આવ્યો એવું ન પૂછતો..સાહેબની આ જ ભાષા હતી, મને ગમતી હતી.કોલેજનો પહેલો દિવસ હું ક્યારેય નહી ભૂલી શકું, જયારે ગઢવી સાહેબ બધા ક્લાસમાં મારી શોધ કરી આવેલા. મને શોધીને કહ્યું હતું કે તારે વોલીબોલ ટીમ તૈયાર કરવી છે, મને મળજે ક્લાસ પછી. સાહેબને ઘૂંટણમાં તકલીફ હતી. ચાલતા ત્યારે જમણી અને ડાબી તરફ જુકી જતા. બહુ ધીરે ધીરે ચાલી શકતા. એનો અવાજ એકદમ પહાડી. ક્યારેય માઈકની જરૂર ન પડતી. એનાં નીડર અવાજમાં આત્મવિશ્વાસ જળકતો. અમે ખંભાત રમવા જઈ રહ્યા હતા. ભુજ -ખંભાત બસમાં હું એની સાથે બેઠો હતો, એ વિન્ડો તરફ હતા. દિવસની મુસાફરી હતી. છેલેથી ચોથી સીટ પર અમે બેઠા હતા. આગળની સીટ પરથી કોઈ બહાર કોઈ થુક્યું અને થોડા છાંટા અમે પણ અનુભવ્યા. એક પલનોય વિલંબ કર્યા વગર ગઢવી સાહેબે જોરથી કહ્યુંતુ કોણ છે નાલાયક થુંકે છે બારી બહાર. અને પછીથી શાંતિ થઈ ગઈ હતી. કોલેજનાં બીજા વર્ષે વોલીબોલની ટીમ ફાઈનલ કરી લીધા પછી સાહેબ ક્રિકેટના ગ્રાઉન્ડ પર જઈ રહ્યા હતા. હું એમની સાથે ત્યાં ગયો હતો અને રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તો એને કહ્યું હતું કાલે વાઈટ પેન્ટ અને શર્ટમાં આવી જજે પ્રેક્ટીસ કરવા. હું ગયેલો, પણ ત્યાતો ટીમ પહેલેથી ફીક્ષ થઈ ગયેલી હતી. એક બાપુએ મને કહેલું જો મને વોલીબોલ ટીમમાં લઈશ તો જ તારું સિલેક્શન થશે. મે કહ્યું હતું તું રોજ પ્રેકટીશ કરવા આવીશ તો કરીશ. તો બાપુ કહે મારે રમતા નથી આવડતું મને તો ખાલી ફરવા આવું છે ટીમ સાથે…મે કહેલું તો બાપુ તારું સિલેક્શન નહી થાય તો એને કહ્યું તારું સિલેક્શન પણ નહી થાય. બીજા દિવસથી હું ક્રિકેટ રમવા ના ગયો. ત્રીજા વર્ષે સાહેબ કહેતા હતા બે વર્ષ પછી હું રીટાયર થવાનો છું. ત્રણ વર્ષ અમે ટીમ લઇ ગયા પણ એક વખત પણ ફાઈનલ ના જીતી શક્યા. ત્રીજા વર્ષે સાહેબે મને કહ્યું હતું કે જો તું યુનિવર્સીટી ટીમ માટે સિલેક્ટ થઈશ તો તને હું ટ્રેક-સુટ અપાવીશ. ત્રીજા વર્ષે ટીમે સારું પ્રદર્શન કર્યું હતું અને હું સિલેક્ટ પણ થયો હતો પણ સાહેબે એનો વાયદો પુરો ન કર્યો બસ એ એક જ મીઠી ફરિયાદ રહી. મિસ યુ શ્રી એ બી ગઢવી સાહેબ.

“દક્ષાબા”

ત્યારે હું અગિયારમાં ધોરણમાં હતો. નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ગુજરાતની ટીમ સિલેક્ટ થવાની હતી. ૧૯૯૮ નાં એ દિવસોની ધુંધળી યાદ મનમાં ક્યાંક ધર્બાયેલી છે. જયારે અમે નડિયાદ પહોચ્યાં ત્યારે ત્યાં વડોદરા જીલ્લાની બે છોકરીઓ જ આવેલી હતી. રૂપલ અને દક્ષા. બપોરનો સમય હતો અને સાંજ સુધી બધા ખેલાડીઓને રીપોર્ટીંગ કરવું હતું અને બધા સમયસર આવી ગયા. અમદાવાદનો અશ્વિન મારો ખાસ ભાઈબંધ. અને આ સ્ટોરી પણ અશ્વિનની છે. રંગે કાળીયો કહેવાય પણ એની બોડી અને વોલીબોલ રમવાની સ્ટાઈલ મસ્ત. એ જયારે ચાલતો ત્યારે એની ડોક ટટ્ટાર રહેતી અને આંખો જુકેલી.

રૂપલ અને દક્ષા એ બંને એક જ જીલ્લાની હોવાથી સાથે જ રહેતી, દક્ષા ઠીકઠાક કહી શકાય એવી છોકરી. દક્ષાને અસ્વીન ગમી ગયો અને કહીએ તો એ જાણે એની પાછળ જ પડી ગઈ હતી.બધાને પંદર દિવસ સાથે રહેવું હતું. અમારું મોર્નિંગ સેશન સાતથી દસ અને સાંજે સાડા ચારથી અંધારું થાય ત્યાં સુધી.પાંત્રીસ ખેલાડીઓ વચ્ચે ત્રણ વોલીબોલ કોર્ટ હતા, પાસેપાસે જ, બે છોકરાઓ માટે અને એક છોકરીઓ માટે. અશ્વિન કહેતો કે જયારે મારી નજર દક્ષા પર પડતી એની નજર મારા પર જ હોય છે. સવારના સેશન બાદ નાસ્તો સાથે હોય છે.

ચોથા દિવસે દક્ષાએ કહ્યું કે આજે રૂપલનો બર્થડે છે અને જમ્યા પછી આઈસ્ક્રીમનો પ્રોગ્રામ છે. અમે દસેક મિત્રો આઈસ્ક્રીમ માટે ગયાં હતા. હવે દક્ષા તો એમ વર્તતી હતી જાણે વર્ષોથી ફ્રેન્ડ હોય. વાતવાતમાં દક્ષાને ખબર પડી કે અશ્વિનને આઈસ્ક્રીમ ખુબ જ ગમે છે તો એણે થોડી ખાધેલી આઈસ્ક્રીમ અશ્વિનને ઓફર કરી અને અશ્વિને ખાઈ પણ લીધી.

કેમ્પના બીજા જ દિવસે દક્ષાનો કોઈ સાથી ખિલાડી સાથે જગડો થયો હતો. વાત ફક્ત એટલી જ હતી કે મને દક્ષાબા કહીને બોલાવવું, એ રાજપૂત હતી એટલે એજ નામથી બોલાવવું એ એનો આગ્રહ હતો. જયારે અશ્વિનને આ વાતની જાણ થઈ ત્યારથી એ પણ દક્ષાબા કહીને સંબોધતો. પણ દક્ષાને આ ન ગમતું. એ કહેતી કે અશ્વિન તારે મને દક્ષાબા ન કહેવું ફક્ત દક્ષા જ કેજે. પણ અશ્વિન એણે દક્ષાબા જ કહેતો અને એ ખીજાતી. મેં કારણ પૂછ્યું તો એણે કહ્યું હતું કે પાછળ “બા” એ અમારામાં માન મર્યાદા માટે લગાવે છે પણ અશ્વિન મને એમ કહે છે એ નથી ગમતું. બીજે દિવસે મેં અશ્વિનને પૂછ્યું કેમ તું દક્ષાથી ભાગતો ભાગતો ફરે છે. તો કહે કે હું મારી સ્કુલમાં એક છોકરી છે એને પ્રેમ કરું છું એટલે. દક્ષા સાથે વાત કરું છું તો એવું લાગે છે જાણે પેલી સાથે બેવફાઈ કરું છું.

આમને આમ અઠવાડિયું નીકળી ગયું. તે દિવસે રવિવાર હતો અને આરામ કરવાનો દિવસ હતો. કાલે ટીમનું સિલેક્શન થવાનું હતું.પાંત્રીસથી ચોવીસ ખેલાડી થવાના હતા. હું ને અશ્વિન નાસ્તો કરીને ફૂટબોલના ગ્રાઉન્ડમાં બેઠા હતા.એ ટેન્શનમાં લાગતો હતો. દક્ષા પણ નાસ્તો કરીને આવીને પાસે બેઠી.

દક્ષા: કેમ શું થયું, કેમ ગુમશુમ બેઠો છે?,,,

અશ્વિન : કાલનું ટેન્શન છે, શું થશે , સિલેક્શન થશે કે કેમ? મારું તો માથું દુખે છે….

દક્ષા : એનું ટેન્શન ન લેવાય ને લાવ માથું દાબી દઉં.,,

કહેતીકને અમે જે ગ્રાઉન્ડના પગથીયામાં બેઠા હતા એની ઉપરના પગથીયામાં બેસીને અશ્વીનનું માથું પોતાનાના ખોળામાં લઈને દાબવા લાગી અને કહે કે, જો તારું સિલેક્શન નઈ થાય તો હું પણ નેલ્લોર(જ્યાં ટુર્નામેન્ટ થવાની હતી) નઈ જાઉં. અને હું વિચારતો હતો કે કેટલો પ્રેમ કરે છે દક્ષા અશ્વિનને…અશ્વિનને પણ આ પ્રેમ ગમતો હતો પણ એ પોતાની પ્રેમિકાને બેવફાઈ કરી રહ્યો છે એવો અપરાધભાવ અનુભવી રહ્યો હતો.

બીજા દિવસે અમે ત્રણેય સિલેક્ટ થઈ ગયાં. પછીનું અઠવાડિયું પણ એ દક્ષાનો અશ્વિન પ્રત્યેનો પ્રેમ અવિરત ચાલુ જ રહ્યો. લગભગ બધા ખેલાડીઓને આ પ્રેમ કહાનીની ખબર પડી ગઈ હતી. અમે જયારે ટ્રેનમાં નેલ્લોર ગયાં ત્યારે પણ દક્ષા જમવાનાં સમયે આવી ને સાથે જ જમતી, અશ્વિનની થાળી પણ એ જ તૈયાર કરીને આપતી. દક્ષા ખુબ ખુશ હતી. પણ જયારે અમે પાછા આવવા નીકળ્યા ત્યારથી જ ઉદાસ થઈ ગઈ અને છુટા પડવાનો સમય નજદીક આવી રહ્યો હતો.

દક્ષા : હવે ક્યારે મળશું?

અશ્વિન : ખબર નઈ…

દક્ષા : સમર કેમ્પમાં આવીશ? ( વેકેસનમાં બધા ખેલાડીઓની વિશેષ તાલીમ માટે સમર કેમ્પનું આયોજન ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરીટી કરે છે)

અશ્વિન : તું આવીશ ?

દક્ષા : તું આવીશ તો આવીશ ..

અશ્વિન : હું નહી આવું..

દક્ષા : કેમ?

અશ્વિન : બસ એમ જ…

અને દક્ષાની આંખમાંથી આંશુ સરી પડે છે. પછી એ ખાસ કઈ બોલતી ન્હોતી, અઢાર દિવસ થયાં હશે સાથે સાથે, કાયમ અશ્વિને એની ઉપેક્ષા જ કરી હતી અને દક્ષા એને સહેતી રહી, ક્યારેય અશ્વિને એની સાથે હસીને વાત ન કરી તે દક્ષાને ખરાબ લાગ્યું હશે પણ ક્યારેય ફરિયાદ ન કરી અને અધિકાર પણ નહોતો. છતાં ફરી મળવાની શક્યતા ના રહી ત્યારે આંખોએ જવાબ આપી દીધો. જયારે વડોદરા આવ્યું ત્યારે દક્ષા ઉતરી ગઈ. અશ્વિને તો એને બાય કરવાની તસ્દી પણ ન લીધી. અને અમદાવાદમાં અમે બધા સમર કેમ્પમાં મળશું એ વાદા સાથે છુટા પડ્યા.

સમર કેમ્પમાં ફરી અમે ભેગાં થયાં. પણ દક્ષા ન આવી. અશ્વિને ભલે કાઈ કહ્યું નહી પણ એની નજર દક્ષાને સતત શોધતી રહેતી. અને બીજા વર્ષે અમે લગભગ ત્રણેક રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં ભેગાં થયાં પણ દક્ષા કોઈ જગ્યાએ ન દેખાઈ. અને અશ્વિનને અફસોસ રહ્યો કે દક્ષાને ફરી મળી ન શકાયું,, અશ્વિનને સોરી પણ કહેવું હતું પણ પછી દક્ષા ક્યારેય ન મળી.

-ચંદ્રકાંત માનાણી

હોળી-ધૂળેટીની યાદો…

અઢાર-વીસ વર્ષ પહેલાની હોળીના સ્મરણો તમારી સાથે વહેચવા છે. વિથોણમાં ત્યારે સાત આઠ જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવતી.કહી શકાય કે એરિયા વાઈસ હોળી દહન થતું. આઝાદ ચોકમાં હોળી થતી તેમાં અમે જતા. તે સિવાય શંકર ભગવાનના મંદિર પાસે, વથાણમાં, બબુભાઈ ડીશ વાળાની દુકાન પાસે, હરીલાલ નાગજી રતનાણીના ઘર પાસે, મફત નગરમાં, સ્ટેશને હનુમાનના મંદિર પાસે…મુખ્ય હોળીઓ થતી. ત્યારે એક જોશ હતો કે અમારી હોળી મોટી થાય કદાચ હજુ પણ હશે..પણ તે સમયે હોળીને મોટી કરવા છોકરાઓ (એટલે કે અમે) હોળૈયા બનાવતા,એને દોરીમાં પરોવીને હાર બનાવતા..હોળૈયા બનાવવાનો સીલસીલો વહેલો જ ચાલુ થઇ જતો, અને હોળીના દિવસે ઘરે-ઘરે જઈને હોળૈયા લઈને આઝાદ ચોકમાં જમા કરતા.કેટલાક છોકરા બીજા એરિયામાં જઈને હોળૈયા લઇ આવતા અને પોતાની હોળીમાં જમા કરાવતા.તે સિવાય અમુક તોફાની છોકરા(જેમાં હું ક્યારેય નહોતો) વાડામાં પડેલા છાણા અને ઇંધણાની ચોરી કરીને પણ હોળી મોટી કરવાનો પ્રયાસ કરતા. બધા હોળૈયા આવી જાય પછી હોળીમાતાને તૈયાર કરી રાખતા. હોળીની ઉપર બે ત્રણ ધજા ખોડતા. હોળી પ્રાગટ્ય થઇને પ્રસાદ વહેંચીને પછી ગામમાં બધી હોળીને પગે લાગવા જતા..કેટલાક મસ્તીખોર છોકરા હોળીને ટપવાનું સાહસ પણ કરતા.

ધુળેટીમાં રંગ ઉડાડવાનું મને ક્યારેય નથી ગમ્યું. પણ અમે નાના હતા ત્યારે પાણીથી હોળી રમતા જે મને ખુબ ગમતું..પાંચ રૂપિયાની બન્દુકવાળી પિચકારીમાં બાથરૂમ માંથી પાણી ભરીને ફળિયામાં દોસ્તોને પલાળવા નીકળી પડતા, ફરી ખાલી પડતી પિચકારીને બાથરૂમમાં આવીને ભરવી પડતી. અલગ અલગ કલરની, કોઈની નાની તો કોઈની મોટી પિચકારી દોસ્તોને બતાવીને મારી સારી છે એને સિદ્ધ કરવામાં પણ કસર ના છોડતા. થોડા મોટા થયા એટલે કેસુડાનો રંગ ઉડાડતા થયા.કેસુડાના ફૂલો ભુખી નદીએ વીણવા જતા અને એને આખીરાત પાણી ભરેલી ડોલમાં રાખવા પડતા ત્યારે કલર પાકો આવતો.અને એ કલરને એક ડોલમાં ભરીને સાથે જ રાખતા અને ઇન્જેક્શન જેવી પિચકારી જેને પાછળથી ખેચીને રંગ ભરતા અને ઉડાડતા…મજા આવતી. પછી તો ગુલાલ અને એવા કોરા કલરોથી પણ હોળી રમતા. ગામનું કિશોર મંડળ ત્યારે સક્રિય હતું અને કિશોર મંડળ દ્વારા જ ધુળેટીની ઉજવણી કરવામાં આવતી. આખા ગામમાં કેશિયો અને ઢોલ વગાડતા નીકળતાં ,,,બધાને એક એક કરીને ઘરમાંથી બહાર કાઢતા અને રંગતા,,,કેટલાક તો હજુ પથારીમાં જ ઉન્ગતા હોય અને રંગાઈ જતા. એ પણ એક જમાનો હતો..હવે વીતી ગયેલા દિવસો પાછા લાવવા શક્ય તો નથી પણ એને યાદ કરીને ફરીથી જીવી શકાય.

-ચંદ્રકાંત માનાણી

મેળાની યાદો

વિથોણથી ૫ કિમી દૂર મોટા યક્ષમાં દર વર્ષે મેળો ભરાય છે આ વર્ષે તે ૨૨/૨૩/૨૪-૦૯-૨૦૧૩ ના ભરાવાનો છે. આ મેળો કચ્છના તરણેતરના મેળા તરીકે પણ ઓળખાય છે. આ મેળામાં વિથોણ પાટીદાર નવયુવક મંડળ દ્વારા આઈસ્ક્રીમનો સ્ટોલ બનાવવામાં આવે છે. જેમાં ગામનાં જ યુવાનો સેવા આપે છે અને આખા મેળામાં વિથોણનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.બાળપણથી કરીને આજસુધી અસંખ્ય યાદગાર પળો આ મેળા સાથે સંકળાયેલી છે. આજે મારે વાત મારા મિત્ર રાકેશની લવસ્ટોરીના એક ભાગની કરવી છે જેનો હું સાક્ષી રહ્યો છું…હવે પછીની વાત મારા મિત્રના શબ્દોમાં વાંચો….

મેળાનો પહેલો જ દિવસ હતો,, સ્ટોલ પર આઠ વાગ્યે અમારી ડ્યુટી લાગી ગઈ હતી,,,પહેલું જ વર્ષ હતું કે મેં બિલ બનાવવા પેડ હાથમાં લીધું હતું,,,અને મારી મદદે મારા મિત્રો શોભિત અને ચંદ્રકાંત હતાં…મને આશા નહોતી કે આજે રશ્મિના મને દર્શન થશે,, પણ થોડી જ વારે મારી ધારણા ખોટી પડી,, રશ્મિ એના મમ્મી, પપ્પા અને ભાઈ સાથે સ્ટોલમાં આવી…ગરાકી સારી હતી પણ નશીબ જોગે મારા વિભાગમાં બેસવાની જગ્યા હતી…મારું હૃદય જોર-જોરથી ધડકતું હતું,,,એકવાર તો એવું થયું કે સામે જઈને બોલાવી આવું કે આવો અહી બેસવાની જગ્યા છે …પણ દિલને રોકી રાખ્યું ,,પણ નજરોને રોકી ન શક્યો,,એ રશ્મિ પરથી હટવા તૈયાર નહોતી…રશ્મિની નજર પણ જાણે મને શોધતી હતી,,,દિલમાં ત્યારે રાહત થઇ જયારે એની નજર મારા પર પડી,,,અને પછી રશ્મિ બધાને મારા વિભાગમાં દોરી આવી.રશ્મિને જયારે મેં પ્રથમ વાર જોઈ’તી ત્યારથી જ મને ગમી ગઈ હતી. જયારે મને ખબર પડી કે એની નજર પણ મને જ શોધ્યા કરે છે ત્યારે તો જાણે દિલમાં પ્રેમના અંકુર ફૂટી નીકળ્યાં,,,મેં એની સાથે હજુ ક્યારેય વાત નથી કરી અને સ્મિત પણ નથી આપ્યું….પણ અમારી નજરોએ કેટલીયે વાર ચાહીને અથડાઈ છે, લડખડાઈ છે,,,અને એકબીજાની સામે હસી હસીને વાતો કરી છે,,,જયારે એ ગમતો ચહેરો નજરે ન ચઢે ત્યારે નજર વ્યાકુળ થઇ જતી,,, આજે રશ્મિએ ગ્રીન કલરનો ડ્રેસ પહેર્યો હતો,,છૂટાં વાળ રાખ્યાં હતાં…હાથમાં મહેંદી રંગી હતી..આઈસ્ક્રીમનું મેનુ એના હાથમાં આપ્યું (પણ એને એના પપ્પાને આપી દીધું,,,આઈસ્ક્રીમ નક્કી કર્યા પછી મને ઓર્ડર આપવા કેમ સંબોધવો એ અવઢવ હશે કદાચ) હું દુર ઉભો રહીને એને જોતો હતો..જેટલો સમય એ મારી બાજુમાં હતી ખુબ મજા આવી. કામ પર ધ્યાન લાગતું ન્હોતું..રશ્મિ પણ ક્યારેક ક્યારેક મારી સામે જોઈ લેતી હતી…એને ચોકલેટ કોન મંગાવ્યું પોતાના માટે…ત્યારપછી મારો પણ એ જ ફ્લેવર ફેવરિટ થઇ ગયો..સ્ટોલની બરાબર સામે મહારાજાની પાઉભાજીનો સ્ટોલ લાગેલો હતો,,,ત્યાં મહારાજા ફિલ્મનું ટાઇટલ સોંગ વાગી રહ્યું હતું….

में तेरा दीवाना
तु मेरी दीवानी
बस यही हे महाराजा की कहानी
बातोमे महोबत धडकनमें रवानी
बस यही हे महाराजा की कहानी
में तो सीदा सादा में तो भोला भाला जगसे अंजाना
तुने देखा मुझे तुने चाहा मुझे तुने पहेचाना
जीना तेरे लीये मरना तेरे लीये मेरी दिल जाना
दिल देके जो मांगे चाहत की निशानी
बस यही हे महाराजा की कहानी
फुल बहारो में हे चांद सितारों में हे रूप हे दर्पण में
मोज में कलकल सिनेमे हलचल यार बसा मन में
आँखों में चाहत दर्द में राहत चेन हे बंधन में
में जोंका हवा का तु रूत हे सुहानी
बस यही हे महाराजा की कहानी
में तेरा दीवाना तु मेरी दीवानी
बस यही हे महाराजा की कहानी
बातोमे महोबत धडकनमें रवानी
बस यही हे महाराजा की कहानी
महाराजा महाराजा महाराजा महाराजा महाराजा महाराजा

એ સુખદ સમય જાણે ગીતની સાથે વણાઈ જશે ખબર નહોતી,,, જયારે જયારે એ ગીત વાગશે ત્યારે ત્યારે આ પળો યાદ આવશે ખબર નહોતી…. એ બસ અહી જ બેસી રહે એમ દિલ ચાહતું હતું,,,પણ એનો જવાનો સમય થઇ ગયો…એ જઈ રહી હતી ત્યારે મારી નજર એની એક નજર માટે તરસતી હતી ,,,મનને સંતોષ જ ન્હોતો થતો ,,, આ વિદાયની વેળાની છેલ્લી નજર માટે મન તડપી ઉઠ્યું’તું…દિલને હજુ પણ એક આશા હતી કે એકવાર તો એ પલટીને જોશે …અને હાશ એણે જોયું પણ ખરું…કંઈપણ વાત વગર….ઈકરાર વગર એ મારી જ છે એવો મને વિશ્વાસ બંધાઈ ગયો…અને તેથી જ એના હાથમાં મહેન્દીથી જે લવ ની વચ્ચે જે R કર્યો હતો એ જાણે મારો જ હોય એવું મને લાગવા માંડ્યું….આવું આવું વિચારીને હું આજે ખુબ ખુશ હતો…એણે જે ખુરશી પર બેસીને આઈસ્ક્રીમ ખાધી હતી તે ખુરશી પર હું કેટલીયે વાર બેસી રહ્યો હતો,,,એક સુખદ લાગણી અનુભવતો હતો એવું લાગતું હતું કે જાણે એ ખુરશીમાં અમે બંને એક થઇ ગયાં….

પોતપોતાના મનગમતાં ચહેરા શોધવા અમે લોકો(હું,શોભિત અને ચંદ્રકાંત) બીજે દિવસે બપોર પછી મેળામાં ગયા..અમે કોઈ પણ પ્લાન વગર આમ-તેમ ફરતાં રહ્યાં…અંધારું થવા આવ્યું હતું…અમે હજુ ચીચુડા વિભાગ તરફ ગયા ન્હોતા…કારણ કે મને અને ચંદ્રકાન્તને ચીચુડે બેસવામાં જરાય રસ ન્હોતો…પણ શોભિત માટે અમારે જવું પડ્યું….શોભિત જયારે ચીચુડે બેઠો હતો ત્યારે હું અને ચંદ્રકાંત નીચે ઉભા હતા,,,,અને અચાનક મને રશ્મિ દેખાઈ…એ ચીચુડે બેસવાની ટીકીટ લેવાની લાઈનમાં ઊભી હતી…તેને જોઈ હું અને ચંદ્રકાન્ત(માંડ માંડ મનાવી)ને એ જ લાઈનમાં ઊભા રહી ગયા..જયારે ચીચુડાથી નીચે ઊતરી આવ્યા ત્યારે મને ખુબ ચક્કર આવી રહ્યાં હતા…,,અને ઊલટી પણ થઇ…તમાશા જેવું થઇ ગયું,,,લોકો ભેગા થઇ ગયા’તાં..,,શોભિત મારા માટે પાણી લઇ આવ્યો ,,આ બધું રશ્મિએ પણ જોયું,,મને બહુ ખરાબ લાગ્યું,,,એકવખત તો એવું લાગ્યું કે જાણે કાલે જે દુનિયા મળી હતી એ આજે એકાએક છીનવાઈ ગઈ…કારણ કે જે ચીચુડામાં રશ્મિ એન્જોય કરી રહી હતી અને મને એમાં બેસવાનું ન્હોતું ફાવતું,,,હું જયારે એકરાર કરીશ મારા પ્રેમ નો ત્યારે એ ક્યાંક આ જ કારણે ‘ના’ ન્ પાડી દે,,,એ વિચારે દિલમાં ફાળ પડી,,પણ મેં ત્યારે એની આંખમાં દર્દ પણ જોયું હતું મારા માટે.. મિત્રો રાકેશની લવસ્ટોરી ત્યાર પછી અનેક રોમાંચક મોડ પરથી ગુજરી અને છેવટે મંઝીલે પહોંચી ગઈ,,,તેઓ બંને ખુબ ખુશ છે…બધા લોકો રાકેશ જેવા નસીબદાર નથી હોતા,,,ઘણાય એવા હશે જેની લવસ્ટોરી મેળામાં વિકસી હોય પણ મંઝીલે ન્ પહોંચી શકી હોય….

-ચંદ્રકાંત માનાણી

કોલેજનો યાદગાર કિસ્સો

કોલેજના બીજા વર્ષની શરૂઆત થઇ ગઈ હતી. પ્રથમ વર્ષ અને એના પછીનું વેકેશન કેમ નીકળી ગયું હતું ખબર જ નહોતી પડી.બીજા વર્ષના શરૂઆતમાં જ ખબર પડી ગઈ હતી કે કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડી.એ.પટેલ વિદાય લેવાના છે. ડી. એ. પટેલ ખુબ જ કડક મિજાજના અને અનુશાસન પ્રિય પ્રોફેસર હતા.(હજુ પણ હશે જ). તેમની કોલેજમાં ઉપસ્થિતિ માત્રથી વિદ્યાર્થીઓમાં એક ભય વ્યાપી રહેતો. ઘણાં વિદ્યાર્થીઓનું માનવું હતું કે ડી.એ.પટેલને કારણે કોલેજ કોલેજ નહિ અને સ્કૂલ બની ગઈ હતી…આથી એમની વિદાયની વાતથી તેના ચાહકોમાં શોકનો અને મોટા ભાગના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.રોજ-રોજ નવાનવા બનાવો બની રહ્યા હતા. એવા જ એક દિવસે કોલેજમાં રીશેષના સમયે દરમિયાન TOILETમાં ફટાકડાના બે બોમ્બ ફૂટ્યા.વિદ્યાર્થીઓમાં કુતૂહલ હતું કે કોણ હશે,અને ભય પણ વ્યાપી ગયો હતો. રીશેષ પૂરી થયા પછી ત્રીજું લેક્ચર ચાલુ થવાનું હતું. મારા ક્લાસમાં સેફીસર આવ્યા. એ આવ્યા અને ક્લાસમાં ખામોશી છવાઈ ગઈ. બધાને ડર હતો કે આ ધડાકા થયા એની સજા આરોપીને થશે પણ આરોપી મળે તો, અને ન મળે તો આખી કોલેજને પણ સજા થઇ શકે.. ..એવામાં સેફીસરે વાતની શરૂઆત કરતાં જણાવ્યું કે, હમણાં જે ધડાકા થયા એનો આરોપી કોણ છે એની જાણ થઇ ગઈ છે…અને એ આ
ક્લાસમાં જ છે,,,,અને એનું નામ છે……સેફીસરે થોડીવાર સસ્પેંસ ઉભું કર્યું…પછી કહ્યું ચંદ્રકાંત માનાણી કોણ છે…?મારા પેટમાં તો ફાળ પડી,,,અને ડરતાં ડરતાં ઊભો થયો …જેવો હું ઊભો થયો એવી જ આખા ક્લાસની નજર મારા પર કેન્દ્રિત થઇ,,અને શંકાની નજરે મને જોવા લાગી. અને સેફીસરે આગળ કહ્યું તો બોલો તમને શું સજા થવી જોઈએ…અને તરત કહ્યું તમને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવે છે, અઠવાડિયું ઘરે રહેજો અને ધડાકા કરતા રહેજો……હું તો અવાક જ થઇ ગયો હતો.શું બોલવું સુઝતું ન્હોતું. હું તો વિચારમાં પડી ગયો કે મારા પર આવો ખોટો આરોપ કોણે મુકાવ્યો અને આ અપમાનભરી સ્થિતિમાં શું કરવું.. સેફીસર ચાલાકીભરી નજરે મારા ચહેરાના હાવભાવ જોઈ રહ્યા હતા…પછી બોલ્યા ડરવાની કઈ જરૂર નથી, તમે કોઈ એવું કામ નથી કર્યું…અને અઠવાડિયા માટે સસ્પેન્ડ પણ નથી.તમે ગયા વર્ષે સારું કામ કર્યું છે ,,લાસ્ટ યાર તમને આ ક્લાસમાં સૌથી વધુ પરસેન્ટેજ હતા.અને હું તમને આ ક્લાસનો રીપ્રેસેન્ટેટીવ જાહેર કરવા આવ્યો છું…..

ઓહ,,,!! મારા મનમાં હાશકારો થયો અને મનમાં સન્માનની અનુભૂતિ થઇ. મારા માટે આખા ક્લાસે એક વખત તાળી પાડીને મને માન આપ્યું.ત્યારપછી મારા ક્લાસના વિદ્યાર્થીઓનો મારા પ્રત્યેનો નજરિયો બદલાયો હતો..

-ચંદ્રકાંત માનાણી