મારી લાગણીઓની સરવાણી

Archive for the ‘અપડેટ્સ’ Category

અપડેટ્સ ૨૨

 • ૧. ઝરણાં અનેસુરભિનું વાર્ષિક પરીક્ષાનું પરિણામ સારું આવ્યું. ઉનાળાની રજામાં ક્યાંય ફરવા ન ગયાં. વેકેશનમાં સાઈકલ અને બેડમિંટન શીખ્યાં. ઝરણાં હવે સાઈકલ ચલાવે છે પણ સુરભિ હજુ હવે શીખશે. સુરભિ બેડમિંટનનું રેકેટ પણ બરાબર ફેરવી શકતી નથી. આજે ઘણા દિવસો પછી બેડમિન્ટન રમવા ગયા હતા.
2017-07-16-20-21-09

સુરભિએ લીધેલી તસ્વીર..

 • ૨. હુબળી ખાતે વોલીબોલની ટુર્નામેંટનું આયોજન થયું હતું. પહેલી વખત દર્શક બનીને ટુર્નામેંટને માણી. મન માનતું નહોતું અને શરીર સાથ દેતું નહોતું એટલે હવે કાયમી દર્શક બની રહેવાનું સ્વીકારી લીધું છે. હા, રોજ સવારે કલાકેક વોલીબોલ રમવાનું તો ચાલુ જ છે.

 

 • ૩. કાલે એક અજાણ્યા જ ભાઈ વોલીબોલ રમવા આવેલા. બરાબર રમતે ન્હોતું આવડતું એટલે જ્યારે બોલ બગડે એટલે કોઈ ને કોઈ એના ગુરૂ બનીને શીખવવા લાગી જાય. અને જ્યારે એ જ ગુરૂ દ્વારા ભૂલ થાય તો ચૂપ થઈ જાય અથવા કોઈ બહાનું આગળ ધરી દે. એક બોધપાઠ અહીંથી મળ્યો, કે આ દુનિયામાં આપણે બધા જ ખેલાડીઓ છીએ કોઈ અનુભવી તો કોઈ સાવ નવો. ભૂલ બધાથી થાય છે, સલાહ આપવા કરતાં મૌન રહી પોતાની રમતમાં સુધાર કરવો.
 • ૪. થોડા દિવસ પહેલા બાપુજીનું સુગર લેવેલ ખૂબ ઓછું થઈને ચોવીસ થઈ ગયું હતું. હવે બરાબર છે પણ હોસ્પિટલનો અનુભવ ખરાબ રહ્યો. સારી અને સાચી હોસ્પિટલોય હશે પણ મોટાભાગે લૂટ ચાલી રહી છે.  દર્દી કે દર્દીના ઘરનાઓ જેટલાં વધુ ડરે એટલું મોટું બિલ બને.
 • ૫. છેલ્લી અપડેટસ્ પછી ઓથાર ભાગ 1-2, પીળા રૂમાલની ગાંઠ ભાગ 1-2-3, ફીયર ઈઝ ધ કી વાંચી અને ઘણા ફિલ્મો પણ જોયા. એક બેને બાદ કરતાં બધાના રિવ્યુ નથી લખી શકાયા.
  amir

  પીળા રૂમાલની ગાંઠ નોવેલ એ મારી હરકિશન મહેતાની બીજી નોવેલ રહી. આ નોવેલમાં વર્ણનો પ્રમાણેની તસ્વીરો પણ મુકવામાં આવી છે. ઉપરની તસ્વીર પણ એમાંની એક છે જે ભાગ-૩ માંથી લીધેલી છે.

 • ૬. મે મહિનામાં ચાર દિવસ દુબઈ ફરી આવ્યો. સારો અનુભવ રહ્યો,  એક આખી પોસ્ટ લખી રાખી છે દુબઈના અનુભવો જે પછી ક્યારેક પોસ્ટ કરીશ.

 

 • ચંદ્રકાંત માનાણી

અપડેટ્સ-17

૧. કાલે સાંજે બ્લોગની મુલાકાત લીધી ત્યારે બ્લોગે જાણ કરી કે ભાઈ, છેલ્લી પોસ્ટ કરીતી એને સાત મહિના થઇ ગયા. કઈક તો લખો. વચ્ચે વચ્ચે બે-ત્રણ વખત લખ્યું એ ફેસબુક પર પોસ્ટ કરી દીધું. અઠવાડિયે એક પોસ્ટ લખવાનું નક્કી તો કર્યું હતું , પણ જવા દો એ વાત. જીવનમાં ઘણું બધું બની ગયું સાત મહિનામાં. ગયા વર્ષે ડીસેમ્બરમાં વિથોણ ગયો હતો અને ખુબ મજા કરી હતી. સફેદ રણની મુલાકાત લીધી. સાગર.સીકે અને હિતેશને મળ્યો. ગુલાબી ઠંડી, વહેલી સવારનું તારાઓથી ભરેલું આકાશ, પરિચિત તડકો, ચણીયા બોર અને અડદિયા યાદ આવી રહ્યા છે.

 

૨. છેલ્લા સાત મહિનામાં કોઈ કવિતા નથી લખી. એક સ્ટોરી લખી છે જેના પર થોડું હજુ લખવાનું બાકી છે એટલે પોસ્ટ કરી શક્યો નથી. કોઈ બૂક નથી વાંચી પણ ખુબ બધા ફિલ્મો જોયાં. બેફિક્રે, તુમબીન-૨, ડીયર જીન્દગી, વજહ તુમ હો, અય દિલ હે મુશ્કિલ, અકીરા, પિંક, કાબિલ, લાલરંગ, રુસ્તમ, parched, જુનુંનિયત, સુલતાન, દંગલ, તીન, સાલા ખડૂસ, ફેન, કપૂર એન્ડ સન્સ, દિલવાલે, ફિતૂર, વઝીર, શાનદાર, તલવાર, મસાણ, હેપ્પી ભાગ જાયેગી, ફુકરેય, NH10, એમ એસ ધોની, કાલ કેજી પ્રીતિ(કન્નડા)(પા કિલો પ્રેમ), ચોઉક(કન્નડા)…

 

૩. ફેસબુક થોડા દિવસથી બહુ પરેશાન કરતું હતું, તો એક મહિના માટે ડીએક્ટીવેટ કર્યું હતું. કોઈને કશો ફેર પડ્યો નહોતો અને કોઈએ મને એફ્બી પર નથી દેખાતા એવું કહ્યું નહોતું. કોઈને કશો ફેર ન પડ્યો અને મારામાં પણ કોઈ શાણપણ ન આવ્યું એફ્બી બંધ રાખીને. છતાં ભવિષ્યમાં પણ એવા નિર્ણય લેવાશે.

 

૪. એક નાનોસો બનાવ બનેલો થોડા દિવસ પહેલા..અમે બે મિત્રો વાત કરી રહ્યા હતા. એવામાં એક ભાઈ આવ્યા જે મારી સાથે વાત કરતા હતા એના ખાસ મિત્ર. એ ભાઈએ એના મિત્રને મારી ઓળખાણ કરાવી અને મેં રામરામ કરવા હાથ લંબાવ્યો તો એ ભાઈ કહે સોરી હું હમણાં જમવા જઈ રહ્યો છું એમ કહીને રામરામ ન કર્યા બોલો…! એકપળ માટે મારી સ્થિતિ અપમાનજનક થઇ ગઈ. બીજી જ ક્ષણે અપમાનિત થયાનો ભાવ મનમાંથી ચાલ્યો ગયો. મને જરાય ખરાબ નહોતું લાગ્યું. બસ મને એવું જ થવું છે, કોઈ પણ સ્થિતિમાં સહજ, સ્થિર, સ્વસ્થ..ના દુ:ખી ના સુખી, ના માન ના અપમાન, બિલકુલ મધ્યમાં..

 

૫. ઝરણાં અને સુરભિની વાર્ષિક પરીક્ષા પૂર્ણ થઇ ગઈ છે અને હમણાં એ વેકેશનની મજા લઇ રહી છે. આઠ એપ્રિલના રીઝલ્ટ મળવાનું છે.

 

૬. દંગલ, સુલતાન અને સાલા ખડૂસ ફિલ્મ સ્પોર્ટ્સને લગતી છે. ત્રણેય ફિલ્મ ખૂબ ગમી. કઈ ફિલ્મ સૌથી વધુ ગમે છે કહી શકાતું નથી. મેં ત્રણેય ફિલ્મમાં એક વાત કોમન નોટ કરી. સપનાઓનો ભંગાર…દંગલમાં એક બાપનું સપનું, સુલતાનમાં એક કોચ(રણદીપ હુડાનું સપનું) અને સાલા ખડૂસમાં પણ કોચ(રાઘવન)નું સપનું. સુલતાનના ગીતો સારાં છે.

 

૭. એમ એસ ધોની બાયોપિક છે. ફિલ્મમાં એક ગીત છે જે મને ખુબ ગમે છે.

તું આતા હે સીનેમેં જબ જબ સાંનસે લેતી હું

તેરે દિલકી ગલીયો સે મેં હરરોઝ ગુઝરતી હું

હવાકે જૈસે ચલતા હે તું

મેં રેત જૈસે ઉડતી હું

કૌન તુજે યું પ્યાર કરેગા જૈસે

જૈસે મેં કરતી હું…

 

કેટલાક ગીતો એવા હોય છે જેને સાંભળતા એવું લાગે જાણે આ મારી જ લાગણીઓ છે, આ ગીત મેં જ લખ્યું છે અને એ ગીત આપણા જીવનમાં ભળી જાય છે. આવા જ બીજા બે ગીત જે મારા પસંદીદા છે, એક તો સુન સાયબા સુન અને બીજું સાત સમુંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ..

 

૮. સવારની મોર્નિંગ વોલ્ક હવે વોલીબોલ ગેમમાં તબદીલ થઇ ગઈ છે. છ-સાત મહિનાથી નિયમિત વોલીબોલની મજા મળી રહી છે.ગઈકાલે યુગાદી તહેવારની રજા હતી. હું સાંજે તળાવ કિનારે વોલ્કીંગ કરવા ગયો હતો. ત્યાં સવારમાં સાથે રમીએ છીએ તે દોસ્તો પણ મળ્યા. આટલા દિવસોમાં ન મેં એમને પૂછ્યું હતું કે ના તો એમને મને પૂછ્યું હતું કે તમે શું કરો છો ક્યાં રહો છો, પણ કાલે બરાબર ઓળખાણ થઈ અને પછી અમે જ્યુસ પીવા ગયા હતા.

 

૯. હમણાં અશ્વિની ભટ્ટ દાદાની “ઓથાર” નોવેલ વાંચી રહ્યો છું. આજ સુધી પહેલા ભાગના ૧૨૦ પેજ વાંચ્યા છે.

 

 • ચંદ્રકાંત માનાણી

અપડેટ્સ-16

૧. ઝરણાં અને સુરભિની મિડ ટર્મ એક્ઝામ ચાલી રહી છે. બે ત્રણ દિવસ પછી દશેરા વેકેશન પડવાનું છે અને વેકેશનમાં શું શું કરશું એની ચર્ચાઓ પણ ચાલુ છે. મોબાઈલમાં સબ વે સર્ફ એક જ ગમતી ગેમ છે તો સૌ પ્રથમ ટેમ્પલ રન અપાવવાની તીવ્ર માંગ છે.

૨. નવરાત્રી નજીક આવી રહી છે. મજ્જા આવશે.

૩. એક સેકેન્ડ હેન્ડ કાર લીધી. કારની શોધ ક્વિકર દોટ કોમ પરથી થઈ.

૪. એક નવો ક્રમ ચાલુ કર્યો છે…રોજ રાત્રે સુવાથી પહેલા ઝરણાં અને સુરભિને નાની બોધ કથા કહેવાનો. જોઈએ કેટલા દિવસ આ ક્રમ ચાલે છે. વાર્તા સંભળાવી બાળકોને પ્રિય હોય છે હું અમસ્તું કહી દઉં આજે વાર્તા કહીશ તો સુવા સમયે અચૂક યાદ અપાવે…પપ્પા વાર્તા કરો…

૫. અંગાર બૂક વાંચ્યા પછી હવે ગીતા વાંચવાનું શરુ કર્યું છે.

અપડેટ્સ-14

૧. કેટલાય દિવસો થયા નથી લખાતું. આની પાછળ એક જ રીઝન છે….આળસ.

૨.થોડા દિવસોમાં જીવનમાં ઘણાં ફેરફારો થયાં. ભાડાનું ઘર હતું બદલાવ્યું અને બીજું
ભાડાનું ઘર શોધ્યું અને શિફ્ટ થયાં. મને કોઈ પૂછે કે ઘર પોતાના છે તો તરત પેલું ભજન
યાદ આવે,”જીવ શાને રહે છે ગુમાનમાં તારે રહેવું ભાડાનાં મકાનમાં”…જુનાં ઘરની બાજુમાં
શ્રી રામનું મંદિર હતું અને પાર્ક પણ હતો જ્યાં હું અક્સર મોર્નિંગ વોલ્ક માટે જતો,
એને મિસ કરું છું.

૩. નવા ઘરની બાજુમાં હમીરસર તળાવ જેવડું તળાવ છે જે મારું મોર્નિંગ વોલ્કમાં સાથ આપે છે.

૪.ઝરણાંની એક્ઝામ પૂરી થઈ અને તે તેના ક્લાસમાં પ્રથમ આવી છે. ઝરણાં, સુરભિ અને તેની મમ્મી
મામાના ઘરે ગયાં છે અને હું તેમને ખુબ મિસ કરું છું.

૫.આઈપીએલની સીઝન પુર જોશમાં ચાલી રહી છે. પંજાબની ટીમને પસંદ કરી હતી એ તો પાણીમાં બેસી ગઈ છે.

૬.ગઈકાલે ૩૨ વર્ષ પુરા થયાં જીવનનાં.

૭.મે મહિનો એ ઉત્સવનો મહિનો છે. મારો જન્મદિવસ નવમી મે, વેડિંગ એનીવર્સરી ઓગણીસમી મે,
શીલાનો જન્મદિવસ ત્રીસમી મે, આખું વર્ષ આ મહિનાની રાહમાં જ વીતે છે.

૮. આજે “પિકુ” ફિલ્મ જોવાની ઈચ્છા છે.

-ચંદ્રકાંત માનાણી

અપડેટ્સ-13

૧. ૧૮ ડિસેમ્બરે ઝરણાં સાત વર્ષની થઈ અને સાથે સાથે હું પણ સાત વર્ષનો પપ્પા થયો. મેં ઝરણાંને પૂછ્યું તને બર્થડે ગિફ્ટ શું જોઈશે? એણે પાંચ મીનીટમાં પાંચ પસંદગી બદલાવી. છેલ્લે કહ્યું મને બેબી ડોલ જોઈએ છે પણ એ તો ચારસો રૂપિયાની છે, હું લઈશ તો સુરભિ પણ ઝગડો કરશે એટલે તમને આઠસો રૂપિયા ખર્ચ થશે. રહેવા દ્યો…છેલ્લે એવી સમજુતી થઈ કે હું બેબી ડોલ સુરભિને રમવા આપીશ, અને એક જ બેબી ડોલ લઇ દ્યો.

૨. સવારે નાસ્તો કરતાં કરતાં હું, સુરભિ અને ઝરણાં ટીવી પર કાર્ટૂન જોઈએ. આજે એક ચેનલ પર કાર્ટૂન રામાયણ અને બીજામાં બાળ ગણેશ આવતું હતું તો સુરભિએ બાળ ગણેશ જોવાનું નક્કી કર્યું. એમાં શંકર ભગવાન ગણેશનું મસ્તક ઉડાડી દે છે એ સિન ચાલુ હતું. પછી ભગવાન શંકરના સેવકો હાથીના બચ્ચાનું મસ્તક લઇ આવીને ગણેશને જીવિત કરે છે. ત્યારે અમસ્તો જ મારાં મનમાં ખયાલ આવી ગયો કે ગણેશને જીવન આપવા હાથીના બચ્ચાનો જીવ લીધો, કેવો અન્યાય…? જયારે હાથીના બચ્ચાનું મસ્તક લાવવામાં આવ્યું ત્યારે બચ્ચાની મમ્મી પણ સાથે હતી તો એની હાલત શી થઈ હશે..?

૩. ચાર દિવસ પહેલા ઝરણાં એ કહ્યું કે પપ્પા, ચાલો આપણે quiker.com પર ફોટો અપલોડ કરીએ તો લોકો આપણને રૂપિયા દેવા દોડતાં દોડતાં આવશે. સંભાળીને હસવું આવ્યું એની અજ્ઞાનતા પર પણ વિચાર પણ જબક્યો કે બાળમાનસ પર જાહેરાતોની કેટલી અસર થાય છે….? ઝરણાંને quiker.com  અને snapdeal.com સાઈટોનાં નામ ખબર છે. પછી એ સાઈટો કેવી રીતે કામ કરે છે સમજાવતાં અડધો કલાક લાગ્યો.

૪. તાજેતરમાં પીકે ફિલ્મ જોયું. ગમ્યું.

૫. કાલે રાષ્ટ્રીય હિન્દી કવિ સંમેલન છે, આમંત્રણ મળ્યું છે, જવાની ઉત્કંઠા છે.

૬.ગયાં અઠવાડિયે અહી(બેંગલોરમાં) ખુબ ઠંડી હતી. ધાબળો ઓઢીને સુવું પડે એટલી. તો સુરભિ, સુવા સમયે, ઓઢ્યું હોય તેની નીચે નીચે ચાલી જાય છેક મારાં પગ સુધી અને કહે પપ્પા, હું ઉપર નહી આવું મને આમ જ સુવું છે મને મજા આવે છે. અને સુવાથી પહેલા જયારે બેઠા હોઈએ ત્યારે સુરભિ ઓઢવાનું પૂરું કવર કરીને નીચે અમે છુપાઈ જઈએ. પછી અંદર બેસીને અમે વાતો કરીએ. એકવખત સુરભિ કહે, પપ્પા આપણે અજગર બની ગયાં છીએ. હવે જયારે એમ ધાબળા નીચે છુપાઈ જવું હોય ત્યારે કહે છે ચાલો પપ્પા આપણે અજગર બનીએ. હું પણ જયારે નાનો સુરભિ જેવડો હતો ત્યારે આવું જ કરતો. એના બાળપણના દિવસોમાં જાણે હું મારાં બાળપણના દિવસો જીવું છું.

-ચંદ્રકાંત માનાણી

અપડેટ્સ-12

૧. હું સાંજે જયારે ઘરે પહોંચું ત્યારે મારી સાડા ત્રણ વર્ષની દીકરી સુરભિ, હડીહડ(હરિહર) પપ્પા કહેતીને મને મળવા આવે. અને દિવસ દરમિયાન જે કઈ બન્યું હોય તેનો રીપોર્ટ આપવા માંડે,, આજે મને મમ્મીએ માર્યું, દીદી મને કલર પેન્સિલ નથી આપતી વગેરે….લગભગ ફરિયાદ જ હોય. ક્યારેક વળી કહે, હું પડી ગઈ’તી ને, તે મને પગમાં લાગીગ્યું,,,ફૂક દૈદ્યો … પણ કાલે સાંજે કઈક નવું જ બન્યું. દોડતી આવી હરિહર કહીને મને કહેવા લાગી કે પપ્પા, મને ચપટી વગાડતા આવડી ગઈ. જુઓ કહીને પછી ચપટી વગાડીને બતાવવા લાગી..એની કાલીગેલી મીઠી ભાષા સાંભળતા જ રહેએ એમ લાગ્યા કરે…

૨. હું મારી બાઈક પર સિગ્નલ પર ઉભો હતો. સિગ્નલ ખુલવાને હજુ થોડી વાર હતી. ત્યાં અચાનક એક ચાલીસેક વરસની અજાણી સ્ત્રી આવી અને કહેવા લાગી કે મને લીફ્ટ આપો, મેં હસીને ના કહી….તો બીજા બાઈક વાળાને પૂછવા લાગી. મને મનમાં થયું ચાલને એને લીફ્ટ આપી દઉં પણ શહેરમાં બનતા છેતરપિંડીના બનાવો છાશવારે બનતા રહેતા, તેથી મનમાં ડર હતો. હું જોઈ રહ્યો હતો એ સ્ત્રી પ્રમાણમાં સારા ઘરની લાગતી હતી, નવી જ સાડી પહેરી હતી, હાથમાં માંડ ઊંચકાય એવી ભારે થેલી હતી…બસો પણ ઉભી હતી પણ એ એક પછી એક બધા પુરુષોને લીફ્ટ માટે પૂછી રહી હતી…. મને એના ઉપર દયા આવી અને વિચારવા લાગ્યો કે એની શી મજબુરી હશે જે એણે બધા પાસે લીફ્ટ માંગવી પડે છે, યા તો એની પાસે પૈસા નહી હોય યા તો એની દાનત ખરાબ હશે…

૩. મારાં ગમતા લેખક વિઠલ પંડ્યાની “જંતર-મંતર” નોવેલ વાંચી. એનામાં મંજરીનિ એકલવાયી જીવનની કથા છે. બીજી પ્રો.પ્રિયકાંત પરીખની “એક ફુલ ગુલાબી સાંજે” નોવેલ વાંચી. એનામાં પ્રવાલના જીવનની કથા છે. ત્રીજી જીતેશ દોંગા લિખિત “વિશ્વ-માનવ” વાંચી. એ પણ સારી નોવેલ છે. અને હવે સિદ્ધાર્થ છાયા લિખિત “શાન્તનું” વાંચવાનો છે.

૪. છેલ્લાં પંદર વીસ દરમિયાન મેં ત્રણ ગઝલો લખી છે.

૫.કાલથી ફોનમાં વોટ્સએપ ડીલીટ કર્યું છે, થોડા સમય માટે.

-ચંદ્રકાંત માનાણી

અપડેટ્સ-11

૧. જીવનમાં પહેલીવાર ફૂટબોલ મેચ રમ્યો.

૨. મને કાર ચલાવવાનો શોખ છે, જીવનમાં પહેલીવાર ૩૦૦ કિમી સળંગ કાર ચલાવી.

૩. ટેબલ નં.૨૧ ફિલ્મ જોયું. પહેલા તો મજા ના આવી. અડધે જ છોડી દીધું. ફરી ચાર દિવસ પછી પૂરું જોયું ત્યારે જ ખબર પડી કે ખુબ સરસ ફિલ્મ છે.

૪. આજે સાંકી લેક જવાનું થયું. ત્યાં મેં એક વીસ બાવીસ વર્ષની ખુબસુરત કન્યાને, સાંકી લેકની કાંઠે બેઠેલી, હાથમાં સ્માર્ટ ફોન ગુમાવતાં, રડતી જોઈ. તે શા કારણે રડતી હતી એનું  કારણ તો ખબર નથી. ભલે એ બાળક હોય, સ્ત્રી હોય કે પુરુષ, કોઈને રડતા જોઉં તો હૃદય દ્રવી ઉઠે મારું. છોકરીને રડતી જોઈ તેને સાંત્વના પણ ન આપી શકાય. એટલે હું પણ ઘણાંય લોકોની સાથે તેને જોઈ ન જોઈ કરીને આગળ નીકળી ગયો. કોઈ જુવાન છોકરીના આંસુ પાછળ કોણ હોઈ શકે, કોઈ બેવફા બદમાશ જ હોવો જોઈએ.

-ચંદ્રકાંત માનાણી