મારી લાગણીઓની સરવાણી

Archive for the ‘ગમતી ગઝલો’ Category

અપડેટ્સ ૨૨

 • ૧. ઝરણાં અનેસુરભિનું વાર્ષિક પરીક્ષાનું પરિણામ સારું આવ્યું. ઉનાળાની રજામાં ક્યાંય ફરવા ન ગયાં. વેકેશનમાં સાઈકલ અને બેડમિંટન શીખ્યાં. ઝરણાં હવે સાઈકલ ચલાવે છે પણ સુરભિ હજુ હવે શીખશે. સુરભિ બેડમિંટનનું રેકેટ પણ બરાબર ફેરવી શકતી નથી. આજે ઘણા દિવસો પછી બેડમિન્ટન રમવા ગયા હતા.
2017-07-16-20-21-09

સુરભિએ લીધેલી તસ્વીર..

 • ૨. હુબળી ખાતે વોલીબોલની ટુર્નામેંટનું આયોજન થયું હતું. પહેલી વખત દર્શક બનીને ટુર્નામેંટને માણી. મન માનતું નહોતું અને શરીર સાથ દેતું નહોતું એટલે હવે કાયમી દર્શક બની રહેવાનું સ્વીકારી લીધું છે. હા, રોજ સવારે કલાકેક વોલીબોલ રમવાનું તો ચાલુ જ છે.

 

 • ૩. કાલે એક અજાણ્યા જ ભાઈ વોલીબોલ રમવા આવેલા. બરાબર રમતે ન્હોતું આવડતું એટલે જ્યારે બોલ બગડે એટલે કોઈ ને કોઈ એના ગુરૂ બનીને શીખવવા લાગી જાય. અને જ્યારે એ જ ગુરૂ દ્વારા ભૂલ થાય તો ચૂપ થઈ જાય અથવા કોઈ બહાનું આગળ ધરી દે. એક બોધપાઠ અહીંથી મળ્યો, કે આ દુનિયામાં આપણે બધા જ ખેલાડીઓ છીએ કોઈ અનુભવી તો કોઈ સાવ નવો. ભૂલ બધાથી થાય છે, સલાહ આપવા કરતાં મૌન રહી પોતાની રમતમાં સુધાર કરવો.
 • ૪. થોડા દિવસ પહેલા બાપુજીનું સુગર લેવેલ ખૂબ ઓછું થઈને ચોવીસ થઈ ગયું હતું. હવે બરાબર છે પણ હોસ્પિટલનો અનુભવ ખરાબ રહ્યો. સારી અને સાચી હોસ્પિટલોય હશે પણ મોટાભાગે લૂટ ચાલી રહી છે.  દર્દી કે દર્દીના ઘરનાઓ જેટલાં વધુ ડરે એટલું મોટું બિલ બને.
 • ૫. છેલ્લી અપડેટસ્ પછી ઓથાર ભાગ 1-2, પીળા રૂમાલની ગાંઠ ભાગ 1-2-3, ફીયર ઈઝ ધ કી વાંચી અને ઘણા ફિલ્મો પણ જોયા. એક બેને બાદ કરતાં બધાના રિવ્યુ નથી લખી શકાયા.
  amir

  પીળા રૂમાલની ગાંઠ નોવેલ એ મારી હરકિશન મહેતાની બીજી નોવેલ રહી. આ નોવેલમાં વર્ણનો પ્રમાણેની તસ્વીરો પણ મુકવામાં આવી છે. ઉપરની તસ્વીર પણ એમાંની એક છે જે ભાગ-૩ માંથી લીધેલી છે.

 • ૬. મે મહિનામાં ચાર દિવસ દુબઈ ફરી આવ્યો. સારો અનુભવ રહ્યો,  એક આખી પોસ્ટ લખી રાખી છે દુબઈના અનુભવો જે પછી ક્યારેક પોસ્ટ કરીશ.

 

 • ચંદ્રકાંત માનાણી

એક ટકલાની વાર્તા-કન્નડા ફિલ્મ “વંદુ મોટ્ટેય કથે”

વંદુ મોટ્ટેય કથે…

ટાઈટલનો અર્થ છે એક ટકલાની કથા..

કથાના હીરાનું નામ છે જનાર્દન, ૨૮ વર્ષ અને કન્નડાનો લેકચરરનું પ્રોફેસન. જનાર્દન રાજકુમાર(કન્નડાનો સુપર સ્ટાર)નો મોટો ફેન છે. જયારે જયારે જનાર્દનનો મૂડ ચેન્જ થાય છે એના મૂડ પ્રમાણે રાજકુમારનું ગીત બેક ગ્રાઉન્ડમાં વાગે છે જેની ખુબ સારી અસર પડે છે. પાતળા બાંધાનો, જાડી મૂછો અને પાતળી દાઢીવાળો, ચસ્મીશ, આભો બનીને કોઈને જોઈ રહે અને હોઠ ખુલા રહી જાય તો ઉપરના ચાર અને નીચેના ચાર દાંત દેખાય અને હસે તો આખી બત્રીસી દર્શન આપે, ટકલો, આત્મવિશ્વાસના અભાવવાળા જનાર્દનની વાત છે ફિલ્મમાં. ફિલ્મનું કાલે જ પોસ્ટર જોયું, નવા ટાઈપનું ટાઈટલ ગમ્યું અને ફિલ્મ જોવા હું ગયો. વર્ષો પહેલા બ્લેકમાં જોગી ફિલ્મની ટીકેટ લીધેલી અને આજે આ ફિલ્મની લીધી. જનાર્દનના ઘરનાંને જનાર્દનના લગ્નની ચિન્તા છે. અઠયાવીસનો થયો પણ ક્યાય મેળ પડતો નથી. કેટલીય છોકારીયોને જોઈ પણ બધા આ ટકલો છે કહીને રીજેક્ટ કરી દે છે. આ કથા જ ટકલા લોકોની તકલીફોને વાચા આપે છે. એક છોકરીને જોવા જનાર્દન એના મમ્મી-પપ્પા અને નાના ભાઈ સાથે જાય છે પણ છોકરી જનાર્દનને અંકલ સમજે છે અને નાના ભાઈને મુરતિયો સમજે છે. જનાર્દનને ખુબ ખરાબ લાગે છે.

 

જનાર્દન ક્લાસમાં કન્નડા ભણાવતો હોય છે. એ જેવો બોર્ડમાં કઈક લખે છે કે એક છોકરો “મોટ્ટે”(ટકલુ) કહીને ચીડવે છે અને જનાર્દનને પોતાનું અપમાન થયું લાગે છે, છોકરાંને પકડીને પ્રિન્સીપાલ પાસે લઇ જાય છે ત્યાં પ્રિન્સીપાલ છોકરાંને કહે છે કે તારા પપ્પા જેટલી ઉંમરનાં વ્યક્તિને “મોટ્ટે”(ટકલુ) કહીને ચીડવે છે શરમ નથી આવતી, જનાર્દન તો રડવા જેવો થઇ જાય છે…ફિલ્મમાં કોમેડી જ છે. જનાર્દન એની જ કોલેજની અર્થશાસ્ત્રની લેકચરરની પાછળ પડે છે. કોલેજમાં એક પ્યુન હોય છે શ્રીનિવાસ, એ જનાર્દનનો લવગુરુ થાય છે, જનાર્દનને હેલ્પ કરે છે.

with srinivas

લવગુરુ શ્રીનિવાસ સાથે..

એક દિવસ ઓફિસમાં જનાર્દન, શ્રીનિવાસ અને પેલી લેકચરર ત્રણ જ હોય છે અને શ્રીનિવાસ પૂછે છે મેડમ તમને કેવો જીવનસાથી ગમે, તો એ કહે છે કે એ ખુબસુરત ન હોય તોય ચાલે પણ દિલથી ખુબસુરત હોવો જોઈએ અને એને જનાર્દન પોતાના માટે ગ્રીન સિગ્નલ સમજે છે. જેવો એ પ્રપોઝ કરવા જાય છે કે બાહરથી લેકચરરની ફ્રેન્ડ દોડતી આવે છે અને કહે છે કે ઇન્ગ્લીશનો નવો લેકચરર આવી રહ્યો છે એકદમ હેન્ડસમ છે અને કુંવારો પણ..આત્મવિશ્વાસની ઓછપવાળો જનાર્દન આ સંભાળીને પ્રપોઝ નથી કરી શકતો…પેલી લેકચરર જે દિલની ખુબસુરતીની ડંફાસ મારતી હતી એ ઈંગ્લીશના લેકચરરને જોઇને હવા થઇ જાય છે, ડાયરેક્ટરે સારી રીતે દર્શાવ્યું છે.

econom

જનાર્દન, અર્થશાસ્ત્રની લેકચરર સાથે..

 

જનાર્દનને એટલું ખરાબ લાગે છે કે એ સન્યાસ લેવાનું નક્કી કરી લે છે. એની પાતળી દાઢી લાંબી કરવા લાગે છે. એના લવગુરુ પ્યુન ને કહી દે છે કે આ સંસાર મોહમાયા છે. અને અચાનક એક પરી જેવી છોકરીની એન્ટ્રી થાય છે જનાર્દનના જીવનમાં. રોજ કોલેજ છૂટ્યા સમયે કોલેજની બહાર જનાર્દનની રાહ જોતી ઉભી હોય છે. જનાર્દન સામું જોયા કરે છે, બીજે દિવસે સ્માઈલ આપે છે, ત્રીજે દિવસે સ્માઈલ આપીને હાથ ઊંચો કરે છે પણ જનાર્દનને વિશ્વાસ નથી આવતો કે આ ખુબસુરત છોકરી મારી સાથે જ વાત કરવા માંગે છે. જનાર્દનનેય અંદરથી તો વાત કરવી જ હોય છે પણ સન્યાસની વાત આડે આવે છે. પાંચમે દિવસે જેવો જનાર્દન કોલેજથી નીકળે છે છોકરી જનાર્દનની સામે આવે છે. જનાર્દન ઝડપથી રીક્ષામાં બેસે છે અને છોકરી પણ રીક્ષામાં બેસી જાય છે,…થોડા દિવસ છોકરી જનાર્દનને સપનાં જોવા મજબુર કરે છે..અને એક દિવસ અચાનક જનાર્દનને સરપ્રાઈઝ આપે છે. સાંજે છુટા પડતી વેળાએ છોકરી કહે છે કે કાલે સાંજે પાંચ વાગે મને મલજો પર્સનલ વાત કરવી છે. બીજા દિવસે જયારે જનાર્દન છોકરીને મળવા જાય છે તો ત્યાં બીજાય આઠ-દસ ટકલાઓ બેઠેલા હોય છે. અને છોકરી જાહેરાત કરે છે કે પોતે હીર ટ્રીટમેન્ટનું કામ કરે છે અને બધાના વાળ ફરીથી લાવી આપશે ફક્ત દોઢ લાખ રૂપિયામાં….જનાર્દનનું દિલ ફરીથી તૂટે છે…

hairdoctor

કોલેજની બહાર ઉભી રહીને જનાર્દનને જોઈ રહેતી છોકરી..

જનાર્દનનું એક જ સપનું છે, કોઈને પત્ની બનાવવાનું અને ખુબ પ્રેમ કરવાનો, પણ ક્યાંય મેળ પડતો નથી. જનાર્દનને સ્કુલની ફ્રેન્ડ યાદ આવે છે અને એનું નામ સરલા છે અને એ ફેસબુક ફ્રેન્ડ પણ હોય છે. ચેટીંગ કરે છે અને મળે છે સરલાને…સરલા પહેલા હતી એનાથી બહુ જાડી થઇ ગઈ હોય છે અને જનાર્દનને પસંદ નથી આવતી. સરલાનું પણ જનાર્દન જેવું જ જીવન હોય છે. જાડી હોવાને કારણે બધા જ છોકરા રીજેક્ટ કરે છે સરલાને… સરલાને જનાર્દનથી પ્રેમ થઇ જાય છે, પરણવા તૈયાર થઇ જાય છે…બંનેની ફેમીલી તૈયાર છે પણ હવે જનાર્દન રેડી નથી. તેનું મન નથી માનતું.. જનાર્દન પંડિતને ફોડીને લગ્ન માંડવાળનો પ્રયત્ન કરે છે. પંડિત સરલાને કહે છે કે જો તું આ લગ્ન કરીશ તો ચાર દિવસ પછી તું મૃત્યુ પામીશ છતાં સરલા કહે છે મને મંજુર છે. જનાર્દન માટી પગો નીકળે છે, સરલાનું અપમાન કરે છે અને થયેલી સગાઇ તોડી નાખે છે..ફરી પાછો પ્યુન શ્રીનિવાસ લવગુરુ બનીને આવે છે. શ્રીનીવાસની હેલ્પથી કથાનો સુખદ અંત આવે છે.

sarala

સરલા સાથેની પહેલી મુલાકાત..

 

ફિલ્મ મને ખુબ ગમ્યું. કથાનો હીરો જ આ ફિલ્મનો ડાયરેક્ટર છે. ફિલ્મમાં નાની-નાની બાબતોનું બખૂબી ધ્યાન રાખવામાં આવ્યું છે. ઓછા બજેટમાં, કોઈ પણ મોટા માથા વગર સારી કથાને લોકોનો સારો રિસ્પોન્સ મળે જ છે. હજી હું ઘણી બધી બાબતો બરાબર વર્ણન નથી કરી શક્યો. ફિલ્મમાં ટકલાની વેદના, એની લાગણીઓને કોમેડી સાથે પ્રસ્તુત કરી છે અને એ પણ કોઈ પણ દ્વિઅર્થી ભાષાનો પ્રયોગ વગર.

ondumotteyakathe

ફિલ્મનું પોસ્ટર..

એક વસ્તુ એની પાસેથી માંગી દે,

એક વસ્તુ એની પાસેથી માંગી દે,
મારી યાદ એના દિલમાંથી કાઢી દે.

કાલે દોસ્તના લગનમાં જવું છે,
માં, કપડાંની એક જોડ લાવી દે.

એક ઈચ્છા રોજ જન્મી ને મરે છે,
કોઈ પેપરમાં આ ખબર છાપી દે.

જ્યાં સુધી સારી છે ત્યાં સુધી રાખ,
જેવી દાનત બગડે કચરામા નાખી દે.

અગર તે કોઈ બીજાને આપી દીધાં,
એ વચનો મારાં મને પાછા લાવી દે.

-ચંદ્રકાંત માનાણી

 

મૌન

જ્યારે કાંઈ સમજણ ન પડતી હોય, પરિસ્થિતિ તરફેણમાં ન હોય, સંબંધ વણસી રહ્યા હોય ત્યારે મૌન ધારણ કરવું જ ઉત્તમ છે.

Book Review અંગાર ભાગ-૧,૨,૩

Book Review અંગાર ભાગ-૧,૨,૩.

વર્ષો પહેલા ગુજરાતીમાં એક સિરીયલ બન્યું હતું, કટિબંધ. એમાં જયારે મે અશ્વિની ભટ્ટનું નામ વાંચ્યું હતું ત્યારે મને એમ કે તેઓ એક લેખિકા છે. પણ હું ખોટો હતો. આ નોવેલ પણ એ જ લેખક શ્રી અશ્વિની ભટ્ટે લખી છે. અંગાર બુકનો રિવ્યુ નથી લખતો પણ થોડી જાણકારી આપું છું બૂક વિશે, પણ ભરોસો રાખો હું આ નવલકથા, લવસ્ટોરી, રહસ્યકથા કે રોમાંચકથા નું કોઈ રહસ્ય છતું કરવાનો નથી. જો તમે ભગવાન રજનીશને ચાહતા હો, જો તમે ઓશોને ધિક્કારતા હો તો તમારે આ કથા વાંચવી જોઈએ. કથામાં ઘણાં પાત્રો છે અને બધા પાત્રો યાદ રહી જાય એવું ચિત્રણ લેખકે કર્યું છે. આ કથા પ્રેમનાં એટલા તાંતણે ગુંથાયેલી કે એ તાંતણા રસ્સી બની જાય છે. સૌથી દમદાર પાત્ર છે શચી અને ઇશાન. કથામાં દરેક પુરુષ પાત્ર શચી તરફ આકર્ષાય છે અને દરેક સ્ત્રી પાત્ર ઇશાન તરફ આકર્ષાય છે. આ ઉપરાંત શિવાની, સરોજ અને મિત્રા ના પાત્રો પણ એટલા જ દમદાર છે અને પ્રેમની અલગ અલગ વ્યાખ્યા સમજાવે છે. શચી દિલીપને પ્રેમ કરે છે, આનંદને પ્રેમ કરે છે, ઇશાનને પ્રેમ કરે છે અને અવનીશને પ્રેમ કરે છે. ઇશાન શિવાની અને શચીને પ્રેમ કરે છે. શિવાની ઇશાન અને અવનીશને પ્રેમ કરે છે. સરોજ અવનીશ અને ઇશાનને પ્રેમ કરે છે. મિત્રા દેવરાજને પ્રેમ કરે છે. આ ઉપરાંત વિશ્વભારતી અને ઈલા, નાનજી અને સરોજ, મારી કોહલર અને આનંદ, બોબ અને ઈલા, અને હજી ઘણી પ્રેમની આંટી ઘુટી છે. સૌથી વધારે ચાહકો બેશક અવનિશના છે. જેમાં સરોજ, શચી, શિવાની, ઈલા, લેસ્લી સીગલ, સોફિયા,સીન્ડલર, અને ઘણીબધી સ્ત્રીઓ છે. કથાની શરૂઆત એક સ્વામી આનંદના મૃત્યુથી થાય છે. એ હત્યા છે કે આત્મહત્યા એક રહસ્ય હોય છે. સ્વામી આનંદ શરૂઆતમાં જ મૃત્યુ પામે છે પણ અંત સુધી કથામાં હાજર રહે છે. કથાનો પ્રથમ ભાગ લવસ્ટોરી બીજો ભાગ એક્શન અને ત્રીજો ભાગ થ્રીલર છે. કેટલીય વાતો છે ઓશોની કે તેઓ સેક્સ, ડ્રગનો વેપાર કરતા હતા શું સાચું છે કેટલું સાચું છે એ બધું આ કથામાં છે. જો કે લેખકે ક્યાંય એવું નથી કહ્યું કે આ કથા ઓશોની છે. કથામાં જે છે એ બધું સાચું જ હશે એ માનવું આપણાં ઉપર છે. એક વાત તો કબુલ કરવી રહી કે લેખકે ખુબ મહેનત કરી છે આ કથા લખવામાં. કથામાં લેખક રજનીશના ભક્ત છે કે વિરોધી એ ખબર પડતી નથી. જયારે જ્યાં જરૂરી છે તેવું લખાણ કર્યું છે. અવનીશને ખુબ બુદ્ધિમાન પણ કહ્યા છે અને હઠી પાગલ પણ કહ્યા છે.osho

જીવનની સ્ક્રિપ્ટ

ત્યારે હું સાતમાં ધોરણમાં હતો. સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. મોહરા ફિલ્મનું “તું ચીજ બડી હે મસ્ત મસ્ત,..” ગીત પર ડાંસ કરવો હતો અને  એના માટે સારા ડાન્સરની શોધ ચાલુ હતી. બધા છોકરાને ઘરેથી ડાન્સની પ્રેક્ટિસ કરવાનું  કહ્યું  અને સારા ડાન્સરની પસંદગી કરવામાં આવી. ખૂબ પ્રેક્ટિસ કરવા છતાં પણ આપણું  સિલેક્શન ન થયું. થોડો નાસીપાસ થયો પણ શું થાય?   સ્કૂલમાં નાટક પણ થવાનો હતો એમાં પણ  આપણે નામ લખાવ્યું અને પસંદ પણ થયો. પણ અફસોસ પાત્ર ખૂબ નાનું  અને ડાયલોગ ફક્ત એક લીટીનો,..”રમેશ ચા તો ખૂબ સરસ બની છે” આ એક લાઇન બોલવી હતી. ખૂબ ઈચ્છા હતી કે સારું પાત્ર મળે, સારા ડાયલોગ બોલવા મળે પણ અફસોસ હું જાની સાહેબની નજરમાં સારા પાત્ર માટે ફીટ ન્હોતો.

હવે એવું લાગે છે કે આ જીવન એક નાટક જ છે અને એમાં ભગવાને આપણને આ પાત્ર ભજવવાનો મોકો આપ્યો છે અને ડાયલોગ પણ પસંદગીના બોલી શકાય છે. પણ આપણે સારા ડાયલોગ નથી બોલી શકતા. ભાષામાં કટુતા, ગુસ્સો, વ્યંગ, મશ્કરી ભળીને બીજા પાત્રના દિલને દુભવી જાય છે. સારી વાત એ છે કે પ્રભુ એ પૂરેપૂરી સ્ક્રિપ્ટ આપણને આપી દીધી છે. કેવું  બોલવું અને શું બોલવું એ આપણા હાથ(જીભ)માં છે.

અહી ફરી ઉલ્લેખ કરું છું આપણા જીવનમાં જેઓ નજીક છે એના માટે કાયમ આપણે તોછડી ભાષાનો જ ઉપયોગ કરતાં હોઈએ છીએ જ્યારે અજાણ્યા શખ્સો સાથે દંભી ને મીઠી ભાષામાં વાત કરીએ છીએ.

આપણે જ વિચારવું જોઈએ કે શું, કેટલું ને કેવું બોલવું જોઈએ. મને ઘણીવાર બીજાના વેણ દિલમાં લાગી આવે છે. ત્યારે એવો ખયાલ આવ્યો કે મારી જીભે પણ ઘણાંને ઘાયલ કર્યા હશે.ત્યારે મારા માટે જ આ એક શેઅર લખ્યો… ..

” બીજાના દિલે ઘસરકા ન પડે ધ્યાન રાખ,

એવી રીતે વાપર તારી કિંમતી વાણીને..”

હવે બાકીના જીવનની સ્ક્રિપ્ટ મસ્ત, સ્વીટ, ટૂંકી અને સચોટ રહે એ જ પ્રાર્થના.

-ચંદ્રકાંત માનાણી

દુઃખમાં હ્રદયને રાખો, રાખો ન દુઃખ હ્રદયમાં.

એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં,
દુઃખમાં હ્રદયને રાખો, રાખો ન દુઃખ હ્રદયમાં.

નિષ્ફળ પ્રણયનું કારણ શોધો તો છે ઉભયમાં,
એ રહી ગયા શરમમાં, હું રહી ગયો વિનયમાં.

જેમાં થતાં પરાજય આવે ન લાજ કોઈ,
એમાં વિજય મળે તો રાચી ઊઠો વિજયમાં.

દેવાને રાહ તમને સઘળાં ખસી ગયા છે,
આવો હવે તો આવો મારા બુરા સમયમાં!

માનવી ચડતી-પડતી ખુદમાં જ ઉદભવે છે,
પડતી નથી જરૂરત અંતરની અસ્તોદયમાં.

દિવસના હો અમલ તો જીવન ‘મરીઝ’ પલટે,
જે યોજના કરું છું રાતે મદિરાલયમાં.

મરીઝ