પ્લાનેટોરીયમની મુલાકાતે…

ડીસેમ્બર-૨૦૧૭માં અમે (હું,ઝરણાં અને સુરભિ) નેહરુ  પ્લાનેટોરીયમ જોવા ગયાં હતાં.જયારે પરીક્ષા ચાલી રહી હતી ત્યારે જ એમનણે કહ્યું હતું કે પપ્પા વેકેશનમાં પ્લાનેટોરીયમ જોવા જાશું. અમે મેટ્રોથી એમ જી રોડ અને ત્યાંથી રીક્ષામાં પ્લાનેટોરીયમ પહોંચ્યાં. સુરભિ અને ઝરણાંને એમ હતું કે આપણે કારથી જશું પણ મેટ્રોની સફર એ એમના માટે સરપ્રાઈઝ હતું. પ્લાનેટોરીયમમાં પહોંચીને અમે સાડા દસનો શો હતો એ બૂક કરાવ્યો અને ત્યાં પ્રદર્શની છે તે ફર્યા. ત્યાં જ એક દુકાન છે જેમાં બુક્સ અને રમકડાં(જેને વૈજ્ઞાનિક રમકડાં કહી શકાય) મળતાં હતાં. ઝરણાંએ બૂક ખરીદી અને સુરભિએ એક રમકડું. સાડા દસના શોમાં અમે આકાશ દર્શન કર્યું. મને અને ઝરણાંને મઝા આવી પણ સુરભિ કંટાળી ગઈ. વચ્ચે જ એને કહ્યું પાપા ચાલોને બહાર, પણ છતાં જેમતેમ શો પુરો કર્યો. ત્યાંથી પછી અમે મછલી ઘર અને બાલભવન ગયાં. અને ત્યાંથી શ્રી વિશ્વેશ્વરીયા મ્યુઝિયમમાં ગયાં. ત્યાં બંનેને ખુબ મઝા આવી.

મ્યુઝિયમ, મછલીઘર અને  બાલભવન એ બંને માટે સરપ્રાઈઝ હતાં, અને મ્યુઝીયમમાં પણ દરેક થ્રીડી શોઝ જોયા એ પણ સરપ્રાઈઝ. મ્યુઝીયમમાં ઘણું જોવાનું રહી ગયું. પણ ખુબ મજા આવી બંનેને. સાંજે  મેટ્રોથી ઘરે ગયાં.

IMG-20180111-WA0013
બાલભવનમાં અમે..
BeautyPlusMe_20180601101742_save
પ્લાનેટોરીયમમાં કોઈ સ્કૂલના પ્રવાસમાં આવેલાં વિદ્યાર્થીઓ. અમે આકાશ દર્શનનો શો બધા સાથે જોવા ગયેલા. એ હોલમાં જેવું અંધારું કરવામાં આવ્યું, તો બધા વિદ્યાર્થીઓ સીટીઓ વગાડવા લાગ્યા અને વિદ્યાર્થીનીઓ ગભરાઈને રાડો કરવા લાગી. તેમને કાબુ કરવામાં થોડો સમય ગયો.
IMG-20180111-WA0014
પ્લાનેટોરીયમમાં સુરભિ અને ઝરણાં..
IMG-20180111-WA0015
મછલીઘરમાં સુરભિ અને ઝરણાં…
IMG-20180111-WA0012
શ્રી વિશ્વેશ્વરીયા મ્યુઝીયમમાં સુરભિ અને ઝરણાં…
BeautyPlusMe_20180601102108_save
શ્રી વિશ્વેશ્વરીયા મ્યુઝીયમમાં ડાયનોસોર સાથે  સુરભિ અને ઝરણાં…
IMG-20180111-WA0016
ક્યુટી સુરભિ…
BeautyPlusMe_20180601101909_save
ઝરણાં કહે છે કે પપ્પા હું એસ્ટ્રોનોટ બનીશ.

કહેના તો હૈ …કૈસે કહું..?

12711208_1046867808689922_5902548720695701169_o.jpgકહેના તો હે કૈસે કહું…?
કહેનેસે ડરતા હું મૈ..
તુમસે પ્યાર કરતા હું મૈ…..

મૌકા મિલા મુજે કઈ-કઈ બાર
ઝબાંને મગર સાથ ના દિયા..
કહુંગા ઉસે કુછમેં રટતા રહા
મગર રૂબરૂ કુછ ભી કહે ના શકા
મેરે પ્યારકી હદ હો ચુકી
દીવાના સા લગતા હું મેં ….
તુમસે પ્યાર કરતા હું મૈ…..

તુજે દેખકર તેજ ચલતી હે સાંસે
બડી દેર મેં ફિર સંભલતી હે સાંસે
યે ચાહત કહાં લેકે આયી હે મુજકો
ન ચલતી હે રાહે ન રુકતી હે રાહે
મિલના તો હે કૈસે મીલું
તેરે પાસ આનેસે ડરતા હું મેં
તુમસે પ્યાર કરતા હું મૈ….

યુ આર માય વેલેન્ટાઈન

બહુ વર્ષો પહેલાં આ ગીત જયારે પહેલીવાર સાંભળ્યું ત્યારથી ખુબ જ ગમી ગયું. કુમાર સાનુનો અવાજ, રાજેશ રોશનનું મ્યુઝીક દેવ કોહલીના શબ્દો અને ચોકલેટી શાહીદ પર ફિલ્માવેલું આ ગીતમેં સેકડોવાર સાંભળ્યું છે. કહેવું તો છે પણ કેમ કરી કહું…આ કહેવાની વાત કોઈ તરત કહી દે છે અને કોઈની આખી જિંદગી નીકળી જાય તોય કહેવામાં છી વહી જાય..હહહ..કહેતાં ડરું છું મને કહેવાનાં કેટલાય મોકા મળ્યા, રાત-રાતભર જાગીને વિચાર્યું છે
કે કાલે મળશે તો આ વાતનો નિવેડો લાવવો જ છે અને કહી જ દેવું છે પણ જયારે તને જોઉં છું તો બોલતી બંધ થઈ જાય છે. ભલે રૂબરૂમાં એક વખત પણ નથી કહ્યું પણ સપનાંમાં તો હજાર વાર કહ્યું છે અને જાગતા પણ આંખોએ કહ્યું છે તું પણ સમજે છે છતાં કેવી છો તું કે તને બોલીને કહું તો જ સમજણ પડે એવું વર્તન કરે છે. આમ તો હું બહુ બહાદુર છું પણ તને દુરથી આવતી જોઉં તો પણ દિલમાં ધડબડાટી મચી જાય છે. દિલની બધી ધડકનો આમતેમ ભાગવા માંડે છે (જાણે કોઈ ડાકણ જોઈ લીધી હોય હહહ..) તારી ફક્ત એક ઝલકથી આવું કેમ થતું હશે..
આમછતાં તું ફરી ક્યારે દેખાઇશ એની ઈચ્છા દિલ તરત વ્યક્ત કરે છે. તને જોયાં પછી હું કાય બોલી ન શકું,
દિલ પણ ઉછાળા મારીને શરીરમાંથી નીકળીને તારામાં સમાઈ જવા તત્પર હોય, હું સાવ બાગા જેવો થઈ જાઉં…
આવી હાલતમાંય મને મળવું છે તને…. પણ ડરું છે. જ્યાં સુધી પ્રેમ છે ત્યાં સુધી જીવનમાં રોમાંચ અકબંધ છે.

વેલેન્ટાઈન ડે આવશે અને જશે. પણ પ્રેમ વ્યક્ત કરવા એક દિવસ પુરતો નથી. પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ બંધન
નથી, દિવસમાં બે વાર, રોજરોજ, અઠવાડિયે એકવાર મહિને કે છ મહિને…. ગમે ત્યારે કહી શકાય, શરત ફકત એટલી કે એમાં અહમ ન હોવો જોઈએ. હું પહેલાં કાં કહું, વોટ્સએપ પર મારો મેસેજ જોયો છતાં એને રિપ્લાય કેમ ન દીધો હવે હૂય એમ જ કરીશ, એફબી પર મારી પોસ્ટ લાઈક કેમ ન કરી…એવા એવા ઈગો પાળશું તો પ્રેમ થઈ રહ્યો…. વર્ષ દરમિયાન તમારાં પ્રીતમને એક વખત પણ હું તને ચાહું છું ન કહ્યું હોય તો કહો એવું યાદ કરાવવા આ દિવસ આવે છે. પ્રેમ એ આપણા જીવન જેવો છે, નાનપણમાં તોફાની, મુગ્ધાવસ્થામાં પહોંચે એટલે મસ્તીખોર અને વૃદ્ધ થાય એટલે મૃતપ્રાય થઈ જાય. હવે પ્રેમ વૃદ્ધ જલ્દી થઈ જાય છે. પ્રેમની જેવી શરૂઆત થઈ હોય એવો જ અગર તમે જીવંત રાખી શકો જીવનપર્યંત તો જીવન ઉત્સવ બની જાય. આ તો એવું છે ને પ્રેમ થયો લગ્ન કર્યા પતિ થયો પતી ગયો. કેટલી ફરિયાદો ઉત્પન્ન થાય છે, એ મનગમતી રસોઈ નથી બનાવતી, એ મારી રસોઈના કદી વખાણ નથી કરતા, એ મારી સાથે બરાબર વાત નથી કરતી, એ મને ક્યારેય મૂવી જોવા નથી લઈ જતા. …ગાડીને ફક્ત ચલાવ્યા જ કરીએ એ પણ ન ચાલે, અમુક સમયે સર્વિસ પણ કરાવવી પડે. સર્વિસ કરાવવાનું તો ઠીક, જેમ ગાડીમાં પેટ્રોલ ખાલી થતાં ભરાવવું પડે તેમ પ્રેમની ટાંકી પણ ભરેલી રાખવી જોઈએ. હું એમ નથી કહેતો કે તમે વારેવારે આઈ લવ યુ આઈ લવ યુ કહ્યા કરો. એ તો જોવું પડે કેવા તાપણાંમાં પ્રેમની રોટલી મૂકેલી છે. તાપણુંય ઓલાવું ન જોઈએ, રોટલી કાચી પણ ન રહેવી જોઈએ અને બળી પણ ન જવી જોઈએ. તો દોસ્તો, કાલની રાહ ન જોશો. કાલ કોને જોઈ છે. આજે જ કહી દેજો તમારા વેલેન્ટાઈનને..

હેપ્પી વેલેન્ટાઈન ડે.

life of man after marriage

lifeofmanજ્યાં સુધી દીકરાના લગ્ન ન થયાં હોય ત્યાં સુધી માને ટેન્શન હોય અને લગ્ન થતાં બીજું ટેન્શન ચાલુ થાય છે. દીકરો મારી ઘડપણની લાકડી થશે, એ દુનિયામાં સૌથી વધુ મને ચાહે છે એ મારી વાત કદી ટાળે નહી એવા કેટલાય ખયાલો માના દિમાગમાં ઘર કરેલા હોય છે. બીજી તરફ એક છોકરી કોઈ અજાણી વ્યક્તિમાં પોતાની આખી દુનિયા જોવે છે. એની સાથે લગ્ન કરે છે અને પોતાની હસ્તી મિટાવીને એને સમર્પિત થાય છે. કરૂણતા એ છે કે મા એવું માને છે કે દીકરો મારો છે અને પત્ની એવું માને છે કે એ મારા છે. બંને પોતપોતાની જગ્યાએ સાચાં. જો માની વાત માને તો માવડિયો કહેવાય અને પત્નીની વાત માને તો વહુઘેલો કહેવાય. પુરુષના ગળામાં પ્રેમનું એક દોરડું આંટી મારેલું છે જેનો એક છેડો મા પાસે અને એક પત્ની પાસે. જો આ દોરડાની ખેંચતાણમાં બંને સમજણ ન દર્શાવી તો બસ આવી બન્યું. બંને પાત્રની ભાવના સારી હોય છે પણ પછી મુદ્દો અહમનો બની જાય છે. સોશિયલ મીડિયામાંથી આ ફોટો મળ્યો. બંને ગાડી એકી સાથે જોરમાં નહીં આવે પણ ધીરેધીરે દબાવશે અને જો ભૂલથી રિવર્સ ગિયર લાગી ગયો તો બિચારા પુરુષનો હાથ એક ગાડી પરથી છટકી જાય છે.

 

વતનની યાદ

પરદેશમાં વસનારાને વતનથી અનેરો લગાવ કેમ હોય છે. આનો જવાબ વ્યક્તિગત હોઈ શકે..અહીં વતન એટલે ગામની વાત છે જ્યાં બાલપણ વિતાવ્યું હોય. વતનની યાદ સાથે જીવવાની એક મજા છે. જો તમે વતનમાં જ રહેતા હશો તો આ લહાવો તમને નહીં મળે. વતન છોડતાં સમયે ખ્યાલ નથી હોતો કે વતનની યાદ આટલી યાતનાઓ આપશે…સ્કૂલના દિવસો, કોલેજના દિવસો, રખડપટ્ટીના દિવસો, મંદિરે જવાની મજા, સાંજની એ આરતી, લાયબ્રેરી, રમતનું મેદાન, ફળિયાની ગલીઓ, ભૂકંપમાં પડી ગયેલું એ ઘર, ગામના ઉત્સવો, વિથોણીયો ડૂંગર…બધાં ભેગાં મળીને જાણે ખેંચી રહ્યાં છે. વતન શું છે, એની માટીની સોડમમાં શું જાદુ છે, ગામમાં પડતા પહેલા વરસાદમાં પલળવાની શું મજા છે એ વર્ણવી શકવું મુશ્કેલ છે. એ જીવન હવે યાદ કરું છું તો એવું લાગે છે જાણે એ જીવન, એ ગામનું જીવન ગયા જન્મની વાત હોય. જ્યારે પણ વિથોણ જાઉં છું ત્યારે એવું લાગે છે જાણે ગયા જનમના જીવનમાં પહોંચી ગયો છું. વતન સાથેનું વળગણ મરતાં સુધી ટૂટશે નહીં. વતનની યાદને પ્રેમિકાની યાદ સાથે સરખાવી શકાય. લગન પછી જેમ પ્રેમીની યાદ સતાવે એમ વતનથી દૂર રહેનારાને વતનની યાદ તડપાવે છે.

કબીરવાણી : ઓશો

જો દેખે સો કહે નહિ, કહે સો દેખે નહિ,
સુને સો સમજાવે નહિ, રસના દ્રગ શ્રુતિ કાહી.

-કબીર

આ વચનનો અર્થ છે : આંખો દેખે છે અને આંખો જે જુએ છે તે બોલતી નથી.જીભ બોલે છે પણ જીભે જોયું નથી.કાન સાંભળે છે અને કાન સમજાવી નથી શકતા. તો આ આંખ, કાન,નાક- આ બધી ઇન્દ્રીઓ કેવી રીતે સંયુક્ત થાય છે ? આંખ દેખે છે, કાન સાંભળે છે, જીભ બોલે છે, ક્યાંક અંદર કોઈ એક કેન્દ્ર પર આ બધાં મળી જતાં હોવાં જોઈએ, નહીતર આ સંભવિત જ ન થવા પામે.

હું બોલી રહ્યો છું, આપ કાનથી તો સંભાળી રહ્યા છો અને આંખથી જોઈ રહ્યા છો, પરંતુ અંદર ક્યાંક બંને મળી જાય છે અને આપણે લાગે છે કે એ જ માણસ બોલી રહ્યો છે જેને આપણે જોઈ રહ્યા છીએ. આંખ અને કાન પોતાના અનુભવને જઈને અંદર ક્યાંક કોઈ એક કેન્દ્ર પર ઠાલવી નાખે છે, જ્યાં મિલન થઈ જાય છે – એ જ ઇન્દ્રિયોની અંદર છુપાયેલો છે પુરુષ, એ જ ચૈતન્ય છે, ચેતના છે, આત્મા છે.

ઇન્દ્રીઓ પોતે પોતાનામાં તો કઈ પણ નથી કરી શકતી. જે દિવસે અંદરનું પક્ષી ઊડી જાય છે, આંખ બિલકુલ બરાબર હોય છે, પરંતુ જોઈ નથી શકતી, કાન બરાબર હોય છે પણ સાંભળી નથી શકતો, હોઠ બિલકુલ બરાબર હોય છે પણ બોલી નથી શકતા. એ જે જોડનારો હતો એ તો ચાલ્યો ગયો. જેના કારણે આ બધાં જોડાયેલા હતાં એક સેતુરૂપે, તે સેતુ વિખરાઈ ગયો.

જે રીતે માળાના મણકા છે, અને અંદર એક દોરો છે, દેખાતો નથી, પણ એ જ આધાર છે. દોરો તૂટ્યો અને મણકા વિખરાઈ ગયા.ઇન્દ્રિયો મણકા જેવી છે, આત્મા દોરા જેવો છે – એ જ એને સંભાળી રાખે છે. અને તમે નોકરોની પાછળ ચાલી રહ્યા છો અને માલિકની તમને ખબર જ નથી. ઇન્દ્રીઓ તો બિલકુલ અસહાય છે, કોઈ બીજાને કારણે તેમનામાં જ્યોતિ છે, કોઈ બીજાને કારણ જીવન છે, કોઈ બીજાને કારણ શક્તિ છે, કોઈ બીજું જ અસલી માલિક છે, જે અંદર છુપાયેલો છે. તે દેખાતો નથી, તે માળાના મણકાઓમાં દોરાની જેમ અનુસ્યૂત છે. માળાના મણકા દેખાય છે. બધાં મણકા વિખરાઈ જશે, એક ક્ષણ પણ નહિ લાગે, જયારે અંદરનું પક્ષી ઊડી જશે.

તો કબીર કહે છે : જો દેખે સો કહે નહિ, કહે સો દેખે નહિ, સુને સો સમજાવે નહિ, રસના દ્રગ શ્રુતિ કાહી. અર્થાત જે જુએ છે તે કહેતું નથી, જે કહે છે તે જોતું નથી. જે સાંભળે છે તે સમજાવતું નથી. એ રીતે જીભ, કાન, આંખની સ્થિતિ છે. એનો ઉપયોગ શો છે ? તમે શા માટે એમની પાછળ પાગલ છો ? તમે ફિકર કરો જેની સેવામાં આ બધી ઇન્દ્રીઓ રત છે. માલિકને શોધો. એ જ આત્મા છે.

“કબીરવાણી-ઓશો” પુસ્તકમાંથી સાભાર.

મીઠાશ -કડવાશ

ગયા વર્ષે ક્ચ્છ ગયો ત્યારે ભચાઉથી ભુજ અને ભુજથી મોટા યક્ષ બસની મુસાફરી કરી હતી જે યાદગાર કહી શકાય. ભચાઉથી બસમાં બેઠાં ત્યારે બેસવાની જગ્યા
ન્હોતી. તો કંડકટરે એની સામેની સીટ બતાવતાં કહ્યું કે અહી ઉભા રહો આ લોકો હમણાં જ ઉતરશે. સારું ફિલ થયું. એ કંડકટર બધા લોકોથી
સારી રીતે વાત કરી રહ્યો હતો. એ જ બસમાં એક માણસે જ્યુબીલી ગ્રાઉન્ડ પહોચતાં કંડકટરને ભુજમાં જ કોઈક જગ્યાએ જવા પૂછ્યું…
તો કંડકટરે એને ત્યાં ન ઉતારવા સલાહ આપી અને કહ્યું કે તમે બસ સ્ટેન્ડની સામેથી સીટી બસમાં ચાલ્યા જાઓ અનુકુળતા રહેશે અને
ત્યાંથી પાંચ રૂપિયામાં પહોંચી જશો અને જ્યુબીલીથી ત્રીસ-ચાલીસ રૂપિયા થઇ જશે. ખુબ હેલ્પફુલ નેચરનો એ માણસ હતો. અને ભુજથી મોટા
યક્ષની મુસાફરી દરમિયાન એકદમ ઉલટો અનુભવ થયો. બસ નારાયણ સરોવર જઈ રહી હતી અને હજી ભુજના બસ સ્ટેન્ડથી જરા ઉપાડી જ હતી કે એક મુસાફર દોડતો બસમાં ચઢ્યો અને ઉતાવળે પૂછ્યું કે બસ માતાના મઢ જશે, કંડકટરે કહ્યું જશે પણ વાયા વિથોણ અને અંગિયા ફરી-ફરીને જશે. તો મુસાફરે એક ક્ષણ વિચારીને બીજો પ્રશ્ન પૂછ્યો કે ડાયરેક્ટ બસ ક્યારે મળશે…? તો કંડકટર એકદમ છંછેડાઈ ગયો ને કહ્યું એ ભાઈ એ કામ અમારું નથી તમારે આવવું હોય તો બેસો નહીતર ઉતરો ..મુસાફરને ખરાબ લાગ્યુંને ઉતરી ગયો. પછી કંડકટર એકલો-એકલો બબડ્યો ઇન્ક્વાયરી કરીને આવવું જોઈએ. કંડકટરની વાત સાચી પણ કહેવાની રીત ખોટી લાગી મને. ત્યારે આગલી બસવાળો કંડકટર યાદ આવી ગયો. કેવી મસ્ત રીતે બધા પેસેન્જરોને
સંતોષકારક જવાબ આપતો અને મદદ પણ કરતો હતો. બંને માણસ એક જ કામ કરે છે એકમાં મીઠાશ છે અને એકમાં કડવાશ.

आते जाते जो मिलता है

आते जाते जो मिलता है तुमसा लगता है
हमतो पागल हो जायेंगे एसा लगता है
ओ तेरे प्यार में… तेरे इंतज़ार में ….

હર દિલ જો પ્યાર કરેગાનું મનગમતું સમીર દ્વારા લખાયેલું ગીત…મુગ્ધાવસ્થાના ઉંબરે આવી ઉભેલા પ્રેમી માટે એકદમ ફીટ બેસે છે. એ પ્રેમ છે કે આકર્ષણ ખબર નથી હોતી ત્યારે. બસ એ ગમે છે. એની બધી પસંદગીઓ આપણી પસંદ બને છે અને એને જે નથી ગમતું તેને આપણે તિલાંજલિ આપી દઈએ છીએ.(પ્યાર તો હોના હી થા મુવી યાદ છે, એમાં શેખર સિગરેટ પીવાનું છોડી દે છે જસ્ટ બીકોઝ સંજનાને નથી ગમતું…) એનું બધું ગમે છે, એની ચાલ, વાતો કરતી વખતે એની આંખોનું નચાવવું, ભલે એનો રાની જેવો કર્કશ અવાજ હોય તોય એ મીઠો લાગે છે, એના ઉપલા હોઠની બાજુનો તલ ગમે છે, એના ગાલ પર પડતું ખંજન ગમે છે, એણે ક્યારેક ભૂલથી સાગર ચોટલો કરેલો હોય તો એ સ્ટાઈલ ફેવરીટ થઈ જાય છે, એના પર બધા કલર ખુબ જચે છે, જાણે એ કોઈ સંમોહન વિદ્યાની જાણકાર હોય અને વશીકરણ કરી દીધું હોય એવી હાલત થઈ જાય છે. આવું થયેલું હોય અને જયારે એની સાથે ક્યારેક નજર મળી જાય તો દરિયામાં ભરતી આવે એવું લાગે …જાણે લાગણીઓનું એકસામટું આક્રમણ થયું હોય એવું લાગે..બે ક્ષણ નજર મળેલી રહી હોય એમાં તો કેટકેટલાય સપનાઓનું વાવેતર થઈ જાય છે. જયારે એ નજર ઢળે ત્યારે એવું લાગે જાણે દરિયાની ભરતી એકાએક ઓટમાં બદલી ગઈ હોય અને એ જુકેલી નજર પોતાની અંદર ખેચવા મથતી હોય. અને એમાંય જો એનું સ્મિત મળી જાય તો તો જાણે જન્મારો જ સુધરી ગયો એવું લાગે. સમય સમયનું કામ કરે છે. એની જે જે સ્ટાઈલો હતી એ બધી જ પ્રેમનાં વૃક્ષનું એક એક પાન બની જાય છે. એનો પ્રેમ એ વિશાળ વટવૃક્ષ બનતું જાય છે. એની આંખો જુકાવીને ચાલવાની રીત, બે જ મીનીટમાં ખુલ્લાં વાળનો અંબોડો કરી દેવાની રીત, એની કોઈ પણ સ્થિતિમાં સ્થિર અને સહજ રહી શકવાની રીત, એણે આપેલી કમીટમેન્ટ પાળવાની રીત, એના મરોડદાર અક્ષરો, એની ગરબે રમવાની સ્ટાઈલ..એ બધાથી પ્રેમ થઈ જાય છે. જીવનમાં એવા ઘણાંય ચહેરા જોવા મળે છે જે કોઈ એન્ગલથી એના જેવા લાગે, એના જેવો અવાજ ક્યાંક સાંભળવા મળી જાય, એના જેવું જ હસ્તી હોય એવું કોઈ મળી જાય, એવી હરેક વ્યક્તિ કે જેમાં એનો ભાસ થતો હોય એ બધાં ગમે છે. એ ગમવાનું કારણ છીછરાપણું નથી હોતું. એનું કારણ એક ‘એ’ જ હોય છે. પ્રથમ પ્રેમ એક બીજનું કામ કરે છે. એ બીજ અંકુરિત થઈને એક વૃક્ષ બને છે. વૃક્ષનાં એક એક પર્ણો એની એક એક સ્ટાઈલ છે. કેટલીય પાનખરો વીતે છે, બધા પર્ણો ખરી જાય છે, ફરી વસંત આવે છે ફરી નવાં પર્ણો ફૂટે છે. પર્ણો ખીલતાં રહે છે અને ખરતાં રહે છે પણ વૃક્ષ તો અડીખમ જ રહે છે.

-ચંદ્રકાંત માનાણી

બાદશાહો : ફિલ્મ

એક સપ્ટેમ્બર ૨૦૧૭, તારીખ છે બાદશાહો ફિલ્મ રીલીઝ થવાની. આજ-કાલ દિલો-દિમાગ પર જે ગીત છવાયેલું છે તે આ ફિલ્મનું છે. “મેરે રશ્કે કમર” આ ગીત નુસરત ફતેહ અલી ખાને ગાયું હતું અને એમાંથી સિલેક્ટેડ શેર પરથી ગીતનું બાદશાહો ફિલ્મમાં રીક્રીએશન કરવામાં આવ્યું છે. ગીતના એક-એક શેરમાં એક-એક દાસ્તાં બયાં થાય છે. અમે તો જ્યારથી સાંભળ્યું છે ત્યારથી ફેવરીટ બનાવી લીધું છે.

मेरे रश्के क़मर तू ने पहली नज़र
जब नज़र से मिलाई मज़ा आ गया
मेरे रश्के क़मर तू ने पहली नज़र
जब नज़र से मिलाई मज़ा आ गया

मेरे रश्के क़मर એટલે બલાની ખુબસુરત કે જેની ચંદ્ર પણ ઈર્ષ્યા કરે, એવી ખુબસુરત મહેબુબાની પહેલી નજર મારી નજરથી મળી તો મજા આવી ગઈ. શાયરે બધાજ પ્રેમીની દુ:ખતી નસ બરાબર પકડી છે. મહેબુબાની પહેલી નજર, નજરથી મળે છે એટલે દુનિયા રંગીન લાગે છે, રંગોના ફુવારા ઉડતા દેખાય છે, દિલના ખૂણે ખૂણે દીવાઓ ઝગમગી ઊઠે છે.

ऐसे लहरा के तू रूबरू आ गयी..
धड़कने बेतहाशा तड़पने लगीं
तीर ऐसा लगा दर्द ऐसा जगा
चोट दिल पे वो खायी मज़ा आ गया…

અચાનક મહેબુબા ક્યાંકથી સામે આવી ચડે તો ગાફેલ આશિકની શું હાલત થાય છે તે શાયરે બખૂબી આ શેરમાં વ્યક્ત કરી શક્યા છે. ધડકને બેતહાશા તડપને લગી, હોલીવુડની ના બનેલી ફિલ્મની કલ્પના કરો કે જેમાં બાવરા આશિકની ધડકનો દિલમાંથી નીકળીને મહેબુબાની આસપાસ, જેમ મધમાખીઓ મધપુડા પર હક સ્થાપિત કરવા પડાપડી કરે છે એવી રીતે દિલની બધી ધડકનો દિલની બહાર નીકળીને મહેબુબાને વીંટળાઈ જાય છે. દિલ મહેબુબાના કામ બાણથી ચોટીલ થઇ જાય છે મજા આવી જાય છે.

रेत ही रेत थी मेरे दिल में भरी
प्यास ही प्यास थी ज़िन्दगी ये मेरी
आज सेहराओं में इश्क के गाँव में
बारिशें घिर के आई मज़ा आ गया

જીવન દિશાહીન હતું, કોઈ સપનાઓ ન હતાં, જીવન એક ખારા દરિયા જેવું બની ગયું હતું. એક પ્યાસો, જેના જીવનમાં ફક્ત ખારાશ જ હતી. એક પ્યાસો, સહેરાના રણમાં પાણીના એક બિંદુ માટે તલસી રહ્યો હોય છે અને એવામાં તું મારાં પ્યાસા, રેતીથી ભરેલા જીવનમાં વરસાદ બનીને આવી મજા આવી ગઈ.

ગીતમાં અજય દેવગણ અને ઈલીયાના દીક્રુઝ મસ્ત લાગી રહ્યાં છે. ફિલ્મનો ઇન્તઝાર છે. ગીત તો તમે જોયું જ હશે તે છતાં કોમેન્ટમાં લીંક મૂકી છે.

બોધપાઠ

ના, પ્રિયા કે પ્રિયતમની વાત નથી. વાત કરવી છે જીવનની, જિંદગીની. શું છે અને શા માટે છે આ જીવન ? ક્યાં સુધી છે આ જીવન ? બંને સવાલના જવાબ ખબર પણ છે અને નથી પણ. આમ જોઈએ તો જીવન ક્ષણ ભંગુર છે પણ આપને તો એમ જ લાગે કે હું જવાનો નથી અણનમ રહીશ. પૃથ્વી પર આપણે બધા થોડા સમય માટે છીએ. પૃથ્વી કરોડોને કરોડો વર્ષોથી હશે અને એમાં આપણે પચી-પચા વર્ષ જીવી જવાના, આ સમય, સમયના અફાટ સમુદ્રના એક બિંદુ સમાન છે. આપણે જીવનને એક સફર માનીએ છીએ પણ હકીકતમાં તો આ મૃત્યુ સફર છે. સફર દરમિયાન જે જે પડાવ પરથી આપણે પસાર થઈ રહ્યા છીએ તેને આપણે મંઝિલ સમજી લઈએ છીએ.

જ્યારે ગર્ભ રહે છે ત્યારથી સફર શરૂ થઈ જાય છે. જન્મ એ સફરનો જ હિસ્સો છે. જેમ જેમ મોટા થતા જઈએ અને જે સમય વિતતો જાય એ ભૂતકાળ બની જાય અને એ સમય ક્યારેય પાછો આવતો નથી. જેમ ભેંસને તળાવમાં પડી રેવું ગમે એમ આપનેય ભૂતકાળના એ તળાવમાં પડી રહેતા હોઈએ છીએ. કોઈ એવી શક્તિ શાયદ હશે જે વાળ પકડીને તળાવમાં ડૂબાડતી હશે અને કોઈ એક ફરીશ્તો દૂર બેઠો બેઠો ભવિષ્યના સપનાઓ બતાવતો હશે.

ક્રિકેટની રમતમાંથી જીવનના ઘણા પાઠ શીખવા મળે છે. બેટ્સમેન એ જીવનનું પ્રતિક છે. જીવન-રમત ટ્વેંટી-ટ્વેંટી, વનડે કે ટેસ્ટ કોઈ પણ ફોરમેટમાં હોઈ શકે છે. મને ટેસ્ટ મેચનો બેટ્સમેન જીવનના પ્રતિકરૂપે વધુ બંધબેસતો લાગે છે. જેમ ટેસ્ટ મેચમાં બેટ્સમેન વિકેટ પર આવતા બોલને જ બેટથી રોકે છે બહારના બોલને બેટ ઉંચી કરીને સ્ટાઈલથી જવા દે છે, જીવનમાં પણ મુશ્કેલીઓને શક્ય હોય તો જવા દો અને એકદમ જીવ પર આવતી મુશ્કેલીઓ હોય તો તેને પ્લેડ કરીને રોકી લેવી. બાકી તો શું છે કે ક્રિઝ પર ટકી રહેવું જરૂરી છે રન આપોઆપ થતા રહેશે.

વાત આડે પાટે ચડી ગઈ. એ દિલ હૈ મુશ્કિલમાં શાયરે ખૂબ ગહન વાત કરી છે. શાયરએ ફિલ્મના સિચ્યુએશન પ્રમાણે ગીત લખ્યું છે. પણ શાયરીની એ જ તો ખૂબી છે કે આપણે એમાંથી મનગમતો અર્થ કરી શકીએ છીએ. જિંદગીને આપણે સિદ્દતથી ચાહીયે છીએ અને એ બેખબર પણ છે. આ મૃત્યુ-સફરની મંઝિલ કઈ છે ખબર નથી અને મંઝિલના મોહતાજ પણ નથી પણ આ સફર ગમે છે. પ્રોબ્લેમ એ છે કે સફરને આપણે મંઝિલ સમજી લઈએ છીએ. ઈચ્છા-અપેક્ષાઓને થોભ નથી. હર નવી ઈચ્છાને મંઝિલ સમજી લઈએ છીએ અને એની પ્રાપ્તિ કરવાનો સફર શરુ કરીએ છીએ. એક ઈચ્છા પ્રાપ્તિ થયા પછી બીજી ઈચ્છા જન્મે છે અને આ સિલસિલો અવિરત ચાલે છે. નાના હતા ત્યારે સાઈકલની ચાહ હતી, પછી બાઈક પછી કાર પછી હજી વધુ સારી કાર….એવી જ રીતે જેના લગ્ન ન થયા હોય એ વિચારતો હોય છે લગ્ન થઈ જાય એટલે બસ બીજું કાઈ ન ખપે..પછી એક સંતાન નથી થતાં એક સંતાન થઈ જાય તો બસ, અરે સંતાનમાં દીકરી થઈ ભગવાન એક દીકરો આપી દે તો બસ, સંતાનો હોશિયાર અને કહ્યાગરાં હોવા જોઈએ, પછી એને ઠેકાણે પાડવા, ધંધો કરી દેવો…..આ બધું ચાલ્યા જ કરે છે. આ જ સફર છે પણ આપણે સફરને એંજોય કરીને નથી જીવી શકતા. યારો એટલું જ કહેવું છે કે આ સફર છે એ મંઝિલથી ખૂબસૂરત છે.

#બોધપાઠ

કીરિક પાર્ટી – કન્નડા ફિલ્મ

images
સાન્વી સાથે કર્ણ..

ઘણાં સમયથી આ ફિલ્મ જોવાના ચૂકી ગયેલા ફિલ્મોના લીસ્ટમાં હતી અને આજે આ ફિલ જોઈ. કોલેજમાં પાંગરતો પ્રેમ, દોસ્તી, દુશ્મનાવટ, બધું મળીને હલકી-ફૂલકી ફિલ્મ છે. મારી સાથે ઘણી વખત એવું થયું છે કે જે લોકોએ બહુ વખાણી હોય એ ફિલ્મ મને ના ગમે અને જે બહુ હાઈ લાઈટ ના થઇ હોય એ ફિલ્મ બહુ ગમી જાય. આ ફિલ માટે શાયદ મારી આશાઓ વધુ હતી. કોલેજ કેમ્પસની ચીલાચાલુ સ્ટોરી છે જેને તાણીને લાંબી કરી છે. તેમ છતાં મને ગમી છે અને એટલે જ આ લખવા બેઠો છું. ના, હવે આખી સ્ટોરી કહેવાની ભૂલ નહિ કરું, આખી સ્ટોરી ના કહેવાની નિરવભાઈની વાત નોટ કરી છે.

એક સીનમાં કર્ણ (હીરો) સાન્વી(હિરોઈન)ને રાત્રે સાડા બારે ફરવા આવવાનું કહે છે. બંને આખી રાત ફરે છે. ના, કોઈ રંગીન સીન નથી. બંને એક વાડીમાં જઈને મકાઈ તોડી લાવે છે અને એને શેકીને ખાય છે. ખુબ સારી વાતો કરે છે. સાન્વી કહે છે કે આપણે મોટાં થઈને કેટલા મેચ્યોર થઇ ગયાં છીએ. આપણું મન બાળક બની રહેવા કહે, ધિંગા-મસ્તી કરવા કહે પણ આપની મેચ્યોરીટી આડે આવી જાય છે. અચાનક લવ સ્ટોરીમાં વળાંક આવે છે. ક્લીન શેવવાળો ચોકલેટી હીરો દાઢીધારી બની જાય છે. અને આર્યની એન્ટ્રી થાય છે.

images (1)
આર્યા સાથે કર્ણ..

આર્યા કર્ણને એકતરફી પ્રેમ કરે છે. પહેલા હાફમાં કર્ણની સાન્વી સાથેની લવ સ્ટોરી છે અને બીજા હાફમાં આર્યા સાથે. જેમ સાન્વી સાથે કર્ણ એક રાત ફરવા ગયો હતો તેવી જ રીતે આર્યા સાથે પણ કર્ણને જવું પડે છે. અને ઉદાસ કર્ણને આર્યા ઘણા દિવસો પછી હસાવવામાં સફળ થાયછે.(ના, કોઈ રંગીન સીન નથી). આર્યાના, કર્ણના પ્રેમને પામવાના જે પ્રયત્નો દર્શાવવામાં આવ્યા છે એ મને ખુબ ગમ્યાં. એકવખત કોલેજમાં આર્યા બાસ્કેટબોલ રમતી હતી અને કર્ણ એના દોસ્તો સાથે કોર્ટથી થોડે દુર બેઠો હતો. કર્ણનું ધ્યાન દોરવા, ચાઈને આર્યા બોલ કર્ણ તરફ ફેંકે છે. આ સીન જોઈને કોલેજના દિવસોની યાદ આવી ગઈ. અમે જયારે કોલેજમાં વોલીબોલની પ્રેક્ટીસ કરતા ત્યારે મારો એક દોસ્ત પણ આવી જ રીતે વોલીબોલ એની માશુકા તરફ જવા દેતો અને લેવા પણ જતો.

kirik-party_1477551910190
બાસ્કેટબોલના કોર્ટમાં કર્ણ તરફ જોઇને ખુશીનો ઈઝહાર કરતી આર્યા..

કર્ણની એક આદત છે ફિલ્મમાં. જયારે એ અપસેટ હોય ત્યારે બુલેટ લઈને નીકળી પડે છે કોઈ અજાણી જગ્યા પર કોઈને કહ્યા વગર. મોબાઈલ પણ ઓફ રાખે. દુનિયાથી દૂર પોતાની દુનિયામાં ખોવાઈ જવા. મારા જેવા  ઘણાં અપસેટ માણસ કર્ણની જેમ થોડા દિવસ ભાગી જવા ચાહતા હોય છે પણ આ જાલિમ દુનિયા છોડતી નથી. જકડી રાખે છે પોતાના શોરમાં અને મન એકાંત ચાહે છે, ત્યારે આપણે વધુમાં વધુ શું કરી શકીએ, એકાદ ફિલ્મ જોઈ લઈએ..અથવા બ્લોગ પર એકાદ પોસ્ટ ઝીંકી દઈએ..ફિલ્મમાં ગમતીલું પાત્ર આર્યા.