મારી લાગણીઓની સરવાણી

Archive for the ‘બેફામ’ Category

થાય સરખામણી તો ઊતરતા છીએ

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
વાટ કીન્તુ બીજાને બતાવી દીધી

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.

જીવતાં જે ભરોષો ઇશ પર
એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલે ને તરાવી નહી
લાશ મારી પરંતુ તરાવી દીધી.

-બેફામ

Advertisements

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને!

સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઈ નહોતું એ છતાં સૌએ મને લુંટી ગયા,
કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

એ બધાં બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.

-બેફામ

સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હૃદય તમને,

સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હૃદય તમને,
થશે તમને ય આવું, થઇ જશે જ્યારે પ્રણય તમને.

હું તમને સાથ દેવા એટલા માટે જ આવ્યો છું,
કદી લાગે ન મારી જેમ એકલતાનો ભય તમને.

મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો,
કશું કહેવા નથી દેતો કદી મારો વિનય તમને.

મને એથી જ કંઇએ દુઃખ નથી મારા પરાજયનું,
ખુદાની પાસે મેં માગ્યું હતું આપે વિજય તમને.

જગતમાંથી હવે હું જાઉં છું સર્વસ્વ છોડીને,
તમે આવો તો સોંપી જાઉં હું મારું હૃદય તમને.

જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?

-બેફામ

પરાઈ હો કે પોતાની

મળી છે પ્રકૃતિ એવી કે કાયમ સોરતી રહે છે;
પરાઈ હો કે પોતાની,પીડાઓ વોરતી રહે છે.

કરે છે ઘાવ દુનિયા એક બાજુ,ને બીજી બાજુ,
તમારી આંખડી પણ કાળજાને કોરતી રહે છે.

ગમે તે સ્થાન હો,ગુણવાન એના ગુણ નથી તજતા;
હો ફૂલવાડી કે ફૂલદાની,કળીઓ ફોરતી રહે છે.

અરે મન,તું જ કાં મુરઝાઈ જાય છે વસંત આવ્યે?
કે મોસમ હાય છે તો મંજરી પણ મોરતી રહે છે.

જીવનના શ્વાસ પણ મારી રહ્યા છે ફૂંક દીવાને,
હૃદયની ધડકનો પણ વાટને સંકોરતી રહે છે.

સમયની ઘંટીમાં આયુષ્ય ક્ષણ ક્ષણ કરી કણ કણ,
કઈ શક્તિ અમારી જિંદગીને ઓરતી રહે છે?

પ્રણયની સૃષ્ટી એવી કે લુંટાવે છે સદા દિલને,
ને દ્રષ્ટિ રૂપની એવી કે દિલને ઓરતી રહે છે.

અજંપો હોય તો ઘરમાં ય આંખો ના ઊંઘે બેફામ,
મળે જો જંપ તો એ ઘોરમાં પણ ઘોરતી રહે છે.

-બેફામ

તમારી શેરીમાં આવીને

તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.

જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.

તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે ‘બેફામ’,
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે.

-બેફામ

એક આકર્ષણ વિના

એક આકર્ષણ વિના આખી સફરમાં કઈં નથી,
હોય ના મંઝીલ તો કોઈ રહેગુઝરમાં કઈં નથી.

ત્યારથી એનો સતત એક ભાર લાગે છે મને,
જ્યારથી જાણ્યું કે મારા જીવતરમાં કઈં નથી.

એની એકેક વસ્તુનો આધાર છે મારા ઉપર,
હું અગર રસ લઉં નહીં તો વિશ્વભરમાં કઈં નથી.

જે ખરું મળવાનું ઠેકાણું છે એ તો હું જ છું,
બહાર નીકળી જાઉં હું તો મારા ઘરમાં કઈં નથી.

એક ચહેરાને જ હું શોધ્યા કરું છું સર્વમાં,
શક નહીં કરજો કોઈ -મારી નજરમાં કઈં નથી.

એક છે જુનું દરદ, બેચાર છે જુના જખમ,
બસ હવે એથી વધારે દિલ જીગરમાં કઈં નથી.

એમને બોલાવવાનું એક બહાનું છે ફક્ત,
બાકી આ મારી બીમારીની ખબરમાં કઈં નથી.

આમ એક દુનિયા જ દફનાઈ ગઈ બેફામની,
આમ જોવા જાઓ તો એની કબરમાં કઈં નથી.

-બેફામ

મને જીવન સફર બદલે

મને જીવન સફર બદલે હવે રખડાટ લાગે છે,
હવે અહિયાં બધી મંઝીલ વિનાની વાટ લાગે છે.

સદા ઝાકળ રૂપે હું અશ્રુબિંદુ જોઉં છું મારામાં,
સદા ઉગતી ઉષામાં આપનો મલકાટ લાગે છે.

બધા લોકો કહે છે ફૂલ જેને રાતરાણીનાં,
મને તો એ તમારી ઝુલ્ફનો પમરાટ લાગે છે.

કદાચિત વાત કરતો હોઉં એની સાથ સપનામાં,
નહી તો કેમ સૌને ઊંઘમાં બબડાટ લાગે છે.

ફક્ત એથી જ હું દુનિયાને બદલે દિલમાં જીવું છું,
છે એક જ જગા જ્યાં આપનો વસવાટ લાગે છે.

વધારે ઘા નહિ કરશો હવે, ભાંગી જઈશ નહિ તો,
હવે મારો મને પૂરો થયેલો ઘાટ લાગે છે.

ધરા પર હોય તો એ પંથના પથ્થર બની વાગે,
ગગનમાં તારલાનો જે બધો પથરાટ લાગે છે.

રહે છે ભૂત ભાવી- બેય બાજુએ ગતિ એની,
મને તો જિંદગી કોઈ હિંડોળાખાટ લાગે છે.

ફરૂ છું એટલે તો ખાલી હાથે હું બગીચામાં,
મને તો સૌ બગીચાઓ ફૂલોનાં હાટ લાગે છે.

જીવનમાં પ્રેમના તંતુ વિના અંધકાર છે સઘળે,
કે સળગે છે દીવો જયારે દીવામાં વાટ લાગે છે.

કફ્સમાં પણ કબર જેવી જ હાલત હોય છે બેફામ,
સજીવતા એ જ કે થોડો ઘણો ફફડાટ લાગે છે.

-બેફામ