બરાબર એક મહિનો થયો, ઉત્તર ભારતના પ્રવાસે મને થકવી નાખ્યો. નંદીનીના સાથ છૂટ્યા ને પાંચ વર્ષ થઈ ગયાં. દીકરો અને વહુ છે જે મારી ખુબ સંભાળ લે છે. કાલે મારો પંચાવનમો બર્થડે છે એટલે વિનીત ઓફિસમાં બધાને પાર્ટી અને એક પગાર બોનસ આપવાનો છે. કેવો બેફીકર હતો અને કેટલો જવાબદાર બની ગયો મારો દીકરો…! મારું જીવન પણ બેફીકર હતું જે નંદીનીએ આવીને જાણે નંદનવન બનાવી દીધું. વિનીત મને ફોર્સ કરી રહ્યો છે બીજા લગ્ન કરી લેવાનું ને નંદીનીની યાદ દિલમાંથી જતી નથી.
આજે ઓફિસમાં ઉત્સવ જેવો માહોલ હતો. કુલ ૨૦ જણનો સ્ટાફ છે. આજે કોઈને કઈ કામ નથી કરવાનું. બપોરનું ભોજન લઈને બધાએ છુટા પડવાનું હતું. અમે જમીને પાછા ઘેર પહોચ્યાં ત્યારે ત્રણ વાગી ગયા હતા. પાર્ટીમાં એક સ્ત્રીનો ચહેરો વારંવાર નજર સામે તારી આવતો હતો. એ ચહેરો જાણે દામીનીનો જ હોય એવું મને લાગતું હતું. એને કદાચ હમણાં જ જોઈન કર્યું હશે, મહિના પહેલા તો એ ન્હોતી. બીજા દિવસનો હું આતુરતાથી રાહ જોઈ રહ્યો, અને બધાથી પહેલાં ઓફીસ પહોચી ગયો. બધી ટેબલો એક પછી એક ભરાવા લાગી અને મારા ઇન્તઝારનો પણ અંત આવ્યો. એ પણ આવી જેના વિચારમાં હું કાલથી ડૂબેલો હતો.મે વિનીતને ડાયરેક્ટ જ પૂછી લીધું કે આ કોણ છે…તો વિનીતે તરત એને બોલાવી અને મારો પરિચય કરાવ્યો. એનું નામ કાંચી,એણે આવીને સ્માઈલ કર્યું, એના ગાલ પર પડતાં ખંજને મને પાંત્રીસ વર્ષ પહેલાનાં ભૂતકાળમાં ડૂબાડી દીધો. એ જ ભૂરી આંખો અને એવો જ ચહેરાનો ઘાટ..
હમણાં હમણાં કોલેજના દિવસોમાં જ જાણે જીવતો હોઉં એવું લાગતું હતું. મારી કેબીનમાંથી હું કાંચીનો ચહેરો આરામથી જોઈ શકતો. જાણે કે હું કોલેજના રૂમમાં જ બેઠો છું એને તાકતો..ફરક માત્ર એટલો હતો કે એ મને વળીને જોતી ન્હોતી. કોલેજમાં હું હમેશા છેલ્લેથી બીજી બેન્ચમાં બેસતો અને દામિની પહેલી બેન્ચમાં. હું પાછળ એટલે જ બેસતો કે એને આરામથી જોઈ શકાય અને કોઈને શક પણ ન જાય, ત્યારે ખુબ ડર લાગતો કે કોઈ મને દામીનીને જોતો જોઈ જશે અને બધાને ખબર પડી જશે…એ તો પડવાની જ હતી, પ્રેમ કઈ છુપાયો છુપે છે ક્યાં…? એ પણ મને કોઈને કોઈ બહાને પાછળ જોઈ લેતી. એની ભૂરી ભૂરી ચમકતી આંખોમાં હંમેશા અગમ્ય ભાવો રહેતાં અને હોઠો પર સ્મિત.શરૂઆતમાં મને ડાઉટ હતો કે મારા સામે જુવે છે કે કેમ…?
છ મહિના થઈ ગયા કાન્ચીની સર્વિસને….. હું ફરીથી વીસ વર્ષનો જુવાન થઈ ગયો હોઉં એવું લાગતું હતું. કાન્ચીને બસ જોઈ રહેવામાં મજા આવતી.જયારે જયારે કાંચી સાથે નજર મળી જતી ત્યારે તેણીએ મને ચોરી કરતાં પકડી પાડ્યો હોય એવું લાગતું. હું તરત નજર ફેરવી લેતો. શાયદ એ પણ એવું માનતી હશે કે હું એને લાઈન મારું છું. પણ મારો એવો કોઈ બદઈરાદો નહોતો. હું તો શાંત કાંચીમાં રમતિયાળ દામિની શોધતો રહેતો. મને એમ થતું કે મારે કાંચી સાથે ખુલ્લા મને એકવખત વાત કરવી જોઈએ. કાંચી મારે ત્યાં નોકરી કરતી હતી પણ જાણે હું તેને આધીન થઈ ગયો હોઉં એવું લાગતું. કોઈ ફાઈલ જોઈતી હોય તો કાંચીને કેબીનમાં બોલાવવા કરતાં હું જાતે જ તેની પાસેથી લઇ આવતો અને એ ફરિયાદી સુરે કહેતી સર મને કહ્યું હોત હું આપી જાત….
દિવાળીના દિવસો આવી ગયા હતા અને લાભપાંચમ સુધી કામકાજ બંધ હતું. દરવર્ષની જેમ આ વર્ષે પણ વિનીતે બધા સ્ટાફને રિસોર્ટમાં પાર્ટી આપવાનું નક્કી કર્યું અને એક રિસોર્ટ બે દિવસ માટે બુક કરાવ્યો. અમે પચ્ચીસ જણા હતાં. પહેલા દિવસે બપોર સુધી કામકાજ અંગે ચર્ચા કરી અને બપોર પછી જેને જે રમવું હોય ટેબલ ટેનીસ, બેડ મીન્ટન, વોલીબોલ, ક્રિકેટ… કાંચી સાથે શું વાત કરવી એજ અવઢવમાં સાંજ થઈ ગઈ.રાત્રે બરાબર ઊંધી પણ ના શક્યો. સૂતાં પહેલાં પાકો નિર્ણય કરી લીધો કે ગમે તે થાય કાલે કાંચી સાથે વાત કરીને જ રહીશ….મારે ક્યાં કઈ ખોટું કરવું છે કે હું ડરી રહ્યો છું. સવારે ઉઠવામાં મોડું થઈ ગયું. બધા નાસ્તો કરી રહ્યાં હતાં..ફક્ત વિનીત મારી રાહ જોઈને બેઠો હતો. હું હોલમાં દાખલ થયોને વિનીતે નાસ્તાની બે પ્લેટો તૈયાર કરાવી. હવે અહીં કોઈ ચાન્સ નહોતો, કાંચી નાસ્તો કરીને ચાલી ગઈ હતી. અમે પણ નાસ્તો કરી સામાન્ય ચર્ચા કરી નીકળ્યા. બધા સમોવડિયા હતાં, ઉમરમાં હું જ એક મોટો હતો. બધા લોકો લગભગ વોલીબોલ કોર્ટ પર હતા. હું મારા કોલેજકાળની પ્રિય રમત કેરમને શોધતો ઇન્ડોર સ્ટેડિયમમાં પહોચ્યો. ત્યાં જઈને જોયું તો ત્રણ છોકરીઓ કેરમ રમતી હતી અને એમાં કાંચી પણ હતી. મને જોયો એટલે એમાંની એકે કહ્યું સર ચલો કેરમ રમો…અને હું પણ કાન્ચીની સામેની ખાલી જગા પર બેસી ગયો….અને પછી કોલેજકાળની સ્મૃતિ તરવરી રહી…કોલેજના પ્રથમ વર્ષથી જ હું અને દામિની જોડીદાર થતાં અને જીતતાં. આ સીલસીલો ત્રણેય વર્ષ ચાલ્યો. હું ઘણાં વરસો પછી કેરમ રમી રહ્યો હતો. કાંચી સારું રમી રહી હતી જાણે દામિની જ જોઈ લ્યો…થોડીવાર રમ્યા પછી એમાંની એકે વોલીબોલ કોર્ટ પર જવાની વાત કરી, ને ત્રણેય જવા તૈયાર પણ થઈ ગઈ. ત્યારે મે કાંચીને મારી સાથે થોડીવાર રમવા કહ્યું અને તે સંમત થઈ…તે દરમિયાન મે કાંચીને કહ્યું કે મારે તારી સાથે વાત કરવી છે. તો તેને કહ્યું અરે સર તમે તો વડીલ કહેવાઓ કહો જે કહેવું હોય તે,,,હજુ વધુ વિશ્વાસમાં લેવા મેં કહ્યું, તું કોઈને ના કહે તો જ……તો તેને સ્મિત કરતાં કહ્યું કોઈને નહી કહું બસ, મારા પર વિશ્વાસ રાખી શકો છો..મે જરા ખચકાતાં કહ્યું, જો કાંચી, હું તારા પપ્પાની ઉમરનો હોઈશ , કહેતા શર્મ પણ આવે છે. પણ પણ સાંભળ મારે આજ કહેવું જ છે, કે તું મારી પ્રેયસી જેવી દેખાય છે અદ્દલ એના જેવી જ. છેલ્લાં છ આઠ મહિનામાં તે મારી નજરનો ત્રાસ સહન કર્યો છે તને કામ કરવામાં તકલીફ પણ થઈ હશે મને માફ કરી દે પ્લીઝ…અરે સર તમારે માફી ન માંગવાની હોય અને તમે કહ્યું તેમ પિતાતુલ્ય તો છો જ…હા એ છે કે થોડો ડર લાગતો તમારી નજરથી. લાગે છે તમે એને સાચો પ્રેમ કર્યો છે…? કાંચીએ વળતો પ્રશ્ન કર્યો… હા અમે કોલેજના પ્રથમ વર્ષથી જ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતાં. એ વર્ષો જીવનનાં સૌથી મહત્વના અને રોમાંચક હતાં. તને કંટાળો ના આવે તો કહું….ના રે સર…. મને તો ખુશી થશે તમારી સ્ટોરી સાંભળવાની. પછી મેં કાંચીને ટૂંકમાં બધું કહ્યું..કાંચીએ પૂછ્યું સર એનું નામ શું હતું અને તે ક્યાં ગામનાં હતાં..? એનું નામ દામિની અને એ વડોદરાની હતી અમદાવાદ મામાનાં ઘરે રહીને એ ભણતી હતી…મારો જવાબ સાંભળીને કાંચી જરા ચોંકી હતી. થોડીવાર પછી અમે પણ સ્વીમીંગપુલ તરફ ગયાં.
સ્વીમીંગપુલ પાસે એક છત્રી નીચે આરામ ખુરશી હતી મેં તેના પર લંબાવ્યું. આંખો મીંચીને હું પહોંચી ગયો કોલેજના દિવસોમાં……એ દિવસોમાં, સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. દામિનીએ બધી રમતોમાં નામ લખાવ્યું હતું…મેં તો કોઈ રમતમાં નામ ન્હોતું લખાવ્યું. અમે બધા મિત્રો બેઠા હતાં અને એણે અચાનક જ પૂછ્યું કે કેરમમાં મારો જોડીદાર થઈશ…? મેં વિના વિલંબે હા તો કરી દીધી પણ કેરમમાં જરા પણ ફાવટ ન હતી.તે છતાં અમે રમ્યાં, જીત્યાં અને ત્રણેય વર્ષ જીત્યાં. તે સ્પર્ધાના દિવસે જ તેણે મને પૂછેલું કે,મારા જીવનમાં ય જોડીદાર થઈશ..? અને મારી ખુશીનો પાર ન હતો. એકવખત કોલેજ તરફથી અમારે છ જણને સુરતમાં સાયન્સ ફેર જવાનું હતું. સવારની સાત વાગ્યાની ટ્રેનમાં અમારી સીટિંગ ક્લાસની ટીકીટ રિઝર્વ હતી. હું બારી પાસે બેઠો હતો, મારી બાજુમાં દામિની આંખો બંધ કરીને બેઠી હતી. હું બારી બહાર સરકતાં દ્રશ્યો જોઈ રહ્યો હતો. હળવેકથી દામિનીએ મારો હાથ પકડ્યો અને બસ પકડી રાખ્યો. દસ મિનીટ એમને એમ વહી ગઈ. ધીરેથી એણે આંખો ખોલીને મને પૂછ્યું, તું મને કિસ કરી શકે, અહીં અત્યારે જ…? હું નિરુત્તર એની સામે ફક્ત જોતો રહ્યો. એણે કહ્યું, કેમ તારી ફાટે છે..? મેં માથું નમાવીને હા કહી. દામિનીની મારા હાથની પકડ ટાઈટ થઈ અને એજ ક્ષણે તેણે મને કિસ કરી. એની આંખો બંધ હતી અને મારી આંખો ફાટી ગયેલી. આજેય એ વિચારે મારા ચહેરા પર સ્મિત આવી ગયું.
ઓફીસનું કામ રાબેતા મુજબ ચાલતું હતું. હવે મને જાણે કાંચીને જોઈ રહેવાનું લાઈસન્સ મળી ગયું હતું. જયારે પણ નજર મળતી એ અચૂક સ્માઈલ આપતી. એક દિવસ કાંચીએ મને કહ્યું સર ચલો આપણે મુવી જોવા જઈએ. પહેલી વખત અમે ઓફિસની બહાર મળ્યાં. સર મને કોઈ મુવી નથી જોવું તમારી સાથે થોડી વાત કરવી છે. મને પૂછવું છે કે બધું બરાબર હતું તો તમારાં લગ્ન દામિની સાથે કેમ ન થઈ શક્યાં…? કહીશ પછી ક્યારેક કહીને મેં જવાબ આપવાનું ટાળ્યું…તમને દામિની ફરી મળે તો તમે એની સાથે લગ્ન કરો ખરા…? આજે કાંચી, દામીનીનો પીછો છોડે એમ નથી લાગતું…મેં કહ્યું મારી મરજી હશે તો શું એ લગ્ન કરી લેશે એમ..? મને ખબર છે એ પણ પરણેલી છે….તો કાંચીએ કહ્યું હું એટલા માટે કહું છું કે હું દામિનીને હું બરાબર ઓળખું છું….એ મારી મમ્મી છે. એ એકલી થઈ ગઈ છે જીવનમાં..મારા પપ્પા દસ વર્ષ પહેલાં દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. કાંચીની આંખોમાં આંસુની એક ટશર ફૂટી નીકળી. કાલે મારો બર્થડે છે, તમને મારા ઘરે આવવું પડેશે. હું નથી ઇચ્છતી કે તમે બંને એકલાં એકલાં જીવો. કાન્ચીની વાત સાંભળીને દિલના તાર ઝણઝણી ગયા…પારાવાર દુઃખ થયું….મનમાં એક આશાનું કિરણ પણ ફૂટ્યું. અને મેં કાલે દામિનીને મળવાનું નક્કી કર્યું.
-ચંદ્રકાંત માનાણી (૩૦/૦૪/૨૦૧૩)