તમે

વરસોથી પ્રેમ છૂપાવીને ફરો છો તમે,
હજુ ક્યારે કહેશો મને કે પ્રેમ કરો છો તમે.

બધા દોસ્તો એ કહ્યું નથી શોભતું આ સર્ટ તને,
કોઈએ કહ્યું ‘તું, સફેદ કલર પસંદ કરો છો તમે.

અમસ્તા ય તમે એટલાં સુંદર દેખાવ છો,
રોજરોજ તો પછી શણગાર કાં કરો છો તમે?

કેટલાયને મે મારી આંખે રડતા જોયા છે,
જ્યારે મારી સાથે હસતાં ફરો છો તમે.

દિલ હજુ ય ચૂકી જાય છે ધડકવાનું,
જ્યારે ઝૂકેલી નજર ઊંચી કરો છો તમે.

-ચંદ્રકાંત માનાણી

Advertisements

નીકળશે

જ્યારે હ્રદયને ખોલવાની વાત નીકળશે
તારું નામ નીકળશે તારી વાત નીકળશે

હું પણ કેદમાંથી છૂટીને ઉડી જઈશ
લાંબી રાત પછી જ્યારે પ્રભાત નીકળશે

પૂરા થયા પછીય એ પૂરા થતા નથી
બીજા સંબંધની ત્યાં શરૂઆત નીકળશે

હું સૂતો હોઈશ ચિતા પર આરામથી
ધુમાડા નીકળશે અને ચાહત નીકળશે

– ચંદ્રકાંત માનાણી

એક વસ્તુ એની પાસેથી માંગી દે,

એક વસ્તુ એની પાસેથી માંગી દે,
મારી યાદ એના દિલમાંથી કાઢી દે.

કાલે દોસ્તના લગનમાં જવું છે,
માં, કપડાંની એક જોડ લાવી દે.

એક ઈચ્છા રોજ જન્મી ને મરે છે,
કોઈ પેપરમાં આ ખબર છાપી દે.

જ્યાં સુધી સારી છે ત્યાં સુધી રાખ,
જેવી દાનત બગડે કચરામા નાખી દે.

અગર તે કોઈ બીજાને આપી દીધાં,
એ વચનો મારાં મને પાછા લાવી દે.

-ચંદ્રકાંત માનાણી

 

કેટલા દિ’

જીવનથી ફરિયાદ નહીં કરું કેટલા દિ’
એની એ જ વાત સમજાવીશ કેટલા દિ’

તારી આંખો છલોછલ ભરેલું તળાવ છે,
આંસુને છલકતાં અટકાવીશ કેટલા દિ’

રોજ એક નિર્ધાર કરું છું ને વિચારું છું,
તને ક્યારેય યાદ નહીં કરું કેટલા દિ’

સડવા માંડે એની દુર્ગંધ છૂપાવી ન શકાય,
મારી નિયતને છૂપાવીશ હું કેટલા દિ’

સૂરજની જેમ નીકળીશ રોજ પૃથ્વી પર,
પછી જોઈએ તુ મને નહીં મળીશ કેટલા દિ’

બહાર નીકળી જવા મથતા શ્વાસને,
તું પાછા અંદર ખેંચ્યા કરીશ કેટલા દિ’

-ચંદ્રકાંત માનાણી

એવું મિલન જોઈએ

ગઝલ સારી લખવી હોય તો શું જોઈએ,
ખુશી ઘણી  હોય ભલે એકાદ આંસુ જોઈએ.

ગમતું સુખ મળે નહીં તો ગમતું દુ:ખ ચૂનજે,
મરજી તારી જ ચાલે એવું જીવન જોઈએ.

રડતી આંખ ભાળી ભલે આંસુ લૂછે નહીં,
રડતાં દિલને સમજી લે એવું સ્વજન જોઈએ.

વિરહની વેદનામાં તડપી રાધાએ કહ્યું’તું,
જુદાઈ જેમાં હોય નહીં એવું મિલન જોઈએ.
image

-ચંદ્રકાંત માનાણી

બંધ કર

ખોટું ખોટું ખુશામતિયું હસવાનું બંધ કર,
વારે વારે દુખડું તારું રડવાનું બંધ કર.

હડકાયા કૂતરાનો અંજામ તું જાણી લેજે,
વાતે વાતે સૌને આમ કરડવાનું બંધ કર.

મંદિરે જઈને પ્રભુ ભજ એટલું બસ નથી,
માવતરની અવગણના કરવાનું બંધ કર.

ધ્યેય તારો સિદ્ધ કરી બતાવ બીજું કઈ નહીં,
આમ કરીશ તેમ કરીશ વાગવાનું બંધ કર.

જન્મ સાથે જ જન્મી ગયું છે મરણ પણ,
એટલે જ મોતના ભયથી ડરવાનું બંધ કર.

-ચંદ્રકાંત માનાણી

ફૂલની વ્યથા

પાંનામાં ભીંસાઈ હાડપિંજર બની રહી ગયું,
પુસ્તકમાં એ પ્રેમીના ઈઝહાર બની રહી ગયું.

આંખમાં આંસુની સાથે મને કબર પર મૂક્યું,
કોઈના મૂંગા આક્રંદનું સાક્ષી બની રહી ગયું.

નેતાઓ શહીદને શ્રધ્ધા સુમન આપી રહ્યા,
નેતાઓનાં વોટોનું સ્વાર્થ બની રહી ગયું.

હું પરણતું હોઉં એવી ખુશી રહી ફકત,
વર-વધુની માળાની શોભા બની રહી ગયું.

ન્હોતી ખબર સુખ આટલું ક્ષણિક હોઈ શકે,
દેવ ચરણે ચઢી કચરો બની રહી ગયું.

-ચંદ્રકાંત માનાણી