હમણાં હમણાં

રાત-રાતભર નથી જાગતો હમણાં હમણાં,
હું તને યાદ નથી આવતો હમણાં હમણાં.

જ્યારથી તારા મેસેજ બંધ થયા છે,
હું ઓનલાઇન નથી થાતો હમણાં હમણાં.

સતત એક સ્મિત ચહેરા પર રહે છે,
હું કોઈને નથી સમજાતો હમણાં હમણાં.

રસ્તે ઝઘડતા લોકોને જોઈ રહું છું ફક્ત,
હું એને નથી સમજાવતો હમણાં હમણાં

ખિસ્સામાં ચિલ્લર રાખવા લાગ્યો તો,
એ ભિખારી નથી મળતો હમણાં હમણાં

ચિંથરેહાલ છતાં આનંદિત રહેતો હમેશાં,
એ પાગલ નથી હસતો હમણાં હમણાં.

દૂર બેઠી સ્મિત આપી રહી છે કિસ્મત,
ને હું ભાવ નથી આપતો હમણાં હમણાં.

-ચંદ્રકાંત માનાણી

કોલેજની યાદો

colકોઈ એક ફોટો કેટલી યાદો સાચવી શકે છે વાહ,. ઉપરનો ફોટો ભુજની કોમર્સ કોલેજની લાઈબ્રેરીનો છે. કોલેજમાં લાઈબ્રેરી છે એવું જાણીને હું ખુબ ખુશ થયેલો. વિથોણની લાઈબ્રેરી પછી આ લાઇબ્રેરીનો નંબર આવે પુસ્તકો વાંચવા આપવામાં. આ જ લાઈબ્રેરીમાં હું ઉલ્લુ બન્યો હતો અને એની જાણ મને કોલેજ પૂરી થયા પછી બે-ચાર વર્ષે પડેલી. ઉપરના ફોટોમાં પાઠક સાહેબ છે જે લાઈબ્રેરી સાચવતા, પુસ્તકો કાઢી આપતા. નાકની અણી પર કાયમ ચશ્માં રહેતાં, માથાપર વિગ દેખાઈ આવતી, કાયમ વિદ્યાર્થીઓની મદદમાં હજાર રહેતા. બસ હું એમનો ફેન થઈ ગયેલો. ત્રણ વર્ષ દરમિયાન મેં ક્યારેય એને ગુસ્સે થયેલા નહોતા જોયા, અને એમનું કાર્ય એ નિષ્ઠાથી કરતા. ક્યારેક વિદ્યાર્થી વધુ હોય અને કોઈ કહે સાહેબ મને આ પુસ્તક જોઈએ છે, તો એનો જવાબ લગભગ ફીક્ષ જ હતો, “ હા, કાઢી આપું હો”… અવાજમાં ક્યારેય અણગમો ન સંભળાતો….એને કહેવાની હિંમત ન ચાલી કે સાહેબ તમારી સાથે એક ફોટો જોઈએ એટલે આવી રીતે એક ફોટો લઇ લીધો. ફોટોમાં એક છોકરી છે જેને આસમાની ડ્રેસ પર સફેદ કોટ પહેર્યો છે. એનું નામ મને ખબર નથી. કોલેજમાં ત્યારે યુવા મહોત્સવ કે એવું કઈક હતું. અમે ત્રીજા વર્ષમાં હતા. મેં નિબંધ સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા, ગાયન, વક્તૃત્વ સ્પર્ધા,૧૦૦,૪૦૦ અને ૧૫૦૦ મીટર દોડ, ત્રિપલ જંપ, લાંબી કુદમાં ભાગ લીધો હતો. ગાયન, વક્તૃત્વ,૧૦૦ મીટર દોડ, ત્રિપલ જંપ, લાંબી કુદમાં આપડો નંબર ન આવ્યો. હું નિબંધ લખીને આવ્યો અને જ્યાં ગાયન સ્પર્ધા ચાલી રહી હતી ત્યાં પહોચ્યો અને તરત પછી કાવ્ય લખવા જવું હતું. કલાસરૂમમાં ગઢવી સાહેબ બેઠા હતા. આશરે પચીસેક સ્પર્ધકો હતા. હું ક્લાસમાં દાખલ થયો કે ગઢવી સાહેબે સ્વાગત કર્યું, આવો રાજાના કુંવર તમારી જ રાહ જોતા હતા..બધા હસે છે. કારણ કે હું મોડો પડ્યો હતો. ગઢવી સાહેબ મને સૌથી પ્રિય હતા. તેના આમ કહેવાથી મને જરાય ખરાબ ન્હોતું લાગ્યું. બે-ત્રણ વિદ્યાર્થીઓ ગીત ગાઈ લીધું હતું. એમાંથી એક એ આસમાની ડ્રેસવાળી છોકરી પણ હતી. એમને એક હિન્દી ગઝલ ગાઈ હતી….”રાઝકી બાત કહે ગયા ચહેરા..,,એ ગઝલ મને ખુબ ગમી હતી.. પછી મેં ગઢવી સાહેબને કહ્યું સાહેબ હું આવું..? મારે કાવ્ય લખવા પણ જવું છે. તો મને પરમીસન મળ્યું અને મેં ત્યારે મારા ભયંકર અવાજમાં દિલ હે તુમ્હારા ફિલ્મનું ગીત ચાહે ઝુબાંસે કુછ ના કહો ગાયું હતું. ગીત સાંભળ્યા પછી ગઢવી સાહેબે કહ્યું,” ચંદરિયા( એ મને ચંદરિયા કહેતા), તું જઈ શકે છે અને હાં, મારો કયો નંબર આવ્યો એવું ન પૂછતો..સાહેબની આ જ ભાષા હતી, મને ગમતી હતી.કોલેજનો પહેલો દિવસ હું ક્યારેય નહી ભૂલી શકું, જયારે ગઢવી સાહેબ બધા ક્લાસમાં મારી શોધ કરી આવેલા. મને શોધીને કહ્યું હતું કે તારે વોલીબોલ ટીમ તૈયાર કરવી છે, મને મળજે ક્લાસ પછી. સાહેબને ઘૂંટણમાં તકલીફ હતી. ચાલતા ત્યારે જમણી અને ડાબી તરફ જુકી જતા. બહુ ધીરે ધીરે ચાલી શકતા. એનો અવાજ એકદમ પહાડી. ક્યારેય માઈકની જરૂર ન પડતી. એનાં નીડર અવાજમાં આત્મવિશ્વાસ જળકતો. અમે ખંભાત રમવા જઈ રહ્યા હતા. ભુજ -ખંભાત બસમાં હું એની સાથે બેઠો હતો, એ વિન્ડો તરફ હતા. દિવસની મુસાફરી હતી. છેલેથી ચોથી સીટ પર અમે બેઠા હતા. આગળની સીટ પરથી કોઈ બહાર કોઈ થુક્યું અને થોડા છાંટા અમે પણ અનુભવ્યા. એક પલનોય વિલંબ કર્યા વગર ગઢવી સાહેબે જોરથી કહ્યુંતુ કોણ છે નાલાયક થુંકે છે બારી બહાર. અને પછીથી શાંતિ થઈ ગઈ હતી. કોલેજનાં બીજા વર્ષે વોલીબોલની ટીમ ફાઈનલ કરી લીધા પછી સાહેબ ક્રિકેટના ગ્રાઉન્ડ પર જઈ રહ્યા હતા. હું એમની સાથે ત્યાં ગયો હતો અને રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તો એને કહ્યું હતું કાલે વાઈટ પેન્ટ અને શર્ટમાં આવી જજે પ્રેક્ટીસ કરવા. હું ગયેલો, પણ ત્યાતો ટીમ પહેલેથી ફીક્ષ થઈ ગયેલી હતી. એક બાપુએ મને કહેલું જો મને વોલીબોલ ટીમમાં લઈશ તો જ તારું સિલેક્શન થશે. મે કહ્યું હતું તું રોજ પ્રેકટીશ કરવા આવીશ તો કરીશ. તો બાપુ કહે મારે રમતા નથી આવડતું મને તો ખાલી ફરવા આવું છે ટીમ સાથે…મે કહેલું તો બાપુ તારું સિલેક્શન નહી થાય તો એને કહ્યું તારું સિલેક્શન પણ નહી થાય. બીજા દિવસથી હું ક્રિકેટ રમવા ના ગયો. ત્રીજા વર્ષે સાહેબ કહેતા હતા બે વર્ષ પછી હું રીટાયર થવાનો છું. ત્રણ વર્ષ અમે ટીમ લઇ ગયા પણ એક વખત પણ ફાઈનલ ના જીતી શક્યા. ત્રીજા વર્ષે સાહેબે મને કહ્યું હતું કે જો તું યુનિવર્સીટી ટીમ માટે સિલેક્ટ થઈશ તો તને હું ટ્રેક-સુટ અપાવીશ. ત્રીજા વર્ષે ટીમે સારું પ્રદર્શન કર્યું હતું અને હું સિલેક્ટ પણ થયો હતો પણ સાહેબે એનો વાયદો પુરો ન કર્યો બસ એ એક જ મીઠી ફરિયાદ રહી. મિસ યુ શ્રી એ બી ગઢવી સાહેબ.

વતનની યાદ

પરદેશમાં વસનારાને વતનથી અનેરો લગાવ કેમ હોય છે. આનો જવાબ વ્યક્તિગત હોઈ શકે..અહીં વતન એટલે ગામની વાત છે જ્યાં બાલપણ વિતાવ્યું હોય. વતનની યાદ સાથે જીવવાની એક મજા છે. જો તમે વતનમાં જ રહેતા હશો તો આ લહાવો તમને નહીં મળે. વતન છોડતાં સમયે ખ્યાલ નથી હોતો કે વતનની યાદ આટલી યાતનાઓ આપશે…સ્કૂલના દિવસો, કોલેજના દિવસો, રખડપટ્ટીના દિવસો, મંદિરે જવાની મજા, સાંજની એ આરતી, લાયબ્રેરી, રમતનું મેદાન, ફળિયાની ગલીઓ, ભૂકંપમાં પડી ગયેલું એ ઘર, ગામના ઉત્સવો, વિથોણીયો ડૂંગર…બધાં ભેગાં મળીને જાણે ખેંચી રહ્યાં છે. વતન શું છે, એની માટીની સોડમમાં શું જાદુ છે, ગામમાં પડતા પહેલા વરસાદમાં પલળવાની શું મજા છે એ વર્ણવી શકવું મુશ્કેલ છે. એ જીવન હવે યાદ કરું છું તો એવું લાગે છે જાણે એ જીવન, એ ગામનું જીવન ગયા જન્મની વાત હોય. જ્યારે પણ વિથોણ જાઉં છું ત્યારે એવું લાગે છે જાણે ગયા જનમના જીવનમાં પહોંચી ગયો છું. વતન સાથેનું વળગણ મરતાં સુધી ટૂટશે નહીં. વતનની યાદને પ્રેમિકાની યાદ સાથે સરખાવી શકાય. લગન પછી જેમ પ્રેમીની યાદ સતાવે એમ વતનથી દૂર રહેનારાને વતનની યાદ તડપાવે છે.

કબીરવાણી : ઓશો

જો દેખે સો કહે નહિ, કહે સો દેખે નહિ,
સુને સો સમજાવે નહિ, રસના દ્રગ શ્રુતિ કાહી.

-કબીર

આ વચનનો અર્થ છે : આંખો દેખે છે અને આંખો જે જુએ છે તે બોલતી નથી.જીભ બોલે છે પણ જીભે જોયું નથી.કાન સાંભળે છે અને કાન સમજાવી નથી શકતા. તો આ આંખ, કાન,નાક- આ બધી ઇન્દ્રીઓ કેવી રીતે સંયુક્ત થાય છે ? આંખ દેખે છે, કાન સાંભળે છે, જીભ બોલે છે, ક્યાંક અંદર કોઈ એક કેન્દ્ર પર આ બધાં મળી જતાં હોવાં જોઈએ, નહીતર આ સંભવિત જ ન થવા પામે.

હું બોલી રહ્યો છું, આપ કાનથી તો સંભાળી રહ્યા છો અને આંખથી જોઈ રહ્યા છો, પરંતુ અંદર ક્યાંક બંને મળી જાય છે અને આપણે લાગે છે કે એ જ માણસ બોલી રહ્યો છે જેને આપણે જોઈ રહ્યા છીએ. આંખ અને કાન પોતાના અનુભવને જઈને અંદર ક્યાંક કોઈ એક કેન્દ્ર પર ઠાલવી નાખે છે, જ્યાં મિલન થઈ જાય છે – એ જ ઇન્દ્રિયોની અંદર છુપાયેલો છે પુરુષ, એ જ ચૈતન્ય છે, ચેતના છે, આત્મા છે.

ઇન્દ્રીઓ પોતે પોતાનામાં તો કઈ પણ નથી કરી શકતી. જે દિવસે અંદરનું પક્ષી ઊડી જાય છે, આંખ બિલકુલ બરાબર હોય છે, પરંતુ જોઈ નથી શકતી, કાન બરાબર હોય છે પણ સાંભળી નથી શકતો, હોઠ બિલકુલ બરાબર હોય છે પણ બોલી નથી શકતા. એ જે જોડનારો હતો એ તો ચાલ્યો ગયો. જેના કારણે આ બધાં જોડાયેલા હતાં એક સેતુરૂપે, તે સેતુ વિખરાઈ ગયો.

જે રીતે માળાના મણકા છે, અને અંદર એક દોરો છે, દેખાતો નથી, પણ એ જ આધાર છે. દોરો તૂટ્યો અને મણકા વિખરાઈ ગયા.ઇન્દ્રિયો મણકા જેવી છે, આત્મા દોરા જેવો છે – એ જ એને સંભાળી રાખે છે. અને તમે નોકરોની પાછળ ચાલી રહ્યા છો અને માલિકની તમને ખબર જ નથી. ઇન્દ્રીઓ તો બિલકુલ અસહાય છે, કોઈ બીજાને કારણે તેમનામાં જ્યોતિ છે, કોઈ બીજાને કારણ જીવન છે, કોઈ બીજાને કારણ શક્તિ છે, કોઈ બીજું જ અસલી માલિક છે, જે અંદર છુપાયેલો છે. તે દેખાતો નથી, તે માળાના મણકાઓમાં દોરાની જેમ અનુસ્યૂત છે. માળાના મણકા દેખાય છે. બધાં મણકા વિખરાઈ જશે, એક ક્ષણ પણ નહિ લાગે, જયારે અંદરનું પક્ષી ઊડી જશે.

તો કબીર કહે છે : જો દેખે સો કહે નહિ, કહે સો દેખે નહિ, સુને સો સમજાવે નહિ, રસના દ્રગ શ્રુતિ કાહી. અર્થાત જે જુએ છે તે કહેતું નથી, જે કહે છે તે જોતું નથી. જે સાંભળે છે તે સમજાવતું નથી. એ રીતે જીભ, કાન, આંખની સ્થિતિ છે. એનો ઉપયોગ શો છે ? તમે શા માટે એમની પાછળ પાગલ છો ? તમે ફિકર કરો જેની સેવામાં આ બધી ઇન્દ્રીઓ રત છે. માલિકને શોધો. એ જ આત્મા છે.

“કબીરવાણી-ઓશો” પુસ્તકમાંથી સાભાર.

શોર્ટ સ્ટોરી-૧૦

Short Story-10

હા એ સંજના જ હતી. એક જમાનો હતો એક સંજના હતી ને હું એનો દિવાનો હતો. કોલેજમાં હું વનસાઈડેડ પ્રેમ કરતોતો. એને ખબર હતી અને એ રાહુલને ચાહતી હતી. એ સાચું છે કે કોલેજના ત્રણ વર્ષ મેં એની પાછળ ફિલ્ડિંગ ભરી પણ કોલેજ પછી ના એ મળી ના મેં એની પરવા કરી. એક ખૂબસૂરત સ્વપ્ન સમજી એને યાદ કરતો ક્યારેક. પણ આમ અચાનક એ પાંચ વર્ષ પછી બુક ફેસ્ટિવલમાં મળશે એ વાત કલ્પનાની બાર છે. અમારી નજર મળી અને સ્મિતની આપલે થઈ. બે બુક હાથમાં લઈ એ મારી તરફ આવી રહી હતી. હું સ્વસ્થતાથી એને જોઈ રહ્યો હતો.

સંજના : હાય શેખર, હાઉ આર યુ,

હું : એકદમ ઓકે..તું પુસ્તકોની દુશ્મન અહીં શું કરે છે?

સંજના : હવે થોડું અમે પણ વાચી લઈએ સમય મલ્યે..

હું : સારું

સંજના : તારી નોવેલનું શું થયું ?

હું : અધૂરી જ છોડી દીધી

સંજના : કેમ

હું : બસ એમ જ…કોલેજ પૂરી કરી અને એ બધું છોડી દીધું. ..એ તો ફકત તને ઈમ્પ્રેસ કરવા માટે લખતો હતો બાકી આપણને એવું બધું ન ફાવે…

સંજના : એમ,..બીજું શું કરતો મને ઈમ્પ્રેસ કરવા…?

હું : બધું તને ઈમ્પ્રેસ કરવા જ હતું પણ સાલી તું તો ભાવ જ નોતી આપતી. પણ હવે ખબર પડી કે આપણે કોઈને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં આપણે એને અજાણતાં જ છેતરતાં હોઈએ છીએ..

સંજના : હું સમજી નઈ..

હું : ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં આપણે જે નથી હોતા એ દેખાવાની કોશિશ કરીએ છીએ. અને ભવિષ્યની તકલીફોને આમંત્રણ આપીએ છીએ.

સંજના : તો હવે…

હું : તો હવે હું જેવો છું એવો જ રહેવા ટ્રાય કરું છું. કોઈનેય ઈમ્પ્રેસ કરવાનું છોડી દીધું છે અને ઓરિજિનલ જીવન જીવવાની મજા લઈ રહ્યો છું.

સંજના : શેખર એક વાત પુંછું..

હું : બોલ

સંજના : મારા પર ગુસ્સો આવતો હશે ને કોલેજમાં હતાં ત્યારે

હું : ગુસ્સો તો નહીં પણ રાહુલની અદેખાઈ આવતી અને વિચાર આવતો કે કેટલો નશીબદાર છે રાહુલ..

સંજના : હજી ચાહે છે મને..?

હું : હા, પણ..

સંજના : પણ શું ?

હું : હા હું ચાહું છું એ સંજનાને, જે મારી કોલેજમાં હતી. હા એ તું જ હતી.

સંજના : એનો મતલબ હવે નથી ચાહતો…

હું : ના ચાહું છું પણ એ જ સંજનાને જે કોલેજમાં હતી. પ્રેમ જાણે એ સમયમાં અટકી ગયો છે. હું આગળ નીકળી આવ્યો છું. સમય એનું કામ ચૂકતો નથી વહી રહ્યો છે. હવે એ બધું નકામું લાગે છે અને ત્યારે એ જ ઉધામા જ બધું હતું.

સંજના : વાહ તારામાં સારો બદલાવ આવ્યો છે. જાઉં ત્યારે, ફરી મળશું…બાય.

હું : બાય.

એના ગયા પછી થોડીવાર ત્યાં જ ઊભો રહ્યો. વિચારતો રહ્યો કેટલો બદલાઈ ગયો છું હું. એક સમય જેને હું મારું જીવન માનતો હતો એ હમણાં જ મળીને ગઈ છે છતાં દિલમાં કોઈ હલચલ નથી. આવી સ્થિરતા એ ક્યાંથી શીખ્યું. શું ખરેખર એ પ્રેમ હતો જે હું એને કરતો હતો કે ફકત એક મહત્વાકાંક્ષા કે રાહુલ સાથેની હરીફાઈ. એ પણ સાચું છે કે એના માટે જે ફિલિંગ્સ હતી તેવી બીજી કોઈ માટે નથી થઈ. એના માટે કદી કોઈ ખરાબ વિચાર ન્હોતો આવ્યો. બીજી કોઈ ખૂબસુરત છોકરી જોતો તો આંખો સ્કેનરનું કામ કરતી અને આગળના કેટલાય વિચારો ઝબકી જતા…કોઈ સંજનાને જોઈને ભદ્દી કોમેન્ટ કરતા કે એને જોઈ રહેતા તો હું અંદરને અંદર સળગી જતો. એ ખૂબ અદ્ભૂત અનુભવ હતો પ્રેમનો શાયદ. પણ હવે એ ફિલિંગ્સ પાછળ છૂટી ગઈ છે. એ શું વિચારતી હશે એ વિચારતો હું આગળ વધ્યો.

-ચંદ્રકાંત માનાણી

નીકળશે

જ્યારે હ્રદયને ખોલવાની વાત નીકળશે
તારું નામ નીકળશે તારી વાત નીકળશે

હું પણ કેદમાંથી છૂટીને ઉડી જઈશ
લાંબી રાત પછી જ્યારે પ્રભાત નીકળશે

પૂરા થયા પછીય એ પૂરા થતા નથી
બીજા સંબંધની ત્યાં શરૂઆત નીકળશે

હું સૂતો હોઈશ ચિતા પર આરામથી
ધુમાડા નીકળશે અને ચાહત નીકળશે

– ચંદ્રકાંત માનાણી

મીઠાશ -કડવાશ

ગયા વર્ષે ક્ચ્છ ગયો ત્યારે ભચાઉથી ભુજ અને ભુજથી મોટા યક્ષ બસની મુસાફરી કરી હતી જે યાદગાર કહી શકાય. ભચાઉથી બસમાં બેઠાં ત્યારે બેસવાની જગ્યા
ન્હોતી. તો કંડકટરે એની સામેની સીટ બતાવતાં કહ્યું કે અહી ઉભા રહો આ લોકો હમણાં જ ઉતરશે. સારું ફિલ થયું. એ કંડકટર બધા લોકોથી
સારી રીતે વાત કરી રહ્યો હતો. એ જ બસમાં એક માણસે જ્યુબીલી ગ્રાઉન્ડ પહોચતાં કંડકટરને ભુજમાં જ કોઈક જગ્યાએ જવા પૂછ્યું…
તો કંડકટરે એને ત્યાં ન ઉતારવા સલાહ આપી અને કહ્યું કે તમે બસ સ્ટેન્ડની સામેથી સીટી બસમાં ચાલ્યા જાઓ અનુકુળતા રહેશે અને
ત્યાંથી પાંચ રૂપિયામાં પહોંચી જશો અને જ્યુબીલીથી ત્રીસ-ચાલીસ રૂપિયા થઇ જશે. ખુબ હેલ્પફુલ નેચરનો એ માણસ હતો. અને ભુજથી મોટા
યક્ષની મુસાફરી દરમિયાન એકદમ ઉલટો અનુભવ થયો. બસ નારાયણ સરોવર જઈ રહી હતી અને હજી ભુજના બસ સ્ટેન્ડથી જરા ઉપાડી જ હતી કે એક મુસાફર દોડતો બસમાં ચઢ્યો અને ઉતાવળે પૂછ્યું કે બસ માતાના મઢ જશે, કંડકટરે કહ્યું જશે પણ વાયા વિથોણ અને અંગિયા ફરી-ફરીને જશે. તો મુસાફરે એક ક્ષણ વિચારીને બીજો પ્રશ્ન પૂછ્યો કે ડાયરેક્ટ બસ ક્યારે મળશે…? તો કંડકટર એકદમ છંછેડાઈ ગયો ને કહ્યું એ ભાઈ એ કામ અમારું નથી તમારે આવવું હોય તો બેસો નહીતર ઉતરો ..મુસાફરને ખરાબ લાગ્યુંને ઉતરી ગયો. પછી કંડકટર એકલો-એકલો બબડ્યો ઇન્ક્વાયરી કરીને આવવું જોઈએ. કંડકટરની વાત સાચી પણ કહેવાની રીત ખોટી લાગી મને. ત્યારે આગલી બસવાળો કંડકટર યાદ આવી ગયો. કેવી મસ્ત રીતે બધા પેસેન્જરોને
સંતોષકારક જવાબ આપતો અને મદદ પણ કરતો હતો. બંને માણસ એક જ કામ કરે છે એકમાં મીઠાશ છે અને એકમાં કડવાશ.

आते जाते जो मिलता है

आते जाते जो मिलता है तुमसा लगता है
हमतो पागल हो जायेंगे एसा लगता है
ओ तेरे प्यार में… तेरे इंतज़ार में ….

હર દિલ જો પ્યાર કરેગાનું મનગમતું સમીર દ્વારા લખાયેલું ગીત…મુગ્ધાવસ્થાના ઉંબરે આવી ઉભેલા પ્રેમી માટે એકદમ ફીટ બેસે છે. એ પ્રેમ છે કે આકર્ષણ ખબર નથી હોતી ત્યારે. બસ એ ગમે છે. એની બધી પસંદગીઓ આપણી પસંદ બને છે અને એને જે નથી ગમતું તેને આપણે તિલાંજલિ આપી દઈએ છીએ.(પ્યાર તો હોના હી થા મુવી યાદ છે, એમાં શેખર સિગરેટ પીવાનું છોડી દે છે જસ્ટ બીકોઝ સંજનાને નથી ગમતું…) એનું બધું ગમે છે, એની ચાલ, વાતો કરતી વખતે એની આંખોનું નચાવવું, ભલે એનો રાની જેવો કર્કશ અવાજ હોય તોય એ મીઠો લાગે છે, એના ઉપલા હોઠની બાજુનો તલ ગમે છે, એના ગાલ પર પડતું ખંજન ગમે છે, એણે ક્યારેક ભૂલથી સાગર ચોટલો કરેલો હોય તો એ સ્ટાઈલ ફેવરીટ થઈ જાય છે, એના પર બધા કલર ખુબ જચે છે, જાણે એ કોઈ સંમોહન વિદ્યાની જાણકાર હોય અને વશીકરણ કરી દીધું હોય એવી હાલત થઈ જાય છે. આવું થયેલું હોય અને જયારે એની સાથે ક્યારેક નજર મળી જાય તો દરિયામાં ભરતી આવે એવું લાગે …જાણે લાગણીઓનું એકસામટું આક્રમણ થયું હોય એવું લાગે..બે ક્ષણ નજર મળેલી રહી હોય એમાં તો કેટકેટલાય સપનાઓનું વાવેતર થઈ જાય છે. જયારે એ નજર ઢળે ત્યારે એવું લાગે જાણે દરિયાની ભરતી એકાએક ઓટમાં બદલી ગઈ હોય અને એ જુકેલી નજર પોતાની અંદર ખેચવા મથતી હોય. અને એમાંય જો એનું સ્મિત મળી જાય તો તો જાણે જન્મારો જ સુધરી ગયો એવું લાગે. સમય સમયનું કામ કરે છે. એની જે જે સ્ટાઈલો હતી એ બધી જ પ્રેમનાં વૃક્ષનું એક એક પાન બની જાય છે. એનો પ્રેમ એ વિશાળ વટવૃક્ષ બનતું જાય છે. એની આંખો જુકાવીને ચાલવાની રીત, બે જ મીનીટમાં ખુલ્લાં વાળનો અંબોડો કરી દેવાની રીત, એની કોઈ પણ સ્થિતિમાં સ્થિર અને સહજ રહી શકવાની રીત, એણે આપેલી કમીટમેન્ટ પાળવાની રીત, એના મરોડદાર અક્ષરો, એની ગરબે રમવાની સ્ટાઈલ..એ બધાથી પ્રેમ થઈ જાય છે. જીવનમાં એવા ઘણાંય ચહેરા જોવા મળે છે જે કોઈ એન્ગલથી એના જેવા લાગે, એના જેવો અવાજ ક્યાંક સાંભળવા મળી જાય, એના જેવું જ હસ્તી હોય એવું કોઈ મળી જાય, એવી હરેક વ્યક્તિ કે જેમાં એનો ભાસ થતો હોય એ બધાં ગમે છે. એ ગમવાનું કારણ છીછરાપણું નથી હોતું. એનું કારણ એક ‘એ’ જ હોય છે. પ્રથમ પ્રેમ એક બીજનું કામ કરે છે. એ બીજ અંકુરિત થઈને એક વૃક્ષ બને છે. વૃક્ષનાં એક એક પર્ણો એની એક એક સ્ટાઈલ છે. કેટલીય પાનખરો વીતે છે, બધા પર્ણો ખરી જાય છે, ફરી વસંત આવે છે ફરી નવાં પર્ણો ફૂટે છે. પર્ણો ખીલતાં રહે છે અને ખરતાં રહે છે પણ વૃક્ષ તો અડીખમ જ રહે છે.

-ચંદ્રકાંત માનાણી

શોર્ટ સ્ટોરી-૯

શોર્ટ સ્ટોરી-9

નમિ ખૂબ ખુશ હતી. બધી પેકીંગ થઈ ગઈ હતી, બેગની ઝિપ બંધ કરતાં કહ્યું ડાર્લિંગ આઈ વિલ મિસ યુ અને ગાલ પર હળવું ચુંબન આપી અને ગઈ. અમારી ઓફિસ તરફથી નમિ ત્રણ દિવસ માટે શિમલા જઈ રહી હતી. એ તો મને મૂકીને જવા તૈયાર ન્હોતી પણ મારા કહેવાથી એ જઈ રહી હતી. એ ખૂબ ખુશ હતી. એની ખુશી એ જ મારી ખુશી, એને જ મારો જીવનમંત્ર બનાવી લીધો હતો છતાં મનમાં દ્વંદ ચાલી રહ્યું હતું. ચહેરા પર સ્મિત હતું પણ મનમાં કડવાશ ઝબકી રહી હતી.

મેં અને નમિએ એક જ કોલેજમાંથી એમબીએ કર્યું હતું અને એક જ કંપની સાથે જોઈન કરી હતી. કોલેજના પ્રેમને લગ્નમાં પરિવર્તિત કરી શક્યો એની ખુશી જાણે ઓસરતી જતી હતી. ગયા વર્ષે ટ્રિપમાં પટાયા જવાનું હતું પણ નમિતાનો પાસપોર્ટ રેડી ન હોવાથી અમે ના જઈ શક્યાં. હું જઈ શક્યો હોત પણ ત્યારે મેં કહ્યું હતું “તું નહીં તો હું નહીં”. આ વર્ષે શિમલા ટ્રિપ થઈ. બે દિવસ પહેલાં મારું એક્સિડેંટ થઈ ગયું અને પગે પ્લાસ્ટર આવ્યું. શિમલા એટલે નમિનું સૌથી મનગમતું સ્થળ. અમે હનીમૂન પણ ત્યાં જ પ્લાન કર્યું હતું પણ જઈ શક્યાં નહોતાં. આથી જ્યારે જાણ્યું હતું કે શિમલા જશું એ વિચારથી જ રોમાંચિત હતાં. મને કમસેકમ એક મહિનાનો ખાટલો મળ્યો. મેં ઉપર ઉપરથી નમિને કહ્યું હતું કે તું શિમલા ફરી આવ પણ મારું મન એ ન જાય એવું ઈચ્છતું હતું. મને એમ હતું કે નમિ પણ કહેશે કે “તું નહીં તો હું નહીં” પણ ના નમિ તો જવા તૈયાર થઈ ગઈ.

ખબર નહી શુ કામ પણ મને એવું લાગે છે કે જેટલો પ્રેમ હું નમિને કરું છું એટલો એ મને નથી કરતી. એ કોઈ ઈચ્છા વ્યકત કરે તો હું ગમે તેમ પુરી કરતો પણ એ મારી ઈચ્છાને લગભગ અવગણતી જ. હું ઓફિસે મેચિંગ કપડાં પહેરી જવાનું કહેતો તો એ ના પાડતી અને એ જે કહે એ કપડાં પહેરવાની હું ક્યારેય ના ન કહેતો. જ્યારે જ્યારે હું એને મોરનિંગ વોકમાં સાથે ચાલવા કહેતો, મૂવી જોવા જવાનું કહેતો કે કેરમ રમવાનું કહેતો તો એની ના જ હોય. હું હમેશા એવું જ ચાહું છું કે જેવો ને જેટલો પ્રેમ હું એને કરું છું એવો જ અને એવી રીતે એ પણ મને પ્રેમ કરે. એ મને ચાહતી નથી એવું નથી પણ ખબર નહીં જાણે એવું લાગી રહ્યું છે કે બધું બદલાઇ રહ્યું છે. મારી આંખોમાં આંસુ તગતગી રહ્યાં હતાં.

લગભગ કલાક પછી મારા આશ્ચર્ય વચ્ચે નમિ પાછી આવી. પૂછ્યું કેમ પાછી આવી તો કહે કે તારા વગર હું કેમ જઈ શકું આપણે નેક્સ્ટ યર જશું શિમલા, નક્કી. હું એ જ ફિક્કા સ્મિત સાથે નમિ સામે જોઈ રહ્યો અને મહામહેનતે એટલું જ બોલી શક્યો “ચોક્કસ”. એક પળ પહેલાં મારી નેગેટિવીટીએ મને ઘેરી વળ્યો હતો. હું ક્યાં નો ક્યાં પહોંચી ગયો હતો. કેટલા ટૂંકા વિચારનો છું હું. આંખો બંધ કરીને વિચારતો રહ્યો, નમિ તો એવીને એવી જ છે પણ હું બદલાઈ ગયો છું.

-ચંદ્રકાંત માનાણી

બાદશાહો : ફિલ્મ

એક સપ્ટેમ્બર ૨૦૧૭, તારીખ છે બાદશાહો ફિલ્મ રીલીઝ થવાની. આજ-કાલ દિલો-દિમાગ પર જે ગીત છવાયેલું છે તે આ ફિલ્મનું છે. “મેરે રશ્કે કમર” આ ગીત નુસરત ફતેહ અલી ખાને ગાયું હતું અને એમાંથી સિલેક્ટેડ શેર પરથી ગીતનું બાદશાહો ફિલ્મમાં રીક્રીએશન કરવામાં આવ્યું છે. ગીતના એક-એક શેરમાં એક-એક દાસ્તાં બયાં થાય છે. અમે તો જ્યારથી સાંભળ્યું છે ત્યારથી ફેવરીટ બનાવી લીધું છે.

मेरे रश्के क़मर तू ने पहली नज़र
जब नज़र से मिलाई मज़ा आ गया
मेरे रश्के क़मर तू ने पहली नज़र
जब नज़र से मिलाई मज़ा आ गया

मेरे रश्के क़मर એટલે બલાની ખુબસુરત કે જેની ચંદ્ર પણ ઈર્ષ્યા કરે, એવી ખુબસુરત મહેબુબાની પહેલી નજર મારી નજરથી મળી તો મજા આવી ગઈ. શાયરે બધાજ પ્રેમીની દુ:ખતી નસ બરાબર પકડી છે. મહેબુબાની પહેલી નજર, નજરથી મળે છે એટલે દુનિયા રંગીન લાગે છે, રંગોના ફુવારા ઉડતા દેખાય છે, દિલના ખૂણે ખૂણે દીવાઓ ઝગમગી ઊઠે છે.

ऐसे लहरा के तू रूबरू आ गयी..
धड़कने बेतहाशा तड़पने लगीं
तीर ऐसा लगा दर्द ऐसा जगा
चोट दिल पे वो खायी मज़ा आ गया…

અચાનક મહેબુબા ક્યાંકથી સામે આવી ચડે તો ગાફેલ આશિકની શું હાલત થાય છે તે શાયરે બખૂબી આ શેરમાં વ્યક્ત કરી શક્યા છે. ધડકને બેતહાશા તડપને લગી, હોલીવુડની ના બનેલી ફિલ્મની કલ્પના કરો કે જેમાં બાવરા આશિકની ધડકનો દિલમાંથી નીકળીને મહેબુબાની આસપાસ, જેમ મધમાખીઓ મધપુડા પર હક સ્થાપિત કરવા પડાપડી કરે છે એવી રીતે દિલની બધી ધડકનો દિલની બહાર નીકળીને મહેબુબાને વીંટળાઈ જાય છે. દિલ મહેબુબાના કામ બાણથી ચોટીલ થઇ જાય છે મજા આવી જાય છે.

रेत ही रेत थी मेरे दिल में भरी
प्यास ही प्यास थी ज़िन्दगी ये मेरी
आज सेहराओं में इश्क के गाँव में
बारिशें घिर के आई मज़ा आ गया

જીવન દિશાહીન હતું, કોઈ સપનાઓ ન હતાં, જીવન એક ખારા દરિયા જેવું બની ગયું હતું. એક પ્યાસો, જેના જીવનમાં ફક્ત ખારાશ જ હતી. એક પ્યાસો, સહેરાના રણમાં પાણીના એક બિંદુ માટે તલસી રહ્યો હોય છે અને એવામાં તું મારાં પ્યાસા, રેતીથી ભરેલા જીવનમાં વરસાદ બનીને આવી મજા આવી ગઈ.

ગીતમાં અજય દેવગણ અને ઈલીયાના દીક્રુઝ મસ્ત લાગી રહ્યાં છે. ફિલ્મનો ઇન્તઝાર છે. ગીત તો તમે જોયું જ હશે તે છતાં કોમેન્ટમાં લીંક મૂકી છે.