મોબાઈલ ચોર સાથે ભેટો

હું કે.આર.માર્કેટમાં કામે ગયો હતો. ઘરે પાછો આવવા બસની રાહ જોઈ રહ્યો હતો.એવામાં એક બસ આવી જેનામાં હું ચઢ્યો.અહીની બસમાં મોટાભાગે બે દરવાજા હોય છે,હું આગળના દરવાજેથી ચઢીને સીટો ખાલી હતી ત્યાં બેસવા જઈ રહ્યો હતો કારણ કે આગળની સીટો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. હજુ હું બીજો દરવાજો વટાવીને સીટ પર બેસું એ પહેલા બે જણા ત્યાંથી ચઢીને મારી આગળ રસ્તો રોકીને મને પૂછવા લાગ્યા કે આ બસ કેન્ગેરી(એક જગ્યાનું નામ) જશે કે કેમ.હું આગળથી બસનો રૂટ જોઈને જ ચઢ્યો હોવાથી મેં તેને ના કહી કે બસ કેન્ગેરી નહિ જાય. એ બંને પૈકી એક મારો રસ્તો રોકીને ઊભો રહ્યો અને બીજો જણ હતો એને મને એટલા વિશ્વાસથી ફરી ત્રણ વખત પૂછ્યું કે બસ કેન્ગેરી નહિ જાય, શું સાચે બસ કેન્ગેરી નહિ જાય? મેં ત્રણેય વખત મૂર્ખ બનીને અને કોઈની મદદ કરવાના ઈરાદે જવાબ આપેલો. હજુ બસ ઊભી હતી અને તેઓ ઊતરી ગયા.બંને પૈકી જેને મને ત્રણ વખત પ્રશ્ન કર્યો હતો એને મારો મોબાઈલ, બેલ્ટમાં રહેલ મોબાઈલ પાઉચ માંથી કાઢી લીધો હતો.મને અનાયાસ આભાસ થયો અને મેં તરત ચેક કર્યો તો મોબાઈલ ગૂમ હતો. હજુ એ ચોર બસના પગથીયા ઉતરતો જ હતો અને મેં એને પાછળથી એની ગરદન પકડી લીધી,અચાનક થયેલ હૂમલાથી એ ડગાઈ ગયો અને મોબાઈલ નીચે ફેંકી દીધો.બસ હજુ ઊભી જ હતી.મેં તરત જ બસના ટાયરથી એક ફૂટ છેટે પડેલ મારા ફોનને ઉપાડી લીધો પણ કમનસીબે ચોર છૂટી ગયો.નહીંતર એને મેથીપાક ચખાડવાની ઈચ્છા હતી.મિત્રો તમારે અગર બેંગ્લોરની બસમાં પ્રવાસ કરવાનું બને તો થોડા ચેતીને રહેજો.બસમાં આવું થયા કરે છે એવું મેં સાંભળ્યું હતું પણ હવે અનુભવી પણ લીધું. આ ઘટના બસ એક મિનીટની અંદર ઘટી હતી. ભગવાનનો આભાર માની હું ફરીથી બસમાં ચઢી ગયો અને વિચારતો રહ્યો કે અજાણ્યા માણસોની મદદ કરવી જોઈએ કે નહિ,,,?

-ચંદ્રકાંત માનાણી

और थोडा चल जाऊँ.

दुनियाकी क्या में खुद को बदल जाऊँ,
जैसे एक दिया की तरह जल जाऊँ.

गलत फेमियोमे जी रहा था आजतक,
गिर गया तो क्या गिर के संभल जाऊँ.

चान्द जल रहा हे युगोसे आकाशमे,
वैसे में भी दुनिया को छल जाऊँ.

जानता था फिर भी पालता रहा सपोलिया,
उन सबको एक एक करके कुचल जाऊँ.

और दूर कहा तक जाऊंगा मंजिल के बिना,
दिल कहेता हे चल और थोडा चल जाऊँ.

-चंद्रकांत मानाणी

પ્રેમની કસોટી

આજે કોલેજનો છેલ્લો દિવસ હતો.બધાં ફાઈનલ પરીક્ષાનું રિઝલ્ટ લઈને પોતપોતાના મિત્રો સાથે
કોલેજની કેન્ટીનમાં અને બગીચામાં બેઠાં હતાં.સ્મિતા કોલેજમાં અવ્વલ આવી હોવા છતાં તેના
ચહેરામાં ખુશી ન્હોતી દેખાતી.અને બીજી બાજુ,અશોક કે જે હંમેશા અવ્વલ આવતો અને આ વખતે
બીજા નંબરે આવ્યો હોવા છતાં તે ખુશ હતો.સ્મિતાના ગ્રુપમાં અશોક,આલોક અને સ્વીટી હતાં.
ચારેય જીગરી ભાઈબંધો એવા કે આખી કોલેજને એના પર ઈર્ષા આવે.અશોક અને સ્મિતાની
લવસ્ટોરી આખી કોલેજને ખબર હતી, અને આલોક-સ્વીટી વચ્ચે પણ પ્રેમ છે એવું બધાં માનતાં.
આવું માનવાને કારણ પણ હતું.સ્વીટી હંમેશા આલોકની પાછળ જ હોય. કોલેજમાં કોઈ
કાર્યક્રમ,સ્પર્ધા કે પ્રવાસ હોય તો સ્વીટીનો એક જ જવાબ રહેતો કે આલોક હશે તો હું હોઈશ નહિ
તો નહિ.આલોક હંમેશા સ્વીટીને સમજાવતો કે કોઈ બીજો મુરતિયો શોધી લે પણ સ્વીટીને આલોક
સિવાય બીજો કોઈ યોગ્ય લાગતો જ નહિ.

ચારેય જણ બગીચાના એક ખૂણામાં ગમગીન બેઠાં હતાં.કોલેજ પછીના ભવિષ્યની ચર્ચા કરતાં
હતાં.હવે શું કરવું એ પ્રશ્ન હતો.સ્વીટી પાસે તો જવાબ તૈયાર જ હતો,જ્યા આલોક ત્યાં
આપણે.આલોક પ્રોફેસર બનવાની તૈયારી કરવાનો હતો.સ્મિતાને શું કરવું તેની સૂઝ પડતી ન્હોતી,
અને અશોકે તો વિદેશમાં ભણવા જવાનો ઈરાદો વ્યક્ત કર્યો.અશોકે કહ્યું કે મારા પપ્પાનું સપનું છે
જે મારે સાકાર કરવું છે અને તેના માટે મારે ઓસ્ટ્રેલિયા જવું પડશે. આ સાથે જ સ્મિતાએ દબાવી
રાખેલ ડૂસકું આંખેથી વહી નિકળ્યું અને એવી હિબકે ચડી કે તે કઈ જ બોલવાની સ્થિતિમાં ના
રહી.સ્મિતા કેટલીયવાર સુધી આલોકના ખંભે માથું છુપાવીને રડતી રહી.તે અશોકને ખુબ જ ચાહતી
હતી પણ અશોક માટે પપ્પાનું સ્વપ્ન જ સર્વસ્વ હતું.તેને ઓસ્ટ્રેલિયા જઈને મેનેજમેન્ટની ડીગ્રી
લેવી હતી.પ્યાર મહોબ્બત માટે આખી જિંદગી બાકી છે એવું અશોક માનતો હતો.સ્મિતાને સાંત્વના
આપતાં તેને કહ્યું કે બસ મારી ડીગ્રી પૂર્ણ થતાં જ આપણે પરણી જઈશું.અશોકની આ વાતથી
સ્મિતાને ધરપત વળી અને ધીરેધીરે શાંત થવા લાગી.

ચારેય જણા વચ્ચે મૌન છવાયેલું હતું. એ ચારેયમાં આલોકની સ્થિતિ ખરાબ હતી.એ મનોમન
સ્મિતાને ચાહતો હતો.એની જાણ ફક્ત સ્મિતાને જ હતી.કોલેજના શરૂઆતના દિવસોમાં જ જયારે
ઓળખાણ થઇ હતી ત્યારે જ આલોક સ્મિતાને પ્રેમ કરવા લાગ્યો હતો.તેને સ્મિતા પાસે પોતાના
પ્રેમનો ઈકરાર કર્યો હતો પણ સ્મિતાએ પોતાના મનની વાત આલોકને પહેલીવાર કહી હતી કે તે
અશોકને ચાહે છે અને તેની સાથે જ પરણશે.ત્યારબાદ આલોકનો પ્રેમ ત્યાં જ દબાઈ ગયો હતો
પણ આલોક મનોમન ફક્ત સ્મિતાને જ ચાહતો હતો.જયારે પણ સ્મિતા અશોકના વખાણ તેની
આગળ કરતી ત્યારે આલોક સંભાળતો રહેતો, કહો ને કે અંદરને અંદર સળગતો રહેતો.આલોકે
છેવટસુધી આ વાતની જાણ અશોક અને સ્વીટીને ન્હોતી કરી કે તેના દિલમાં સ્મિતા માટે કેટલી
લાગણી છે.આવી સ્થિતિમાં કે જયારે સ્મિતા પોતાના ખંભે માથું મુકીને અશોક માટે રડે છે અને પોતે
અંદરને અંદર સ્મિતા માટે રડે છે અને કોઈને કહી પણ નથી શકતો.

અશોકના ગયા પછી સ્મિતા અને સ્વીટીએ ભણવાનું છોડી દીધું પણ ત્રણેય એકબીજાનાં સંપર્કમાં
હતાં.સ્વીટી અને સ્મિતાના ઘરમાં હવે તેના લગ્નની વાતો થવા લાગી હતી.તો હવે ભવિષ્માં શું
કરવું એના વિષે ચર્ચા કરવા અને 31st December મનાવવા ત્રણેય સ્વીટીના ઘરે ભેગા
થવાના હતા.અશોકે સ્મિતા સાથે સંપર્ક ઓછો કરી નાખ્યો હતો. સ્મિતા આજકાલ બહુ ઉદાસ ઉદાસ
રહેતી હતી.અશોક વિશેની વાત જયારે સ્વીટી અને આલોકને કરી ત્યારે જાણે અલોક માટે તે
ખુશીના સમાચાર હતા.વર્ષની છેલ્લી રાતની ઉજવણી આખું વિશ્વ કરી રહ્યું હતું ત્યારે સ્વીટીએ
આલોકને સીધું જ પૂછ્યું બોલ ક્યારે લગ્ન કરવા છે?ત્યારે આલોકે હું લગ્ન નથી કરવાનો કહીને
વાત ટાળી દીધી.અને ત્યારે જ સ્મિતાના મોબાઈલમાં અશોકનો મેસેજ આવ્યો કે, નવા વર્ષની
શુભકામનાઓ….અને હું અહીની એક ગોરી સાથે લગ્ન કરીને અહી જ સેટલ થવાનો છે, મને ભૂલી
જાજે.આ મેસેજ વાંચીને સ્મિતાને લાગ્યું જાણે તેના શરીરમાંથી કોઈએ પ્રાણ ના હરી લીધાં હોય!
આલોકને એ સૂઝ ન્હોતી પડતી કે પોતે શું કરે…,અંદરથી તે ખુશ થયો અને સ્મિતાને સંભાળવામાં
લાગી ગયો.સ્વીટીએ સ્મિતાના ઘરે ફોન કરીને કહી દીધું કે આજે તે અહી જ રાત રોકાઈ જશે.જયારે
કલાક રડ્યા પછી સ્મિતા શાંત થઇ ત્યારે કહ્યું કે અશોક કોઈનો ના થયો. ના મારો કે ના એના
પપ્પાનો,પણ હું તો લૂંટાઈ ગઈ.

સ્મિતાએ જે વાતનો ઘટસ્ફોટ કર્યો તેનાથી આલોક અન્જાન હતો અને તે જાણીને એ પણ વિહવળ
થઇ ગયો કે સ્મિતા અને અશોક વચ્ચે કોલેજકાળ દરમિયાન શરીર સંબંધ થયો હતો.સ્મિતા
આલોકને જ પૂછતી હતી કે બોલ કોણ કરશે હવે મારી સાથે લગ્ન? શું તું આ જાણીને ય મારી સાથે
પરણવા તૈયાર થઈશ? એ સમય બંનેની નજર એક થયેલી હતી.બાજુમાં સ્વીટી પણ સંભાળવા
આતુર હતી કે આલોક શું કહેશે.આલોકે જરાયે ખચકાયા વગર કહ્યું હતું કે હા,હું તૈયાર હોઈશ.મેં
તારા શરીરને નહિ તારી આત્માને પ્રેમ કર્યો છે અને સાંભળ સ્મિતા, પ્રેમ પામવા બળજબરી નથી
ચાલતી.સ્વીટીને થયું કે હશે સાંત્વના આપવા આલોકે એમ કહ્યું હશે પણ એની આંખમાંથી પણ
આંસુનું એક ટીપું ખરી પડ્યું હતું.

પણ ત્યાર પછી સ્વીટીના આશ્ચર્ય વચ્ચે આલોક અને સ્મિતા પરણી ગયાં.સ્વીટી વિચારતી જ રહી કે
મારા પ્રેમમાં જ ક્યાંક ઊણપ રહી હશે.હું આલોકને ચાહતી રહી,આલોક સ્મિતાને ચાહતો રહ્યો,સ્મિતા
અશોકને ચાહતી રહી અને અશોક જાણે આ પ્રેમ-રેલનું એન્જીન હોય અને પાછળ અમે
બધાં.એન્જીન જાણે ક્યાં છૂટું થઈને ભાગી ગયું અને રહી ગયાં અમે ખાલી ડબ્બા.સ્વીટી મનોમન
તુલના કરવા લાગીકે નક્કી મારા પ્રેમ કરતા આલોકનો સ્મિતા પ્રત્યેનો પ્રેમ વધારે અને પારાવાર
હશે.કોલેજના સમયમાં તેણે કળવા પણ ના દીધું કે તે સ્મિતાને ચાહે છે આ તો સ્મિતાએ તે
દિવસનો સાચવેલ પત્ર બતાવતાં જ પોતે જાણી શકી હતી. એ ચાહતના ફળરૂપે જ શાયદ
આલોકને સ્મિતા મળી હશે એવું વિચારીને સ્વીટી બંનેના જીવનથી દૂર થઇ ગઈ.

ચાર વર્ષ પછી આલોક પ્રોફેસર અને એક પૂત્રીનો પિતા થઇ ગયો હતો.એનું નામ સ્મિતાએ ચાહીને
સ્વીટી રાખ્યું હતું જેથી સ્વીટીને ઉમ્રભર યાદ કરી શકાય. સ્મિતા માનતી હતી કે મારા માટે સ્વીટીએ
પોતાના પ્રેમની કુરબાની આપી હતી. આજે સ્વીટી ગામમાં પોતાના પૂત્ર સાથે આવી હતી.સ્મિતા
તેને ઘરે જમવા આવવા નોતરી આવી હતી.જયારે તેઓ ઘરે આવ્યાં ત્યારે આલોક પણ ઘરે હાજર
જ હતો.બધાં બેઠા હતાં ત્યારે આલોકે સ્વીટીના પુત્રને કહ્યું બેટા અહી આવ, બોલ તારું નામ શું છે?
સ્વીટીનો છોકરો તરત આલોકના ખોળામાં આવીને બેસી ગયો અને કહ્યું મારું નામ આલોક છે.

-ચંદ્રકાંત માનાણી

દહેજનું દૂષણ

વેંકટેશ દેખાવે એકદમ પાતળા બાંધાનો છે અને એની બત્રીસી વધુ પડતી બહાર નીકળેલી છે.એ જયારે હસે છે ત્યારે બધાય દાંત દેખાવો દે છે.એ મારો બેંગલોર રહેતો દોસ્ત છે અને કન્નડીઓ છે.એણે બત્રીસી વ્યવસ્થિત અંદર બેસાડવા દાંતમાં વાયર બંધાવ્યો છે. મેં પૂછ્યું શું વાત છે, વાયર કેમ બાંધ્યો છે?એણે કહ્યું કે મારા માટે છોકરીની શોધખોળ ચાલુ છે અને આવતા વર્ષે કંકુના કરવા છે,તો એ સમયે થોડો વ્યવસ્થિત દેખાવા આ વાયર બંધાવ્યો છે.અમે બાળપણમાં ગામમાં કોઈ મિત્રની બત્રીસી આગળ રહેતી એને દેન્ધર કહીને ચીડવતાં.(શક્તિમાન સીરીયલમાં જેમ ગંગાધર દેન્ધર હતો.)

લગ્નની વાત નીકળતાં એણે સીધું જ પૂછ્યું કે તમારાં લગ્ન થયા કે નહિ? મેં હકારમાં માંથુ ધુણાવ્યું તો બીજો પ્રશ્ન આવ્યો કે કેટલી વરદક્ષિણા લીધી હતી? અહીના લોકો દહેજ શબ્દના બદલે વરદક્ષિણા શબ્દ વાપરે છે.ઓછામાં ઓછી ૫૦,૦૦૦ થી ચાલુ થાય છે.પછી બીજો આધાર વરની લાયકાત ઉપર અને બાપની આપવાની શક્તિ ઉપર રહે છે.રોકડની સાથે ઘર,પ્લોટ,કાર,બાઈક….પણ આપે છે.હું તો આ વરદક્ષિણા કે દહેજનો વિરોધી છું અને તેને એક દૂષણ માનું છું.

અહી છાશવારે હત્યા કે આત્મહત્યાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે.વેંકટેશના કહેવા પ્રમાણે તેના ઘરનાં લોકો તેના માટે છોકરીની શોધ કરી રહ્યાં છે.અહીના લોકોમાં,જો ઘરમાં જ ભાણેજી કે ભત્રીજી ઉમરલાયક હોય તો તેને પરણવાનો પહેલો હક તેના મામા કે કાકાનો રહે છે.વેન્કટેશની બહેનને બે વર્ષ પહેલા પરણાવી છે એટલે કોઈ ભાણેજી નથી અને ભાઈ તેનાથી નાનો છે અને તેના કાકા નથી કે એની દીકરીને પરણી શકે,આથી વહુ માટે શોધખોળ ચાલુ છે.

વરદક્ષિણા અને આ ભત્રીજી-ભાણેજી સાથે લગ્ન કરવા એણે વેંકટેશ પણ દૂષણ માને છે પણ એની સામે વિરોધ કરવાની તેનામાં હિંમત નથી.કુતૂહલવશ તેને પણ પ્રશ્ન કર્યા હતા કે તમારી સમાજમાં પણ આવા દૂષણો છે ખરાં? આ બંનેમાંથી કોઈ નથી એવું જાણતા જ એ આશ્ચર્યમાં ગરક થઇ ગયો.વરદક્ષિણા વગર તમે લગ્ન કઈ રીતે કરો છો? પાછો પ્રશ્ન એણે કર્યો.મેં પણ સામો પ્રશ્ન કર્યો કે તમે વરદક્ષિણા શા માટે લો છો? તો એણે કહ્યું કે બાપે જે દીકરીને પાળી,પોષી તેનું ભરણપોષણ કર્યું.હવે તેની જવાબદારી આપણા પર આવવાની હોવાથી ભાવિના ખર્ચ રૂપે બાપ તેના જમાઈને ભરણપોષણના પેટે આપે છે.વેંકટેશ પણ માને છે કે આ દૂષણ સારું નથી અને ઘણાં ય લોકો વહુ પાસેથી ફરી ફરી રૂપિયા લાવવાનું દબાણ કરતા રહે છે અને તેને માનસિક તથા શારીરિક ત્રાસ આપતા રહે છે. પિતાની વધુ રૂપિયા આપવાની હેસિયત ન હોવાથી દીકરી મૂંગા મોઠે ત્રાસ સહ્યા કરે છે. પહેલા જે વરદક્ષિણા આપી હોય એ પણ માંડ માંડ ભેગા કર્યા હોય, ઉછીના લઈને આપ્યા હોય અથવા હજુ બહેનો પરણાવવાની બાકી હોય અને સાસરિયાં તરફથી ત્રાસ વધતો જાય તો દીકરી ત્રાસ સહાય ત્યાં સુધી સહે અને પછી આત્મહત્યા કરી લે છે. ખરેખર કન્નડિયા લોકોમાં દીકરીની સ્થિતિ ખૂબ જ દયનીય છે.

-ચંદ્રકાંત માનાણી

અમે બેસી રહ્યાં.

પ્યાસ કેરૂં પારખું કરતાં અમે બેસી રહ્યાં,
જિંદગીના જામને ભરતાં અમે બેસી રહ્યાં.

સ્થિરતાપૂર્વક સફર કરતાં અમે બેસી રહ્યાં,
પૃથ્વીના આસન ઉપર ફરતાં અમે બેસી રહ્યાં.

વાસ્તવિકતાની અછતમાં એ જ ઉપયોગી હતાં,
એટલે તો સ્વપ્ન સંઘરતા અમે બેસી રહ્યાં.

બે ય સ્થિતિમાં અમારું સ્થાન ઉપવનમાં જ છે,
ડાળ પર ખીલતાં અને ખરતાં અમે બેસી રહ્યાં.

દીપ જેવી આ દશામાં ક્યાં હતાં અમને ચરણ?
તેજની વાટે જ વિસ્તરતાં અમે બેસી રહ્યાં.

હોઠ પર તો તારે માટે મૌનનાં તાળાં હતાં,
હૈયે તારું નામ ઉચ્ચરતાં અમે બેસી રહ્યાં.

હેડકી આવી છતાં નહોતી મિલનની શક્યતા,
કોઈને અમથા જ સાંભરતા અમે બેસી રહ્યાં.

કોઈ તો ઊંચકી જશે બેફામ એવી આશમાં,
જિંદગીની વાટમાં મરતાં અમે બેસી રહ્યાં.

-બેફામ

એક અધૂરી પણ પૂર્ણ કહાની

થોડા દિવસ પહેલા જીગી(જીગ્નેશ) સાથે વર્ષો પછી ફોન પર વાત થઇ.અમે પંદર વર્ષ પહેલા ૧૯૯૭માં મળ્યા હતા.ત્યારે અમે ગુજરાતની વોલીબોલની ટીમના સભ્ય હતા.તેને કહ્યું કે પાછળના પંદર વર્ષમાં જીવનમાં કેટલાયે ઉતાર-ચઢાવ આવી ગયા.વાતો વાતોમાં વાત મિતાલીની નીકળી.

ચાલો તમને શરૂઆતથી જ કહું.૧૯૯૭મા ગુજરાતના વિવિધ જિલ્લામાંથી ૩૬ ખેલાડીઓ ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ભેગા થયા હતા અને તેમાંથી ૨૪ ખેલાડીઓ પસંદગી પામી પોંડીચેરી રમવા જવાના હતા.બંને વિભાગ(પુરુષ અને મહિલા)ની સ્પર્ધા ૨/૧/૯૭ થી ૭/૧/૯૭ રમાવાની હતી.આ ટ્રેનીંગ કાર્યક્રમ ૧૫ દિવસ ચાલવાનો હતો.હું પહેલી વાર જ ઘરથી આટલા દિવસો દૂર રહ્યો હતો અને મારા આ દિવસો કપરા રહ્યા હતા.પણ બીજી બાજુ જીગીના એ દિવસો જાણે પંદર મીનીટમાં જ નીકળી ગયા હોય એવું એને લાગેલું.

મિતાલી ખુબસુંદર યુવતી હતી અને જીગી પણ હેંડસમ બોય હતો.બંનેને એકબીજાથી પ્રેમ થઇ ગયો હતો.બધું બરાબર હતું.પ્રેમ કર્યો,,ઈકરાર પણ થઇ ગયો.હું તો આ બધું દૂરથી જ જોતો હતો.હું ત્યારે નવમાં ધોરણમાં હતો.જીગી મને દિવસ દરમિયાન ઘટેલી ઘટનાઓ વર્ણવતો અને ભવિષ્યના સોનેરી સપના જોતો રહેતો.અમારા કોચે ટીમની પસંદગી કરી લીધી હતી પણ તેની જાહેરાત ૧૩મા દિવસે કરી.અને એની સાથે જ જાણે જીગી-મિતાલી પર આભ તૂટી પડ્યું. જીગીનો ટીમમાં સમાવેશ થયો હતો અને મિતાલી બહાર.અમારે એક દિવસ પછી પોંડીચેર માટે રવાના થવું હતું અને મિતાલીને સુરત માટે.નવજીવન એક્ષ્પ્રેસમાં ટીકીટો બૂક હતી અને અમારે નડિયાદથી ટ્રેન પકડવી હતી.બધા મિત્રો નડિયાદ સુધી સાથે હતા અને પછી પોતાના ગંતવ્ય સ્થાને નીકળી ગયા.જીગી અને મિતાલીએ ભાવનગરમાં જ જનમો જનમ સાથ નિભાવવાની કસમો ખાઈ હતી અને નડિયાદથી છુટા પડી ગયાં હતાં.

ટ્રેનમાં બધા મિત્રો બેસી ગયા ત્યારે જીગીને સમજાવી રહ્યા હતા,,મિતાલી હતી તેથી તારો ટાઈમપાસ સારો થઇ ગયો તે ખૂબ મજા કરી અને હવે એ બધું ભૂલી જવાનું.પણ જીગી એ મને કહેલું કે હું એને નહિ ભૂલી શકું.તેને કહેલી એક વાત ત્યારે મને નહોતી સમજાઈ કે આપણે જેને સાચા દિલથી પ્યાર કરતાં હોઈએ તેના વિશે ક્યારેય ખરાબ(વાસનામય) વિચાર નથી આવતા. અને ત્યાર પછી જીગીના કહેવા પ્રમાણે એ મિતાલીને હમણાં મળ્યો હતો.જીગી માટે બેફામનો એક શેઅર યાદ આવે છે::

હેડકી આવી છતાં નહોતી મિલનની શક્યતા,
કોઈને અમથા જ સાંભરતા અમે બેસી રહ્યાં.

વડોદરામાં કોઈ વોલીબોલ સ્પર્ધા હતી ત્યાં જીગી તેના પુત્રને લઈને જોવા ગયો હતો અને ત્યાં અનાયાસે મિતાલી મળી ગઈ હતી.મિતાલી તેના સગાના ઘરે તેના પતિ અને છોકરાં સાથે આવી હતી.પંદર વર્ષે પણ બંને એકબીજાને ઓળખી ગયા હતા.બધાએ પરસ્પર ઓળખાણ કરી હતી.હાલમાં જીગી અને મિતાલી બંને પોતપોતાના જીવનમાં સુખી છે. જીગી કહેતો હતો કે આજે પણ મારા દિલમાં મિતાલી માટે એવો જ નિર્મળ પ્રેમ છે..જીગીએ પણ મીતાલીની આંખોમાં એવો પ્રેમ જોયો હતો.મેં તેને ઘરે આવવા જણાવ્યું પણ કોઈ કારણોસર તે ઘરે ના આવ્યા પણ ભવિષ્યમાં આવીશું કહીને ગયા.

શાયદ આને જ સાચો પ્રેમ કહેતા હશે લોકો.જીગીએ તો એની પત્નીને મિતાલી વિશે પહેલા જ વાત કરી હતી પણ મિતાલીએ તેના પતિને વાત કરી કે નહિ તેની જાણ જીગીને નથી.એક વાત તો સ્પષ્ટ છે કે કોઈને પ્રેમ કરવો અને તેની સાથે લગ્ન કરવા એ સાચો પ્રેમ હોઈ શકે છે પણ એ પ્રેમને એવોને એવો અકબંધ એટલી જ તીવ્રતાથી અલગ અલગ રહીને સાચવી રાખવો એ પણ સાચો પ્રેમ કહેવાય.

-ચંદ્રકાંત માનાણી

તું નથી એથી

તું નથી એથી લખ્યા મેં શેર તારે કારણે,
ખાનગી વાતો બની જાહેર તારે કારણે.

દ્વાર ખુલ્લાં છે હવે ચોમેર તારે કારણે,
ઘર હતું તે થઇ ગયું ખંડેર તારે કારણે.

તું મને મળશે હવે તો ઓળખી શકશે નહિ,
એટલો મુજમાં પડ્યો છે ફેર તારે કારણે.

હું નહિ તો બહુ વ્યવસ્થિત જિંદગી જીવતો હતો,
થઇ ગયું છે આ બધું અંધેર તારે કારણે.

મારી પોતાની જ હસ્તીને કરૂ છું નષ્ટ હું,
જાત સાથે થઇ ગયું છે વેર તારે કારણે.

તારું સરનામું મને આપ્યું નહિ, તો જો હવે,
વિશ્વમાં ભટકું છું ઘેરઘેર તારે કારણે.

તું જીવાડે છે ભલે, પણ જો દશા બેફામની,
કેટલા પીવા પડે છે ઝેર તારે કારણે?

-બેફામ

જેને લીધે

જેને લીધે હું કોઈ બીજાનો નથી રહ્યો,
એનો જ સાથ મારે સદાનો નથી રહ્યો.

સૌ સાંભળે છે વાત અગર સુખની હોય તો,
દુઃખ કહી શકાય એવો જમાનો નથી રહ્યો.

આખા જગતને હક છે-કરે મારા પર પ્રહાર,
હું કઈ હવે તમારી સભાનો નથી રહ્યો.

લૂંટી રહ્યો છે જગની મજાઓ જે માનવી,
એ માનવી જ આજ મજાનો નથી રહ્યો.

મારી ગરીબી જોઈ રડે છે હવે બીજા,
મારે તો આંસુનોય ખજાનો નથી રહ્યો.

શયતાનને ય જેની કસોટીમાં રસ પડે,
ઇન્સાન એવો બંદો ખુદાનો નથી રહ્યો.

એ પણ મદદ કરે છે ફક્ત ખાસ ખાસને,
અલ્લાહ પણ હવે તો બધાનો નથી રહ્યો.

બેફામ જન્મતાં જ કઈ એવું રડ્યો હતો,
વર્ષો થયાં છતાંય એ છાનો નથી રહ્યો.

-બેફામ

મને શીખવી દે

તું કેમ રહી શકે છે
બધું જાણીને સ્થિર પ્રભુ
મને શીખવી દે
એમ સહી જવું
હસતાં હસતાં.

શું તને ખબર હતી
અંજામ પરવાના
મને શીખવી દે
એમ જલી જવું
હસતાં હસતાં.

હસી રહ્યો છે કેમ
સિતમો સહીને ઓ પાગલ
મને શીખવી દે
બધું ભૂલી જવું
હસતાં હસતાં.

તારાં આંસુઓ કેવા છે
મને બતાવ ફૂલ
મને શીખવી દે
એમ રડી જવું
હસતાં હસતાં.

-ચંદ્રકાંત માનાણી

મોતીનાં તોરણ

જાશું, જઈને મોતથી પંજો લડાવશું,
મળશે સમય તો આપની મહેફિલમાં આવશું.

તમને અમારી આંખની કીકી બનાવશું,
એમાં અમારા પ્રેમની વસ્તી વસાવશું.

નયનોને દ્વાર અશ્રુના બિંદુ જો આવશે,
પાંપણમાં ટાંકી મોતીના તોરણ બનાવશું.

અપમાન સાથ કાઢો છો ઘરમાંથી આજ,પણ,
આંસુ બનીને આપની આંખોમાં આવશું.

નાદાન શત્રુઓ અને નાદાન સ્નેહીઓ,
ઓ જીવ, જીવવાની મઝા ક્યાંથી લાવશું?

આવી જુઓ તો આપને સત્કારવાને કાજ,
બીજું નથી જો કાંઈ તો આંખો બિછાવશું.

“શયદા”જીવન-રમત મહીં એ પણ ખબર નથી,
શું શું ગુમાવી દીધું છે- શું શું ગુમાવશું?

-”શયદા”