મારી લાગણીઓની સરવાણી

ઓથાર ભાગ ૧-૨…

અશ્વીનીદાદાની ઓથાર નવલકથા વાંચી. ખુબ ગમી. વાંચ્યા પહેલાં મને એમ હતું કે આ નોવેલની શરૂઆત પણ કોઈ રહસ્યમય ખૂન સાથે થશે કારણ કે દાદાની મેં ત્રણ નોવેલ વાંચી છે, અંગાર, આશ્કા માંડલ અને નીરજા ભાર્ગવ અને યોગાનુયોગ ત્રણેય નોવેલ એક રહસ્યમય ખૂનથી થાય છે. ઓથારની કથાનો સમય સન ૧૮૫૭ પછીનો છે. જબલપુરની બાજુમાં જાનોર એક નાનું રજવાડું છે અને ત્યાંના રાજકુમાર સેજલસિંહ આ કથાનો હીરો છે. કથાની હિરોઈન છે સેના બારનીશ અને ગ્રેઈસ વિલિયમ. સેજલ સેનાને પ્રેમ કરે છે અને સેના માટે એ કઈ પણ કરવા તૈયાર છે, રાજગાદીનો ત્યાગ પણ..સેના પણ સેજલને ખુબ પ્રેમ કરે છે. બીજું એક પાત્ર ખેરાસીંહ પણ સેનાને દિલોજાનથી પ્રેમ કરે છે અને ગ્રેઈસ છે એ સેજલને દિલની અંતરતમ ગહેરાઈથી પ્રેમ કરે છે. નોવેલમાં ઘણાં બધા પાત્રો આવે છે અને બધાનું જીવંત વર્ણન કરવામાં આવ્યું છે. સેજલની માં રાજેશ્વરીદેવી, સેજલના પિતા વિક્રમસિંહ, સેનાના પિતા સંતોજી બારનીશ, બાલીરામજી, આજો માતાઈ, ધાનોજી, રાણોજી, ભુવનસિંહ, રામસતીયો, કિરનદાસ, સુબેદાર ખંડેરાવ, રામચરણ-રામશરણ, ગજાનન, છત્રપાલ, ભવાનીસિંહ, રહમત મીર,સોહારસિંહ, હરિભજનબાબા, સેવાદાસજી, જેડો રાઓટીયો…આ ઉપરાંત અંગ્રેજી પાત્રો પણ એટલાજ છે…સર વિલિયમ, કર્નલ મેલેટ, સર પોવેલ, જો ગિબ્સન, ડોક્ટર હ્યુસન, જીના પોવેલ, મેક્ગ્રેગર..આ તો મુખ્ય પાત્રો છે આના સિવાય બીજા પણ અનેક પાત્રો આવે છે દાદા બધાની ઓળખાણ કરાવતા જાય અને વાર્તા આગળ વધતી જાય..સેજલના બંને ઘોડા તુરક અને તોકલ પણ ખરા.

 

સેજલ એ એક નફીકરો રાજકુમાર હોય છે. તેની મુલાકાત ગ્રેઈસ સાથે થાય છે અને કથા વેગ પકડે છે. આખી કથા સેજલની નજરે જ આગળ વધે છે. તે પોતાની બધી નબળાઈઓ કબુલે છે. તે શરાબ અને શબાબનો શોખીન છે. સેના અને ગ્રેઈસ સાથેના જિન્સી આવેગોને કંટ્રોલ ન કરી શકવાની વાત કબુલે છે. સેનાની એન્ટ્રી સો પાના પછી થાય છે. ગોલાકી મઠની એ ગુફામાં સેનાની પ્રથમ મુલાકાતનું વર્ણન જબરદસ્ત છે..આ ઉપરાંત અનેકવાર અશ્વીનીદાદા કથામાં રોમાંચ ઊભો કરે છે. સેજલનો ખેરા સામે પ્રથમ મુકાબલો, સેનાનું જાનોરના મહેલમાં ભાગીને આવવું, સેજલનું  સેનાને ભેડાઘાટ મળવા જવું, ચાંદની રાતોમાં નર્મદા કિનારે સેના અને સેજલનો પ્રેમાલાપ, ગ્રેઈસ સાથે લાઈબ્રેરીમાં જિન્સી આવેગો, જીનાનું અપહરણ, રો ગિબ્સન જેલરનું મોત, મુઘલ અમાનતને જોવાની ઘટના, ગોલાકી મઠમાં ધિંગાણું, ગોવિંદદાસની કોઠી પર કર્નલ મેલેટની ઘેરાબંધી, ખેરાનો જાનોર પર હમલો, સેજલસિંહનો આગથી બચવાના પ્રયત્નો, જીનાનું અપહરણ, સર પોવેલનું અપહરણ..વગેરે અનેક પ્રસંગોનું કુશળતાથી આલેખન થયું છે.

સેજલ એકવખત કહે છે કે મારે સેનાને ગુમાવવી નથી અને ગ્રેઈસને છેતરવી નથી. સંજોગો એવા ઉભા થાય છે કે સેના અને ગ્રેઈસ વચ્ચે સેજલ અટવાય છે. હું વધારે લખીશ તો તમારો નોવેલ વાંચવાનો રસ ચાલ્યો જશે. કથાના બધા પાત્રોમાં મને ગ્રેઈસનું પાત્ર ખુબ પસંદ છે અને એટલે જ મેં ગ્રેઈસની કલ્પનાની ઈમેજ સાથે ઓથારની વાત લખું છું. લગાન ફિલ્મમાં ફિરંગી હિરોઈન છે એનું જ આ ફોટો છે. કથાનો અંત ખુબ જ અલગ છે. ક્યારેય ઓથાર વાંચવા મળે તો ચૂકવા જેવી નથી.

 

#ઓથાર

#અશ્વીનીભટ્ટ

GW334H500

મારી કલ્પનાની ગ્રેઈસ વિલિયમ..

૧. કાલે સાંજે બ્લોગની મુલાકાત લીધી ત્યારે બ્લોગે જાણ કરી કે ભાઈ, છેલ્લી પોસ્ટ કરીતી એને સાત મહિના થઇ ગયા. કઈક તો લખો. વચ્ચે વચ્ચે બે-ત્રણ વખત લખ્યું એ ફેસબુક પર પોસ્ટ કરી દીધું. અઠવાડિયે એક પોસ્ટ લખવાનું નક્કી તો કર્યું હતું , પણ જવા દો એ વાત. જીવનમાં ઘણું બધું બની ગયું સાત મહિનામાં. ગયા વર્ષે ડીસેમ્બરમાં વિથોણ ગયો હતો અને ખુબ મજા કરી હતી. સફેદ રણની મુલાકાત લીધી. સાગર.સીકે અને હિતેશને મળ્યો. ગુલાબી ઠંડી, વહેલી સવારનું તારાઓથી ભરેલું આકાશ, પરિચિત તડકો, ચણીયા બોર અને અડદિયા યાદ આવી રહ્યા છે.

 

૨. છેલ્લા સાત મહિનામાં કોઈ કવિતા નથી લખી. એક સ્ટોરી લખી છે જેના પર થોડું હજુ લખવાનું બાકી છે એટલે પોસ્ટ કરી શક્યો નથી. કોઈ બૂક નથી વાંચી પણ ખુબ બધા ફિલ્મો જોયાં. બેફિક્રે, તુમબીન-૨, ડીયર જીન્દગી, વજહ તુમ હો, અય દિલ હે મુશ્કિલ, અકીરા, પિંક, કાબિલ, લાલરંગ, રુસ્તમ, parched, જુનુંનિયત, સુલતાન, દંગલ, તીન, સાલા ખડૂસ, ફેન, કપૂર એન્ડ સન્સ, દિલવાલે, ફિતૂર, વઝીર, શાનદાર, તલવાર, મસાણ, હેપ્પી ભાગ જાયેગી, ફુકરેય, NH10, એમ એસ ધોની, કાલ કેજી પ્રીતિ(કન્નડા)(પા કિલો પ્રેમ), ચોઉક(કન્નડા)…

 

૩. ફેસબુક થોડા દિવસથી બહુ પરેશાન કરતું હતું, તો એક મહિના માટે ડીએક્ટીવેટ કર્યું હતું. કોઈને કશો ફેર પડ્યો નહોતો અને કોઈએ મને એફ્બી પર નથી દેખાતા એવું કહ્યું નહોતું. કોઈને કશો ફેર ન પડ્યો અને મારામાં પણ કોઈ શાણપણ ન આવ્યું એફ્બી બંધ રાખીને. છતાં ભવિષ્યમાં પણ એવા નિર્ણય લેવાશે.

 

૪. એક નાનોસો બનાવ બનેલો થોડા દિવસ પહેલા..અમે બે મિત્રો વાત કરી રહ્યા હતા. એવામાં એક ભાઈ આવ્યા જે મારી સાથે વાત કરતા હતા એના ખાસ મિત્ર. એ ભાઈએ એના મિત્રને મારી ઓળખાણ કરાવી અને મેં રામરામ કરવા હાથ લંબાવ્યો તો એ ભાઈ કહે સોરી હું હમણાં જમવા જઈ રહ્યો છું એમ કહીને રામરામ ન કર્યા બોલો…! એકપળ માટે મારી સ્થિતિ અપમાનજનક થઇ ગઈ. બીજી જ ક્ષણે અપમાનિત થયાનો ભાવ મનમાંથી ચાલ્યો ગયો. મને જરાય ખરાબ નહોતું લાગ્યું. બસ મને એવું જ થવું છે, કોઈ પણ સ્થિતિમાં સહજ, સ્થિર, સ્વસ્થ..ના દુ:ખી ના સુખી, ના માન ના અપમાન, બિલકુલ મધ્યમાં..

 

૫. ઝરણાં અને સુરભિની વાર્ષિક પરીક્ષા પૂર્ણ થઇ ગઈ છે અને હમણાં એ વેકેશનની મજા લઇ રહી છે. આઠ એપ્રિલના રીઝલ્ટ મળવાનું છે.

 

૬. દંગલ, સુલતાન અને સાલા ખડૂસ ફિલ્મ સ્પોર્ટ્સને લગતી છે. ત્રણેય ફિલ્મ ખૂબ ગમી. કઈ ફિલ્મ સૌથી વધુ ગમે છે કહી શકાતું નથી. મેં ત્રણેય ફિલ્મમાં એક વાત કોમન નોટ કરી. સપનાઓનો ભંગાર…દંગલમાં એક બાપનું સપનું, દંગલમાં એક કોચ(રણદીપ હુડાનું સપનું) અને સાલા ખડૂસમાં પણ કોચ(રાઘવન)નું સપનું. સુલતાનના ગીતો સારાં છે.

 

૭. એમ એસ ધોની બાયોપિક છે. ફિલ્મમાં એક ગીત છે જે મને ખુબ ગમે છે.

તું આતા હે સીનેમેં જબ જબ સાંનસે લેતી હું

તેરે દિલકી ગલીયો સે મેં હરરોઝ ગુઝરતી હું

હવાકે જૈસે ચલતા હે તું

મેં રેત જૈસે ઉડતી હું

કૌન તુજે યું પ્યાર કરેગા જૈસે

જૈસે મેં કરતી હું…

 

કેટલાક ગીતો એવા હોય છે જેને સાંભળતા એવું લાગે જાણે આ મારી જ લાગણીઓ છે, આ ગીત મેં જ લખ્યું છે અને એ ગીત આપણા જીવનમાં ભળી જાય છે. આવા જ બીજા બે ગીત જે મારા પસંદીદા છે, એક તો સુન સાયબા સુન અને બીજું સાત સમુંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ..

 

૮. સવારની મોર્નિંગ વોલ્ક હવે વોલીબોલ ગેમમાં તબદીલ થઇ ગઈ છે. છ-સાત મહિનાથી નિયમિત વોલીબોલની મજા મળી રહી છે.ગઈકાલે યુગાદી તહેવારની રજા હતી. હું સાંજે તળાવ કિનારે વોલ્કીંગ કરવા ગયો હતો. ત્યાં સવારમાં સાથે રમીએ છીએ તે દોસ્તો પણ મળ્યા. આટલા દિવસોમાં ન મેં એમને પૂછ્યું હતું કે ના તો એમને મને પૂછ્યું હતું કે તમે શું કરો છો ક્યાં રહો છો, પણ કાલે બરાબર ઓળખાણ થઈ અને પછી અમે જ્યુસ પીવા ગયા હતા.

 

૯. હમણાં અશ્વિની ભટ્ટ દાદાની “ઓથાર” નોવેલ વાંચી રહ્યો છું. આજ સુધી પહેલા ભાગના ૧૨૦ પેજ વાંચ્યા છે.

 

 • ચંદ્રકાંત માનાણી

બધા લોકોને જીવતા રહેવું છે પણ કોઈને વૃદ્ધ નથી થવું. આપણને બુઢાપા શબ્દથી ડર લાગે છે.કમર જુકી જશે, કરચલીઓ એનું સ્થાન જમાવી લેશે, બીપી સુગર આવી ગયાં હશે, કાને સાંભળવાનું ઓછું કરી દીધું હશે, ચશ્માં અને ડુપ્લીકેટ દાંત આવી ગયા હશે, ચાલવા માટે લાકડીનો સહારો જોઈશે…ઈચ્છા હોય કે ન હોય વૃદ્ધ તો થવું જ પડશે. ડર મરી જવાનો નથી પણ બુઢાપામાં કેવી કેવી તકલીફો સહેવી પડશે એનો ભય છે.

 

એક ભજન છે..”નહોતા જોતાને ક્યાંથી આવ્યા રે આવા ઘડપણના દિવસો,..” આ ભજનમાં આશ્ચર્ય વ્યક્ત થયું છે કે પહેલાં યુવાનીના દિવસોમાં કેવું હતું અને ઘડપણ આવતાં શું થઈ ગયું. કાળા વાળ સફેદ થઈ ગયાં, કમરથી વાંકુ વળી જવાયું…વૃદ્ધ થવું એ સાહજિક છે પણ કોઈ વૃદ્ધ થવા માંગતું નથી. બધાને ફીટ અને ફાઈન રહેવું છે કાયમ. પણ એવું થતું નથી. સમય સમયનું કામ કરે છે. શરીર વૃદ્ધ થાય છે પણ મે એક વાત નોંધી છે કે મન યુવાન જ રહે છે.

 

 

જીવનનો દરેક તબક્કો વિશેષ છે. બાળપણ, જવાની, બુઢાપો…ત્રણેય તબક્કાની પોતપોતાની ખાસિયતો છે. બાળકને નથી ભવિષ્યની ચિંતાઓ કે નથી યાદ હોતો ભૂતકાળ અને એટલે જ પોતાનામાં મસ્ત રહી શકે છે. મોટાભાગના લોકો માને છે કે બાળપણ જ જીવનનો સર્વશ્રેષ્ટ સમય હતો. કિશોરાવસ્થામાં આવીએ એટલે ખબર પડવા માંડે છે અને ફરિયાદો ઉદ્ભવે છે. બીજા મિત્ર પાસે પાકું મકાન છે, મોટી વાડી છે, પોતાની કાર છે તો અમારી પાસે કેમ નહી…જીવન સાથે સમજોતો કરી લેવો પડે છે. આ સમજોતાને નશીબનું નામ અપાય છે. ક્યાં જનમ મળવો, કેવો દેખાવ મળવો, કેવો પરિવાર અને મિત્રો મળવા, આગળ ચાલતાં કેવી પત્ની અને કેવાં બાળકો મળે છે, જવાની કેવાં કામો કરીને વીતે છે, બુઢાપો કેવો હશે…બધું નશીબ છે. બાળપણ અજાણતામાં નીકળી જાય છે, જયારે જવાની આવે ત્યારે બાળપણની યાદો સતાવે છે. જયારે જવાની ચાલી જાય ત્યારે જવાની યાદ આવતી હશે કદાચ. પ્રોબ્લમ એ છે કે આપણે વર્તમાનમાં નથી જીવતા. ભૂતકાળને નથી ભૂલી શકતા અને ભવિષ્યની ચિંતાઓ છોડી નથી શકતા અને એટલે જ દુઃખી દુઃખી રહીએ છીએ. બાળક જેવું બિન્દાસ્ત થતે આવડશે તો જ મજા પડશે જીવવાની. આ તો ઠીક છે બધાનું જીવન ઓટો મોડમાં છે એટલે વિકસતું રહે છે, શ્વાસે શ્વાસે વિકાસ થતો રહે છે, સ્ત્રીના ગર્ભમાં જ્યારથી બાળક રહે છે ત્યારથી મરે છે ત્યાં સુધી વિકસતું રહે છે. જો કોઈને એવી ચાવી હાથ લાગી ગઈ જેનાથી શ્વાસ ચાલુ રહે અને શરીર વૃદ્ધ ન થાય તો….પણ કુદરતના આપવા પાછળ કોઈ કારણ તો હશે જ. જેમ બાળપણમાં એક મોજ હતી, જવાનીમાં એક અલગ મજા છે તો વૃદ્ધત્વના દિવસોનું પણ એવું જ હશે. કોઈક તો મજા છુપાયેલી હશે એ દિવસોમાં.

 

ચંદ્રકાંત બક્ષીએ એક લેખ લખ્યો હતો જેમાં ઘડપણ વિશે દુનિયાની હસ્તીઓના અવતરણો મુક્યાં છે. ચંદ્રકાંત બક્ષીને એમના મિત્ર શિશિર રામાવતે( જે ફેસબુક પર અમારાય મિત્ર છે) એક અવતરણ પુસ્તિકા આપી હતી. એ પુસ્તિકાનું નામ ગોલ્ડન યર્સ, ગોલ્ડન વર્ડ્સ ! એમાંના કેટલાક અવતરણો અહીં મુકું છું.

 

 • અમેરિકન સુપ્રીમ કોર્ટના જજ ઓલિવર વેન્ડેલ હોમ્સએ ૯૨મે વર્ષે એક ખુબસુરત સ્ત્રીને જોઈ કહ્યું: ઓહ, જો હું ૭૦ વર્ષનો હોત….!

 

 • જો મારે મારી આખી જિંદગી ફરીથી જીવવાની આવે તો હું એ જ ભૂલો ફરીથી કરું, પણ વધારે જલ્દી એ ભૂલો કરું. –એક્ટ્રેસ તાલુલાહ બેંકહેડ.

 

 • બુઢાપો બુઝ્દીલો માટે નથી. –હોલીવૂડ અભિનેત્રી બેટી ડીવીસ.

 

 • વૃદ્ધાવસ્થા એ હવાઈ જહાજ જેવી છે, જે પવનના તોફાનમાંથી પસાર થઈ રહ્યું છે. એકવાર તમે પ્લેનમાં ચડી ગયાં… પછી તમે કઈ જ કરી શકતા નથી ! –ઇઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી ગોલ્ડા માયર.

 

 • અમુક ઉમર પછી દરેક માણસ પોતાના ચહેરા માટે જવાબદાર બની જાય છે. –આલ્બેર કામ્યૂ.

 

 • લાંબુ જીવવું છે ? શ્વાસ લેતાં રહો….-સોફી ટકર

 

 • મારે માટે બુઢાપો એટલે હું જે ઉમરનો છું, એનાથી પંદર વર્ષ વધારે. –બર્નાડ બરુચ.

 

 • હું પાંસઠ વર્ષનો છું અને એટલે બુઢાપાના કૌંસમાં મુકાઈ શકું છું, પણ જો દરેક વર્ષના પંદર મહિના હોત તો આજે મારી ઉમર ફક્ત અડતાળીશ વર્ષની જ હોત.- અમેરિકન લેખક જેમ્સ થરબર.

 

 • જયારે તમારી બર્થ-ડેમાં મીણબત્તીઓની કિંમત કેકની કિંમત કરતાં વધી જાય ત્યારે સમજવું કે હવે તમે બૂઢા થઈ રહ્યા છો..! – બોબ હોપ.

 

 • તમારું શરીર તમારો સામાન છે, જેટલો સામાન વધારે, પ્રવાસ એટલો ટૂંકો. –આર્નોલ્ડ ગ્લાઝ્ગો.

 

 • જવાની એટલે પાછળ જોવાની વસ્તુ, વૃદ્ધત્વ એટલે આગળ જોવાની વસ્તુ. – ડોરોથી સેયર્સ.

 

 • વૃદ્ધત્વનો વિરોધ નહિ કરો, એ ઘણાના કિસ્મતમાં હોતું નથી ! – અજ્ઞાત.

 

 • જીવનનું મૂલ્ય દિવસોની લંબાઈથી મળતું નથી, માણસ લાંબુ જીવે અને બહુ ઓછું જીવે એવું બની શકે છે. –મોન્તેઈ

 

 • બૂઢો માણસ જિંદગીને જેટલો પ્યાર કરે છે એટલું કોઈ નથી કરતુ ! –ગ્રીક નાટ્યકાર સોફોક્લેસે.

 

 • માણસની જીંદગીમાં અચાનક, એકાએક, એક ધક્કા સાથે આવી જતી વસ્તુ છે….બુઢાપો…! -લિયો ત્રોત્સ્કી.

 

 • આટલી બધી સ્વરૂપવાન સ્ત્રીઓ….અને આટલો ઓછો સમય ! –ફિલ્મસ્ટાર જ્હોન બેરીમોર.

 

 • તમે એટલા વૃદ્ધ ક્યારેય હોતા નથી કે યુવાન ન દેખાઈ શકો. – ફિલ્મકાર માએ વેસ્ટ.

 

 • જે સ્ત્રી પોતાની ઉમર કહી દે છે એ ગમે તે કહી શકશે ! – રીતા માએ બ્રાઉન.

 

 • ચાલીસ વર્ષના વૃદ્ધ થવા કરતાં સિત્તેર વર્ષના જવાન થવામાં વધારે મજા છે. -જજ ઓલિવર વેન્ડેલ હોમ્સ

 

 • ચાલીસ એ જવાનીનો બુઢાપો છે, પચાસ એ બુઢાપાની જવાની છે…! – નવલકથાકાર વિક્ટર હ્યુગો.

 

 • જે હૃદય સૌન્દર્ય સાથે પ્રેમમાં છે એ ક્યારેય વૃદ્ધ થતું નથી…! – એક કહેવત.

 

 • જવાનો વફાદાર રહેવા માંગે છે અને હોતા નથી, બૂઢાઓ બેવફા થવા માંગે છે અને થઈ શકતા નથી. – ઓસ્કાર વાઈલ્ડ.

 

 • જો મને ખબર હોત કે હું આટલું વધારે જીવવાનો છું તો મે મારો વધારે ખયાલ રાખ્યો હોત. – અજ્ઞાત.

 

 • જયારે તમે જવાન હો છો ત્યારે તમારાં શરીરને ચેલેન્જ કરો છો. બુઢાપામાં તમારું શરીર તમને ચેલેન્જ કરે છે ! નર્તક બેરીશનીકોવ.

 

 • હું માનતો નથી કે કોઈ વૃદ્ધ થતું હોય છે, પણ જિંદગીમાં એક ઉમર એવી આવતી હોય છે કે, માણસ ઊભો રહી જાય છે અને સડવા લાગે છે. –કવિ ટી એસ એલિયટ.

કી&કા

 

બ્લોગમાં અપડેટ્સ લખવાનું છૂટી ગયું. જવાબદાર હું જ છું. ચલો સાથોસાથ અપડેટ મુકી દઉં. ગયા મહિને બેંગકોક પટાયા જોવાનો મોકો મળ્યો. એનાં વિશે એક વિસ્તૃત પોસ્ટ ફોટો સહિતની મુકવાનું વિચારી રહ્યો છું જોઈએ…નીરજા ભાર્ગવ અને બક્ષીનામા વાંચી લીધી અને હવે વજુ કોટક અને હરકિશન મહેતાની ડોક્ટર રોશનલાલ હાથમાં લીધી છે. બસ જીવન મોજમાં વીતી રહ્યું છે. સુરભિ અને ઝરણાંની સ્કુલ શરુ થઈ ગઈ છે. કાલે સુરભિએ મને કહ્યું જુઓ પપ્પા મને સ્ટાર દોરતાં આવડી ગયો અને દોરીને બતાવ્યો. લગભગ એક મહિનાથી રાત્રે વાર્તા કહેવાનો સીલસીલો સ્ટોપ થઈ ગયો હતો. વાર્તા કહેવાની મેં એક શરત મૂકી છે જો હોમવર્ક તો વાર્તા, આજથી વાર્તા રાબેતા મુજબ શરુ થવાની છે.

 

તાજેતરમાં રીલીઝ થયેલી ગમતી ફિલ્મોમાં જોવાની રહી ગયેલી ફેન, કપૂર એન્ડ સંસ અને કી&કા…લીસ્ટ લાંબુ નથી. આજે કી&કા જોઈ. ખુબ ગમી. લગ્ન પહેલાં પ્રોબ્લેમ કે ખુશીઓ વ્યક્તિગત હોય છે લગ્ન પછી બંને જણાની… જો ધ્યાન રાખવામાં ન આવે તો ફરીથી મુશ્કેલીઓ અને ખુશીઓ વ્યક્તિગત બનતાં વાર નથી લાગતી. એક ડાયલોગ ખુબ ગમ્યો,”યે તેરી ઔર મેરી પ્રોબ્લેમ નહી હૈ યે હમારી પ્રોબ્લેમ હૈ.” આ પહેલાં કી&કા જેવી કહાની આમીર-મનીષાની મન, આદિત્ય-શ્રદ્ધાની આશિકી-૨ જોઈ હતી. ફિલ્મમાં કબીરને એકદમ કુલ બતાવ્યો છે. એક બાબત તો શીખવી જ રહી કે કોઈ નજીકની વ્યક્તિ ગમે તેવા ઈલ્ઝામ લગાવે અને આપણે સાચા હોઈએ તો સાબિત કરવાની જરૂર નથી બસ સ્વસ્થતાથી સાંભળી લેવાની જરૂર છે બાકી બધું આપોઆપ થઈ જશે. કબીરની જેમ મને પણ ટ્રેનોનો ક્રેઝ છે. મને તેમાં ટ્રાવેલ કરવાની ખુબ મઝા આવે છે. ભારતીય રૈલ કેટલી બધી લવ-સ્ટોરીને ધરબીને બેઠી છે અને રોજરોજ નવીનવી કેટલીય સ્ટોરીઓ બનતી હશે. સાલા એવા દોસ્તારો હોવા ખુશનશીબી છે કે જેઓ બ્રેકઅપ વખતે સંભાળી લે.

 

-ચંદ્રકાંત માનાણી

 

 

 

જીવનથી ફરિયાદ નહીં કરું કેટલા દિ’
એની એ જ વાત સમજાવીશ કેટલા દિ’

તારી આંખો છલોછલ ભરેલું તળાવ છે,
આંસુને છલકતાં અટકાવીશ કેટલા દિ’

રોજ એક નિર્ધાર કરું છું ને વિચારું છું,
તને ક્યારેય યાદ નહીં કરું કેટલા દિ’

સડવા માંડે એની દુર્ગંધ છૂપાવી ન શકાય,
મારી નિયતને છૂપાવીશ હું કેટલા દિ’

સૂરજની જેમ નીકળીશ રોજ પૃથ્વી પર,
પછી જોઈએ તુ મને નહીં મળીશ કેટલા દિ’

બહાર નીકળી જવા મથતા શ્વાસને,
તું પાછા અંદર ખેંચ્યા કરીશ કેટલા દિ’

-ચંદ્રકાંત માનાણી

ગઝલ સારી લખવી હોય તો શું જોઈએ,
ખુશી ઘણી  હોય ભલે એકાદ આંસુ જોઈએ.

ગમતું સુખ મળે નહીં તો ગમતું દુ:ખ ચૂનજે,
મરજી તારી જ ચાલે એવું જીવન જોઈએ.

રડતી આંખ ભાળી ભલે આંસુ લૂછે નહીં,
રડતાં દિલને સમજી લે એવું સ્વજન જોઈએ.

વિરહની વેદનામાં તડપી રાધાએ કહ્યું’તું,
જુદાઈ જેમાં હોય નહીં એવું મિલન જોઈએ.
image

-ચંદ્રકાંત માનાણી

બરાબર એક મહિનો થયો, ઉત્તર ભારતના પ્રવાસે મને થકવી નાખ્યો. નંદીનીના સાથ છૂટ્યા ને પાંચ વર્ષ થઈ ગયાં. દીકરો અને વહુ છે જે મારી ખુબ સંભાળ લે છે. કાલે મારો પંચાવનમો બર્થડે છે એટલે વિનીત ઓફિસમાં બધાને પાર્ટી અને એક પગાર બોનસ આપવાનો છે. કેવો બેફીકર હતો અને કેટલો જવાબદાર બની ગયો મારો દીકરો…! મારું જીવન પણ બેફીકર હતું જે નંદીનીએ આવીને જાણે નંદનવન બનાવી દીધું. વિનીત મને ફોર્સ કરી રહ્યો છે બીજા લગ્ન કરી લેવાનું ને નંદીનીની યાદ દિલમાંથી જતી નથી.

આજે ઓફિસમાં ઉત્સવ જેવો માહોલ હતો. કુલ ૨૦ જણનો સ્ટાફ છે. આજે કોઈને કઈ કામ નથી કરવાનું. બપોરનું ભોજન લઈને બધાએ છુટા પડવાનું હતું. અમે જમીને પાછા ઘેર પહોચ્યાં ત્યારે ત્રણ વાગી ગયા હતા. પાર્ટીમાં એક સ્ત્રીનો ચહેરો વારંવાર નજર સામે તારી આવતો હતો. એ ચહેરો જાણે દામીનીનો જ હોય એવું મને લાગતું હતું. એને કદાચ હમણાં જ જોઈન કર્યું હશે, મહિના પહેલા તો એ ન્હોતી. બીજા દિવસનો હું આતુરતાથી રાહ જોઈ રહ્યો, અને બધાથી પહેલાં ઓફીસ પહોચી ગયો. બધી ટેબલો એક પછી એક ભરાવા લાગી અને મારા ઇન્તઝારનો પણ અંત આવ્યો. એ પણ આવી જેના વિચારમાં હું કાલથી ડૂબેલો હતો.મે વિનીતને ડાયરેક્ટ જ પૂછી લીધું કે આ કોણ છે…તો વિનીતે તરત એને બોલાવી અને મારો પરિચય કરાવ્યો. એનું નામ કાંચી,એણે આવીને સ્માઈલ કર્યું, એના ગાલ પર પડતાં ખંજને મને પાંત્રીસ વર્ષ પહેલાનાં ભૂતકાળમાં ડૂબાડી દીધો. એ જ ભૂરી આંખો અને એવો જ ચહેરાનો ઘાટ..

હમણાં હમણાં કોલેજના દિવસોમાં જ જાણે જીવતો હોઉં એવું લાગતું હતું. મારી કેબીનમાંથી હું કાંચીનો ચહેરો આરામથી જોઈ શકતો. જાણે કે હું કોલેજના રૂમમાં જ બેઠો છું એને તાકતો..ફરક માત્ર એટલો હતો કે એ મને વળીને  જોતી ન્હોતી. કોલેજમાં હું હમેશા છેલ્લેથી બીજી બેન્ચમાં બેસતો અને દામિની પહેલી બેન્ચમાં. હું પાછળ એટલે જ બેસતો કે એને આરામથી જોઈ શકાય અને કોઈને શક પણ ન જાય, ત્યારે ખુબ ડર લાગતો કે કોઈ મને દામીનીને જોતો જોઈ જશે અને બધાને ખબર પડી જશે…એ તો પડવાની જ હતી, પ્રેમ કઈ છુપાયો છુપે છે ક્યાં…? એ પણ મને કોઈને કોઈ બહાને પાછળ જોઈ લેતી. એની ભૂરી ભૂરી ચમકતી આંખોમાં હંમેશા અગમ્ય ભાવો રહેતાં અને હોઠો પર સ્મિત.શરૂઆતમાં મને ડાઉટ હતો કે મારા સામે જુવે છે કે કેમ…?

છ મહિના થઈ ગયા કાન્ચીની સર્વિસને….. હું ફરીથી વીસ વર્ષનો જુવાન થઈ ગયો હોઉં એવું લાગતું હતું. કાન્ચીને બસ જોઈ રહેવામાં મજા આવતી.જયારે જયારે કાંચી સાથે નજર મળી જતી ત્યારે તેણીએ મને ચોરી કરતાં પકડી પાડ્યો હોય એવું લાગતું. હું તરત નજર ફેરવી લેતો. શાયદ એ પણ એવું માનતી હશે કે હું એને લાઈન મારું છું. પણ મારો એવો કોઈ બદઈરાદો નહોતો. હું તો શાંત કાંચીમાં રમતિયાળ દામિની શોધતો રહેતો. મને એમ થતું કે મારે કાંચી સાથે ખુલ્લા મને એકવખત વાત કરવી જોઈએ. કાંચી મારે ત્યાં નોકરી કરતી હતી પણ જાણે હું તેને આધીન થઈ ગયો હોઉં એવું લાગતું. કોઈ ફાઈલ જોઈતી હોય તો કાંચીને કેબીનમાં બોલાવવા કરતાં હું જાતે જ તેની પાસેથી લઇ આવતો અને એ ફરિયાદી સુરે કહેતી સર મને કહ્યું હોત હું આપી જાત….

દિવાળીના દિવસો આવી ગયા હતા અને લાભપાંચમ સુધી કામકાજ બંધ હતું. દરવર્ષની જેમ આ વર્ષે પણ વિનીતે બધા સ્ટાફને રિસોર્ટમાં પાર્ટી આપવાનું નક્કી કર્યું અને એક રિસોર્ટ બે દિવસ માટે બુક કરાવ્યો. અમે પચ્ચીસ જણા હતાં. પહેલા દિવસે બપોર સુધી કામકાજ અંગે ચર્ચા કરી અને બપોર પછી જેને જે રમવું હોય ટેબલ ટેનીસ, બેડ મીન્ટન, વોલીબોલ, ક્રિકેટ… કાંચી સાથે શું વાત કરવી એજ અવઢવમાં સાંજ થઈ ગઈ.રાત્રે બરાબર ઊંધી પણ ના શક્યો. સૂતાં પહેલાં પાકો નિર્ણય કરી લીધો કે ગમે તે થાય કાલે કાંચી સાથે વાત કરીને જ રહીશ….મારે ક્યાં કઈ ખોટું કરવું છે કે હું ડરી રહ્યો છું. સવારે ઉઠવામાં મોડું થઈ ગયું. બધા નાસ્તો કરી રહ્યાં હતાં..ફક્ત વિનીત મારી રાહ જોઈને બેઠો હતો. હું હોલમાં દાખલ થયોને વિનીતે નાસ્તાની બે પ્લેટો તૈયાર કરાવી. હવે અહીં કોઈ ચાન્સ નહોતો, કાંચી નાસ્તો કરીને ચાલી ગઈ હતી. અમે પણ નાસ્તો કરી સામાન્ય ચર્ચા કરી નીકળ્યા. બધા સમોવડિયા હતાં, ઉમરમાં હું જ એક મોટો હતો. બધા લોકો લગભગ વોલીબોલ કોર્ટ પર હતા. હું મારા કોલેજકાળની પ્રિય રમત કેરમને શોધતો ઇન્ડોર સ્ટેડિયમમાં પહોચ્યો. ત્યાં જઈને જોયું તો ત્રણ છોકરીઓ કેરમ રમતી હતી અને એમાં કાંચી પણ હતી. મને જોયો એટલે એમાંની એકે કહ્યું સર ચલો કેરમ રમો…અને હું પણ કાન્ચીની સામેની ખાલી જગા પર બેસી ગયો….અને પછી કોલેજકાળની સ્મૃતિ તરવરી રહી…કોલેજના પ્રથમ વર્ષથી જ હું અને દામિની જોડીદાર થતાં અને જીતતાં. આ સીલસીલો ત્રણેય વર્ષ ચાલ્યો. હું ઘણાં વરસો પછી કેરમ રમી રહ્યો હતો. કાંચી સારું રમી રહી હતી જાણે દામિની જ જોઈ લ્યો…થોડીવાર રમ્યા પછી એમાંની એકે વોલીબોલ કોર્ટ પર જવાની વાત કરી, ને ત્રણેય જવા તૈયાર પણ થઈ ગઈ. ત્યારે મે કાંચીને મારી સાથે થોડીવાર રમવા કહ્યું અને તે સંમત થઈ…તે દરમિયાન મે કાંચીને કહ્યું કે મારે તારી સાથે વાત કરવી છે. તો તેને કહ્યું અરે સર તમે તો વડીલ કહેવાઓ કહો જે કહેવું હોય તે,,,હજુ વધુ વિશ્વાસમાં લેવા મેં કહ્યું, તું કોઈને ના કહે તો જ……તો તેને સ્મિત કરતાં કહ્યું કોઈને નહી કહું બસ, મારા પર વિશ્વાસ રાખી શકો છો..મે જરા ખચકાતાં કહ્યું, જો કાંચી, હું તારા પપ્પાની ઉમરનો હોઈશ , કહેતા શર્મ પણ આવે છે. પણ પણ સાંભળ મારે આજ કહેવું જ છે, કે તું મારી પ્રેયસી જેવી દેખાય છે અદ્દલ એના જેવી જ. છેલ્લાં છ આઠ મહિનામાં તે મારી નજરનો ત્રાસ સહન કર્યો છે તને કામ કરવામાં તકલીફ પણ થઈ હશે મને માફ કરી દે પ્લીઝ…અરે સર તમારે માફી ન માંગવાની હોય અને તમે કહ્યું તેમ પિતાતુલ્ય તો છો જ…હા એ છે કે થોડો ડર લાગતો તમારી નજરથી. લાગે છે તમે એને સાચો પ્રેમ કર્યો છે…? કાંચીએ વળતો પ્રશ્ન કર્યો… હા અમે કોલેજના પ્રથમ વર્ષથી જ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતાં. એ વર્ષો જીવનનાં સૌથી મહત્વના અને રોમાંચક હતાં. તને કંટાળો ના આવે તો કહું….ના રે સર…. મને તો ખુશી થશે તમારી સ્ટોરી સાંભળવાની. પછી મેં કાંચીને ટૂંકમાં બધું કહ્યું..કાંચીએ પૂછ્યું સર એનું નામ શું હતું અને તે ક્યાં ગામનાં હતાં..? એનું નામ દામિની અને એ વડોદરાની હતી અમદાવાદ મામાનાં ઘરે રહીને એ ભણતી હતી…મારો જવાબ સાંભળીને કાંચી જરા ચોંકી હતી. થોડીવાર પછી અમે પણ સ્વીમીંગપુલ તરફ ગયાં.

સ્વીમીંગપુલ પાસે એક છત્રી નીચે આરામ ખુરશી હતી મેં તેના પર લંબાવ્યું. આંખો મીંચીને હું પહોંચી ગયો કોલેજના દિવસોમાં……એ દિવસોમાં, સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. દામિનીએ બધી રમતોમાં નામ લખાવ્યું હતું…મેં તો કોઈ રમતમાં નામ ન્હોતું લખાવ્યું. અમે બધા મિત્રો બેઠા હતાં અને એણે અચાનક જ પૂછ્યું કે કેરમમાં મારો જોડીદાર થઈશ…? મેં વિના વિલંબે હા તો કરી દીધી પણ કેરમમાં જરા પણ ફાવટ ન હતી.તે છતાં અમે રમ્યાં, જીત્યાં અને ત્રણેય વર્ષ જીત્યાં. તે સ્પર્ધાના દિવસે જ તેણે મને પૂછેલું કે,મારા જીવનમાં ય જોડીદાર થઈશ..? અને મારી ખુશીનો પાર ન હતો. એકવખત કોલેજ તરફથી અમારે છ જણને સુરતમાં સાયન્સ ફેર જવાનું હતું. સવારની સાત વાગ્યાની ટ્રેનમાં અમારી સીટિંગ ક્લાસની ટીકીટ રિઝર્વ હતી.  હું બારી પાસે બેઠો હતો, મારી બાજુમાં દામિની આંખો બંધ કરીને બેઠી હતી. હું બારી બહાર સરકતાં દ્રશ્યો જોઈ રહ્યો હતો. હળવેકથી દામિનીએ મારો હાથ પકડ્યો અને બસ પકડી રાખ્યો. દસ મિનીટ એમને એમ વહી ગઈ. ધીરેથી એણે આંખો ખોલીને મને પૂછ્યું, તું મને કિસ કરી શકે, અહીં અત્યારે જ…? હું નિરુત્તર એની સામે ફક્ત જોતો રહ્યો. એણે કહ્યું, કેમ તારી ફાટે છે..? મેં માથું નમાવીને હા કહી. દામિનીની મારા હાથની પકડ ટાઈટ થઈ અને એજ ક્ષણે તેણે મને કિસ કરી. એની આંખો બંધ હતી અને મારી આંખો ફાટી ગયેલી. આજેય એ વિચારે મારા ચહેરા પર સ્મિત આવી ગયું.

ઓફીસનું કામ રાબેતા મુજબ ચાલતું હતું. હવે મને જાણે કાંચીને જોઈ રહેવાનું લાઈસન્સ મળી ગયું હતું. જયારે પણ નજર મળતી એ અચૂક સ્માઈલ આપતી. એક દિવસ કાંચીએ મને કહ્યું સર ચલો આપણે મુવી જોવા જઈએ. પહેલી વખત અમે ઓફિસની બહાર મળ્યાં. સર મને કોઈ મુવી નથી જોવું તમારી સાથે થોડી વાત કરવી છે. મને પૂછવું છે કે બધું બરાબર હતું તો તમારાં લગ્ન દામિની સાથે કેમ ન થઈ શક્યાં…? કહીશ પછી ક્યારેક કહીને મેં જવાબ આપવાનું ટાળ્યું…તમને દામિની ફરી મળે તો તમે એની સાથે લગ્ન કરો ખરા…? આજે કાંચી, દામીનીનો પીછો છોડે એમ નથી લાગતું…મેં કહ્યું મારી મરજી હશે તો શું એ લગ્ન કરી લેશે એમ..? મને ખબર છે એ પણ પરણેલી છે….તો કાંચીએ કહ્યું હું એટલા માટે કહું છું કે હું દામિનીને હું બરાબર ઓળખું છું….એ મારી મમ્મી છે. એ એકલી થઈ ગઈ છે જીવનમાં..મારા પપ્પા દસ વર્ષ પહેલાં દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. કાંચીની આંખોમાં આંસુની એક ટશર ફૂટી નીકળી. કાલે મારો બર્થડે છે, તમને મારા ઘરે આવવું પડેશે. હું નથી ઇચ્છતી કે તમે બંને એકલાં એકલાં જીવો. કાન્ચીની વાત સાંભળીને દિલના તાર ઝણઝણી ગયા…પારાવાર દુઃખ થયું….મનમાં એક આશાનું કિરણ પણ ફૂટ્યું. અને મેં કાલે દામિનીને મળવાનું નક્કી કર્યું.

 

-ચંદ્રકાંત માનાણી (૩૦/૦૪/૨૦૧૩)